Wed Jun 17 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડ: સ્ત્રીન - આ નોર્વેજિયન ટાઉનમાં છે બ્લુ રંગનો દરેક શેડ...

2026-06-13 09:18:00
Author: Pratiksha Thanki
Article Image

 

- પ્રતીક્ષા થાનકી

ગ્લેસિયર પાસે હોવાના અનુભવને ઘણે અંશે દરિયાકિનારાના અનુભવ સાથે સરખાવી શકાય. જેમ દરિયો જાણે કોઈ અંત વિના પાણીથી ભરેલો દેખાતો, એવું જ કંઇક ગ્લેસિયરમાં અનંત સ્નોનું પણ છે. અંતે તો બધે પાણી જ દેખાઈ રહૃુાં છે. અમે ગ્લેસિયરને પેરેલલ સ્ત્રીન ગામની નજીક જરા ટેકરી પર રોલ થઈ રહૃાા હતાં. ત્યાં પાસે ગ્લેસિયર વોટરની કેનાલ પણ વહી રહી હતી. જરા જગ્યા મળી એટલે સાઇડમાં ઊભાં રહીને ગ્લેસિયરનું પાણી બોટલમાં ભર્યું અને થોડું તો ત્યાં ઊભાં ઊભાં જ ગાટકી ગયાં. બધી તરફ બ્લુ, ગ્રીન અને વ્હાઇટ જ અલગ અલગ સ્વરૂપમાં જોવા મળી રહૃાાં હતાં. ગ્લસિયર વોટરનો સ્ટોક ગાડીમાં ભરીને અમે સ્ત્રીન તરફ આગળ વધ્યાં. અમારા સ્ટાવાન્ગરનાં મિત્રોએ ખાસ ભાર મૂકીને કહૃુાં કે ટ્રોન્ડહાઇમ તરફ ડ્રાઇવ કરીને જાઓ તો રસ્તામાં સ્ત્રીનમાં ખાસ રોકાજો. તેમના કહેવા મુજબ સ્ત્રીન નોર્વેનાં સૌથી સુંદર દૃશ્યોથી ભરેલું છે. બસ એ દૃશ્યો ક્યાં આવેલાં છે તેની જરા શોધ કરવી પડશે.

એક વાર સ્ત્રીન ચાલું થયું એવું અમે જરા જોવાલાયક સ્થળોના લિસ્ટ તરફ નજર કરી. એવામાં એક મેઇન રોડમાં તો આખું ટાઉન પૂરું થઈ ગયું. પછી ખબર પડી કે સ્ત્રીનનાં મુખ્ય જોવાલાયક સ્થળોને ગામ સાથે કંઇ લેવા દેવા નથી. બધાં સ્થળો પહાડો અને પાણીથી જ ઘેરાયેલાં હતાં. અમે હવે ઓલરેડી કન્વિનિયન્સ સ્ટોરથી સાથે લાવેલો નાસ્તો પૂરો કરી ચૂક્યાં હતાં. અહીં એક બેકરીથી સેન્ડવિચીઝ લીધી અને સાથે દેસી નાસ્તાનો થેલો ખૂલ્યો. સ્ત્રીનના ખ્યાતનામ  ફ્યોર્ડના કિનારે પથ્થરોના પિકનિક ટેબલ પર બેસીને અમે મહેફિલ જમાવી. આ બ્રિક્સડાલ ફ્યોર્ડની આસપાસના પહાડો આકાશને બરાબર એવી રીતે ફ્રેમ કરતા હતા કે તે લાઇટમાં ત્યાંનું પાણી બાકીના નોર્વે જેવું ઘેં બ્લુ હોવાને બદલે ટર્કોઈઝ બની ગયું હતું. બ્રિક્સડાલનો દરેક ખૂણો સુંદર હતો, તેમાં ત્યાંનાં ખ્યાતનામ દૃશ્યો રિક્રિયેટ કરવા માટે ખરી જગ્યા કઈ હતી તે ખબર જ ન પડી. 
અહીં જરા માણસો પણ દેખાયા. બાકી નોર્વેમાં રસ્તામાં ટ્રાફિક માટે પણ હવે નજર તરસી જતી હતી. પહેલા દિવસે ઓસ્લોથી સ્ટાવાન્ગર જતી વખતે જે ટ્રાફિક નડ્યો હતો, તે પછી ફરી આખી ટ્રિપમાં ક્યાંય દેખાયો ન હતો. બસ અહીં માઉન્ટ સ્કાલા તરફ જતી હાઇક ટે્રલ પર મુલાકાતીઓ અને હાઇકરોનો ટ્રાફિક હતો. અહીં છૂટાંછવાયાં સ્લોપી નળિયાંવાળાં ઘરોની છત પર પણ પ્લાન્ટ ઊગી નીકળ્યા હતા. એવામાં અહીં ઘરો પણ જાણે જમીનમાંથી જ ઊગી નીકળ્યાં હોય તેવું લાગતું હતું. બીજી તરફ ફ્યોર્ડનાં પાણીમાં કાયાક સરકી રહૃાાં હતાં. અમને પણ એક વાર તો બોટ લઈને નીકળી પડવાની ઇચ્છા થઈ આવી. જોકે બીજા દિવસે ગાઇરેન્ગર પર બોટનું બુકિગ હતું જ. આજે પાણીને કિનારાથી જ માણીને સંતોષ માનવાનો હતો. જોકે સ્ત્રીનને ફરતી 27 કિલોમીટરની ડ્રાઇવ માત્ર સમરના બે મહિના જ ખુલ્લી હોય છે. અમે તેનો પૂરતો લાભ ઉઠાવ્યો અને જેટલું આગળ વધ્યાં, પાણી ઘેરું એમરાલ્ડ રંગનું બની જતું જોયું. 

આ 27 કિલોમીટરની ડ્રાઇવમાં વેડેડાલેન વેલીના જળધોધ પણ આવ્યા. તે સાથે એ પણ સમજાયું કે શા માટે લોકો આ રસ્તા પર ડ્રાઇવ કરવાને બદલે હાઇક કરે છે. ફાસ્ટ ફૂડની જેમ ત્યાંથી ફટાફટ ડ્રાઇવ કરીને નીકળી જવાને બદલે અહીં સ્લો ફૂડ મૂવમેન્ટમાં મેમ્બરની જેમ ધીમે ધીમે, ચાવી ચાવીને નજારાને વાગોળવામાં વધુ મજા આવતી હશે એ તો સ્પષ્ટ હતું. હવે આ વ્યૂને એકદમ પરફેક્ટ સ્થળથી જોવા માટે અમે સ્કી લિફ્ટનો રસ્તો પકડ્યો. વિયા લોએન ફેરાટા થઈને અમે લોએન સ્કી લિફ્ટ પહોંચ્યાં. આ કદાચ દુનિયાની સૌથી સ્ટીપ કેબલકાર છે. ત્યાંથી દરેક દૃશ્ય જરા વધુ પડતું એલિવેટ થઈ ગયું હોય તેવું લાગતું હતું. જાણે અચાનક જ અમને તે કેબલકાર મારફતે સ્ત્રીનના લેન્ડસ્કેપ પર ઝૂમ આઉટ કર્યું હોય તેવું લાગતું હતું. 

આ કેબલકાર અમને માઉન્ટ હોવનની ટોચ પર લઈ આવી. અહીંથી ગ્લેસિયર તો નહોતાં દેખાયાં, પણ હજી ઉનાળામાં પણ સ્નોથી લદાયેલા બીજા પહાડોની ટોચ જરૂર દેખાઈ ગઈ હતી. અમે તે રાતેથી ટ્રોન્ડહાઇમની દિશામાં એક ટાપુ પર ફ્યોર્ડના વ્યૂવાળા વિલામાં રોકાવાનાં હતાં. પણ જો ઓપ્શન ઓપન હોત તો તે પહાડની ટોચ પરના સ્કી રિસોર્ટમાં રહેવાનું મજેદાર બની રહૃુાં હોત. તે સમયે સ્કીની સિઝન તો ન હતી, પણ આ એવું રેર સ્થળ છે જ્યાં સમરમાં પણ સ્કી કરવા મળી જાય છે. વળી જકુઝી અને સ્પાની કોઈ ખાસ સિઝન થોડી હોય. તે હોટલને લાલચની નજરે જોઈને અમારી ટોળકી આગળ ચાલી. લોએનથી સ્ત્રીનનો બેસ્ટ વ્યૂ જરૂર આવતો હતો, પણ તેનો અર્થ એ પણ કે હવે અમે સ્ત્રીન છોડી ચૂક્યાં હતાં અને થોડી જ વારમાં લોએન પણ પાછળ છૂટી જવાનું હતું. માઉન્ટ સ્કાલા ભલભલા પ્રોફેશનલ હાઇકર્સના બકેટલિસ્ટ પર હોય છે. અમે ત્યાંની હાઈક તૈયારી વિના સ્પોન્ટેનિયસલી તો ન કરી શક્યાં, પણ તેને જોવાનું પણ કોઈ લહાવાથી ઓછું નહોતું લાગતું. 

અહીં નજીકમાં જ જોસ્ટેડાલ્સબ્રીન નેશનલ પાર્કમાં મેઇનલેન્ડ યુરોપનો સૌથી મોટો ગ્લેસિયર તો છે જ. અમે એ તરફ તો ન ગયાં, પણ મિત્રો સ્ત્રીન જરૂર જજો એવો આગ્રહ કરતાં હતાં તે જરૂર સમજી ચૂક્યાં હતાં. આ વિસ્તાર છોડતા પહેલાં અમને બ્રેન્ગ પાશ્ચરનું ખેતર પણ જોવા મળી ગયું. 

આ સમર ફાર્મ પર હવે માણસો તો નહીં, પણ ઘેટાંનો ટ્રાફિક જોવા મળી ગયો. કોને ખબર હતી આ અત્યંત ફોટોજેનિક વિસ્તારમાં બસ ઘેટાંની કમી હતી. તે સાથે જ નોર્વે અચાનક જ સ્કોટલેન્જના હાઇલેન્ડ્સમાં કે આલ્પ્સમાં જ કોઈ ગામ હોય તેવું લાગવા માંડેલું. અહીં સ્ત્રીન આસપાસના રિજનમાં જ્યાં પણ જાઓ ત્યાં બ્લુ રંગના શક્ય એટલા બધા શેડમાં પાણી જોવા મળી રહૃુાં હતું. તે પછીના દિવસે ગાયરેન્ગરના પાણીમાં ઝંપલાવવાનું હતું.