Wed Jun 17 2026

Logo

સ્થાપત્યની સામગ્રીનું નિર્ધારણ...

2026-06-13 10:18:00
Author: Hemant Wala
Article Image

સ્થાપત્યનું વાઈ-ફાઈ - હેમંત વાળા

સ્થાપત્ય માટે રચના શબ્દ વપરાય છે. રચના એટલે જ જે તે પ્રકારની સામગ્રીનું સંગઠન. ઈંટ, સિમેન્ટ, કપચી, પથ્થર, લાકડું, સ્ટીલ, કાચ, પ્લાસ્ટિક, સિરામિક, એલ્યુમિનિયમ - સ્થાપત્યની રચનામાં અનેક પ્રકારની સામગ્રીનો ઉપયોગ થાય છે. દરેક સામગ્રીની એક ઉપયોગિતા છે. આ ઉપયોગિતા માત્ર તકનીકી કારણોને આધારે જ નહીં પરંતુ ભાવનાત્મક અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં પણ નિર્ધારિત થતી હોય છે. કેટલીક સામગ્રી મજબૂતી માટે વપરાય તો કેટલીક દેખાવ માટે, કેટલીક સામગ્રી ઉપયોગિતામાં સરળતા રહે તે માટે હોય તો કેટલીક વિગતીકરણ દ્વારા જે તે પ્રકારની દૃશ્ય અનુભૂતિ સ્થાપિત કરવા વપરાય. સંભાવનાઓ વિવિધ પ્રકારની છે.

સામગ્રીના દરેક પ્રકારના ઉપયોગ સાથે એક નિર્ધારિત ઉદ્દેશ્ય હોય, જો સામગ્રીનો ઉપયોગ અસરકારક રીતે થયો હોય તો તે ઉદ્દેશ્ય સિદ્ધ થઈ શકે. સામગ્રીની પસંદગીમાં  પ્રાપ્ય સ્થાનિક કૌશલ્ય, પર્યાવરણલક્ષી વિવેક, પરંપરાગત ભાવાત્મક જોડાણ, ખર્ચને અનુલક્ષીને રાખવામાં આવેલ સંયમ, લખાયેલાં તેમજ ન લખાયેલાં સ્થાનિક કાયદાનું અનુકરણ, વ્યક્તિગત પસંદગીને અપાતાં મહત્ત્વની માત્રા, સમાજમાં પ્રવર્તમાન વલણ તથા જરૂરી અનુભૂતિ મહત્ત્વની ભૂમિકા ભજવે. ઘણીવાર સામગ્રીનો ઉપયોગ દેખાદેખીમાં પણ થતો હોય છે.

દરેક સામગ્રીની પોતાની દૃશ્ય અનુભૂતિ હોય. પ્રત્યેક સામગ્રી સાથે માનવીનો ભાવાત્મક સંબંધ હોય, મનોવૈજ્ઞાનિક ભૂમિકા હોય છે તથા સાંસ્કૃતિક અને પરંપરાગત સમીકરણો હોય. કોઈ સામગ્રી નક્કરતાનો ખ્યાલ આપે તો કોઈ નરમાશ દર્શાવે, કોઈ બરછટતા ઊભી કરે તો કોઈ મુલાયમ બની રહે, કોઈ હલકી જણાય તો કોઈ વજન દર્શાવે, કોઈ નક્કર જણાય તો કોઈ સ્વાભાવિક રીતે - હોય નહીં તો પણ પોકળ લાગે, કોઈ કુદરતીપણાનો અહેસાસ કરાવે તો કોઈ સ્વાભાવિક રીતે યાંત્રિક જણાય, કોઈ મૂળ સ્વરૂપમાં પ્રયોજાય તો કોઈક લાંબી પ્રક્રિયા પછી ઉપયોગમાં લેવાય. વિકલ્પો ઘણાં છે અને સંભાવનાઓ પણ ઘણી છે. તેથી જ પસંદગીમાં થોડી સાવચેતી રાખવી પડે.

કેવા પ્રકારનું બાંધકામ હશે, બાંધકામનું પ્રમાણમાપ કયું હશે, મકાનની અંદાજિત કિમત પર શી અસર પડશે, બાંધકામ થકી કેવાં પ્રકારનો ભાવ સ્થાપિત કરવો છે, મકાનની સાથે કેવા પ્રકારની મનોભૂમિકાની જરૂરિયાત છે - આ બધી બાબતને આધારે બાંધકામની સામગ્રીની પસંદગી થતી હોય. એફિલ ટાવર બનાવવો હોય તો લોખંડ જ જોઈએ અને તાજમહાલ માટે આરસપહાણ કરતાં વધુ યોગ્ય સામગ્રી ન હોઈ શકે. ધરતીકંપ વાળા પ્રાચીન કચ્છમાં માટીનાં ભૂંગા સ્વાભાવિક હોય જ્યારે જેસલમેર જેવાં સ્થાને ગરમીથી રક્ષણ મેળવવા પથ્થરની જાડી દીવાલોનો યોગ્ય ગણાય. અમુક સામગ્રી માળખું મજબૂત બનાવવા માટે જરૂરી બને, તો અમુક સામગ્રીના વિગતિકરણથી અલંકૃતતા ઉભી શકે અને એક પ્રકારનું સૌંદર્ય સ્થાપિત થાય. ભવ્યતા સ્થાપિત કરવા પથ્થર જેવી સામગ્રી વધુ ઉપયોગી જણાય તો ઇજનેરી ક્ષમતા દર્શાવવા લોખંડનો ઉપયોગ વધુ થતો હોય છે. પારદર્શિતા સ્થાપવા માટે કાચ ઉપયોગી છે તો માનવીય સંવેદનાઓને સાચવવા માટીનો ઉપયોગ થતો જોવાં મળે છે. એ સમજી લેવું જરૂરી છે કે રેતીનો કિલ્લો ન બનાવાય. કાચના મકાન માટે પણ પ્રશ્નો તો છે જ.

જુદી જુદી સામગ્રી જુદા જુદા પ્રકારનાં આકાર આપી શકે. માટીમાંથી જે દળદાર આકાર શક્ય છે તે લોખંડના ઉપયોગ થકી શક્ય ન બને. કોન્ક્રીટના આકારના નિર્ધારણમાં જે સ્વતંત્રતા મળે તે પથ્થરના ઉપયોગથી પ્રાપ્ત ન થાય. કાચની બારીથી જે અનુભૂતિ મળે તે લાકડાના પાટીયાવાળી બારીમાં સ્થાપિત ન થઈ શકે. લાકડાની માળખાકીય રચનામાં માપની જે મર્યાદા હોય તે મર્યાદા લોખંડના ઉપયોગથી દૂર કરી શકાય. ઘણીવાર એમ બની શકે કે કોઈ એક સામગ્રી જે તે કાર્ય કરવા સક્ષમ ન હોય, તેવાં સંજોગોમાં જુદી જુદી સામગ્રીને એકત્રિત કરી સ્થાપત્યના વિવિધ અંગોનું નિર્માણ થતું હોય છે. કોન્ક્રીટની જ વાત કરીએ તો, મૂળમાં સાદું કોન્ક્રીટ તાણ પ્રકારનું બળ લેવા સક્ષમ નથી. તેથી તેમાં સળિયા મૂકવામાં આવે છે. સળિયાથી મકાનના જે તે અંગ પર તાણ લાગુ પડે તેનો નિવેડો આવી જાય અને બાકીની સામગ્રી દબાણ ઝીલવા માટે અસરકારક રહે.

અમુક સામગ્રીથી પરંપરા તથા સંસ્કૃતિની છાપ સરળતાથી ઊભરી શકે તો અમુક સામગ્રી આધુનિકતાનો ભાવ જાગૃત કરે. કેટલીક સામગ્રી ભૂતકાળ - ઇતિહાસ તરફ લઈ જાય તો કેટલીક ભવિષ્ય તરફ ડગલા માંડતી હોય તેમ જણાય. કોઈ સામગ્રી જકડી રાખવા વધુ સક્ષમ હોય તેમ જણાય તો અન્ય કોઈ સામગ્રીને જકડી રાખીને સાચવવી પણ પડે. અમુક સામગ્રી માટે પરંપરાગત લગાવ હોઈ શકે તો અમુક આધુનિકતાની વિચારસરણીની સ્થાપના માટે જરૂરી રહે. ક્યારેક સામગ્રીની પસંદગીમાં વ્યક્તિગત ચાહનાની ભૂમિકા મહત્ત્વની હોય તો અમુક સમયે પ્રચલિત વલણ મહત્ત્વનું બની રહે છે. કાયદાની દૃષ્ટિએ પણ અમુક સામગ્રી સ્વીકૃત કે અસ્વીકૃત હોય. સ્થાપત્યમાં કેટલીક સામગ્રી એવી પણ હોય છે કે જે નજરે જ ન ચડે. તેવા પ્રકારની સામગ્રીની પસંદગી માત્ર ઉપયોગિતાની દૃષ્ટિએ થતી હોય છે. એક વિચારધારા પ્રમાણે આજુબાજુની પરિસ્થિતિને અનુરૂપ પણ સામગ્રીનું ચયન થવું જોઈએ, પણ સાંપ્રત સમયમાં આ વાતનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. ઇતિહાસ સાક્ષી છે કે અમુક સામગ્રીનો સામગ્રીના અમુક પ્રકારના ઉપયોગ થકી સ્થાપત્યની સીમા વિસ્તરી છે.

માળખું મજબૂતાઈથી ઊભું રહેવું જોઈએ, મજબૂતાઈ માટે ચોક્કસ સમયગાળો પણ નિર્ધારીત થયેલો હોવો જોઈએ, મકાનની આંતરિક સપાટીઓમાં સ્વચ્છતા અને રખરખાવ માટે સરળતા હોવી જોઈએ, કોઈપણ પ્રકારની જોખમી પરિસ્થિતિ ઊભી ન થાય તેની કાળજી રખાયેલી હોવી જોઈએ, તકનીકી જાણકારી તથા તકનીકી કૌશલ્ય પ્રાપ્ય હોવું જોઈએ વળી સામગ્રીની પસંદગીમાં ક્યાંક કલાત્મકતા પણ હોવી જોઈએ. સામગ્રીની પસંદગી અને તેનો ઉપયોગ એ રીતે હોવો જોઈએ કે તે દૃશ્ય અનુભૂતિને પકડી રાખે. સામગ્રીની પસંદગી સ્થાપત્યની શૈલીની અનુસારની હોય તે પણ જરૂરી છે. સ્થાપત્યની જે તે શૈલી માટે જો ચોક્કસ પ્રકારની સામગ્રીનો ઉપયોગ શાસ્ત્રીય રીતે થાય તો પરિણામ વધુ સારું આવી શકે. કોઈ એક કામ માટે એક કરતાં વધારે વૈકલ્પિક સામગ્રી હોઈ શકે. તે વખતે પસંદગી માટે વધુ સંવેદનશીલ અને વધુ રચનાત્મક હોવું જરૂરી બને. જ્યારે મકાન વિશાળ લાગે, સરળ જણાય, વિસ્મય સ્થાપિત થાય, સ્વીકૃત કે અસ્વીકૃત લાગે, ત્યારે તે પ્રકારની અનુભૂતિમાં સામગ્રીનો પણ ફાળો હોય જ. આમ તો દરેક સામગ્રી દ્વારા સ્વપ્ન સાકાર થઈ શકે, છતાં પણ સ્વપ્ન, સામગ્રી અને રચનાના પ્રકાર વિશે જો સુ-સંવાદિતતા હોય તો સારું રહે.