Wed Jun 17 2026

Logo

ભાત ભાત કે લોગ: લંડન-અમેરિકા:  ગ્લેમર ઓછું ને ગૂંગળામણ વધારે!

2026-06-13 09:20:00
Author: Jawalant Nayak
Article Image

 

- જ્વલંત નાયક

એક અત્યંત શ્રીમંત પરિવારના બાળકની દોસ્તી ગામડામાં રહેતા ગરીબ બાળક સાથે થઈ ગઈ. બે-ત્રણ દિવસ પેલા ગરીબ બાળક સાથે રમત-ગમત અને મોજમસ્તીમાં વિતાવ્યા બાદ શ્રીમંત બાળક ઘરે પાછું ફર્યું. પિતાએ પૂછ્યું: `કેવો રહ્યો ગામડામાં જીવવાનો અનુભવ?'

શ્રીમંત બાળક ઉદાસ થઈ ગયું :

તમે તો કહેતા હતા કે એ લોકો ગરીબ છે. પણ એમના ગામમાં નહાવા અને ધિંગામસ્તી કરવા માટે આપણા સ્વિમિંગ પૂલ કરતાં અનેકગણું મોટું તળાવ છે. તમે જે મોંઘાદાટ ફળો લાવો છો એના કરતાં અત્યંત સ્વાદિષ્ટ ફળો આજે મેં વગડામાં જઈને ખાધાં. આપણા બેડરૂમમાં તો કાયમ એસી ચાલુ રાખવું પડે, જ્યારે ત્યાં ખુલ્લા આકાશ નીચે તારા ગણતાં ગણતાં એવી મીઠી નીંદર આવી જતી કે આખા દિવસની રઝળપાટનો થાક ઊતરી જતો!

શ્રીમંત બાપ દીકરાના મોઢે આવી સરખામણી સાંભળીને ભૌતિકવાદની મર્યાદાઓ વિશે વિચારતો રહે છે.

આ કાલ્પનિક વાર્તામાં આજે કદાચ દરેક મુંબઈગરો જીવી રહ્યો છે. અહીં બધું મળે છે, પણ એમાં કુદરતી મીઠાશ નથી. એસીની ઠંડકમાં કુદરતી પવનની લહેરખીનું સુખ ક્યાં ગોતવું? હજી ઘણી સરખામણી થઈ શકે, પણ મૂળ મુદ્દો એ છે કે જેમ જેમ શહેર મોટાં થઈ રહ્યાં છે, આવક વધી રહી છે તેમ તેમ લોકોનું જીવન વધુ દુષ્કર બની રહ્યું છે. ભૌતિક સાધનોની કમી નથી, પણ મનને જે મોકળાશ જોઈએ એ નથી. ગીચ વસ્તીને કારણે મહાનગરોમાં વસતા લોકો કીડી-મંકોડાની માફક એકબીજા સાથે ઘસાઈ-ઘસાઈને જીવતાં શીખી ગયા છે. 

આ કહાની માત્ર મુંબઈની નથી, બલકે સમૃદ્ધિની છોળમાં આળોટતા દુનિયાના દરેક મહાનગરની છે.

હાલમાં વસ્તી ગણતરી ચાલી રહી છે. એ માટેના ફૉર્મમાં તમારા રહેઠાણને લગતા પ્રશ્નોય સામેલ છે. તમે કાચા ઘરમાં રહો છો કે પાકા? દીવાલો, ફ્લોરિગ અને છતમાં કયું મટિરિયલ વપરાયું છે? ઘરમાં કેટલા લોકો રહે છે?

ઘણાને આ પ્રશ્રો નકામા લાગશે, પણ ભવિષ્યની સરકારી નીતિઓ ઘડવા માટે આ જ ડેટા ઉપયોગી સાબિત થશે. અત્યારે વિકસિત અને સમૃદ્ધ ગણાતાં રાષ્ટ્રોમાં પણ રહેઠાણની સમસ્યા અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. વિશ્વના બે સૌથી પ્રસિદ્ધ અને સૌથી સમૃદ્ધ ગણાતાં બે શહેર  :  લંડન અને ન્યૂ યૉર્કનું જ ઉદાહરણ લો.

લંડન: ઈ.સ. 47માં રોમન સામ્રાજ્ય દ્વારા આ શહેરની સ્થાપના કરવામાં આવી, જેને તે `લોન્ડિનિયમ' (Londinium) તરીકે ઓળખતા હતા. શહેર થેમ્સ નદીને કાંઠે વસેલું હોવાને કારણે એક મહત્ત્વપૂર્ણ બંદર બન્યું, જેણે વિશ્વભરના વેપારને આકર્ષિત કર્યો. મુંબઈ માટે કહેવત છે કે અહીં રોટલો મળે, પણ ઓટલો ન મળે. આજે લંડનની હાલત એથીય બૂરી થવા જઈ રહી છે. વસ્તીના ધસારાને પહોંચી વળવામાં નિષ્ફળ ગયેલા આ શહેરમાં અઢળક લોકો નાની-નાની જગ્યાઓમાં પૂરતાં હવા-પાણી કે ઉજાસના અભાવમાં જીવવા મજબૂર બન્યા છે. વર્ષ 2023નો `ધ ગાર્ડિયન' અખબારનો રિપોર્ટ કહે છે કે પ્રજાનો મોટો વર્ગ યુરોપિયન દેશોના જીવનધોરણ કરતાં ઊતરતી કક્ષાનાં ઘરોમાં રહે છે. વળી લોકોની આવકનો મોટો હિસ્સો તો મકાનોના હપ્તા ભરવામાં ખર્ચાઈ જાય છે. 

આ પણ સાંભળો :  બ્રિટનનાં 35 ટકા ઘર  ઇસ 1946 પહેલાં બંધાયેલાં છે. દેશનાં મોટા ભાગનાં મકાન  1946થી 1980 વચ્ચે બન્યાં છે. દેશનાં કુલ રહેણાક મકાનોનો માત્ર દસેક ટકા હિસ્સો છેલ્લા અઢી દાયકામાં બન્યો છે અને આ વર્ષો દરમિયાન બીજા દેશોમાંથી આવેલા લોકોની વસ્તી કૂદકે ને ભૂસકે વધી હશે.

ન્યૂ યૉર્કની દશા પણ બગડી રહી છે. લંડનની માફક ન્યૂ યૉર્ક પણ ઐતિહાસિક શહેર છે. ઉત્તરીય ઍેટલાન્ટિક સમુદ્ર અને હડસન નદીના સંગમ પર વસેલું આ શહેર સદીઓથી એક બંદર તરીકે વિકસ્યું છે. વિશ્વનાં સૌથી સમૃદ્ધ શહેરોમાં એની ગણના થાય છે. ઇસ 1664માં બ્રિટિશરોએ આ શહેર પર કબજો મેળવ્યો અને ઇંગ્લૅન્ડના `ડ્યુક ઑફ યૉર્ક'ના નામ પરથી શહેરનું નામ બદલીને ન્યૂ યૉર્ક' રાખ્યું. તમે  `ગૂગલ' મૅપ ખોલીને જોશો તો ન્યૂ યૉર્ક શહેર સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા ચોસલા જેવું દેખાશે, પણ આ વ્યવસ્થાની વરવી બાજુય છે. ખાસ કરીને બહારના દેશોમાંથી આવીને અહીં વસી ગયેલા લોકોને માથે છાપરુંં મેળવવામાં ફાંફાં પડી 
જાય છે.

2024માં પ્રગત થયેલા `ઑફિસ ઑફ બજેટ પૉલિસી ઍન્ડ એનાલિસીસ'નો રિપોર્ટ કહે છે કે ન્યૂ યૉર્ક શહેરના આશરે 67 ટકા જેટલાં રહેઠાણ ભાડે આપવામાં આવ્યાં છે. મૂળ માલિકો વસવાટ કરતા હોય એવાં મકાનો પ્રમાણમાં ઓછાં છે. એકાદ લાખ જેટલા લોકો તો શેલ્ટર્સમાં રહે છે. આપણે ત્યાં જાહેર વ્યવસ્થાપન કે શહેર-સુધરાઈને મુદ્દે વારે વારે યુરોપ-અમેરિકાનું ઉદાહરણ અપાય છે, પણ આજની તારીખે જમીની વાસ્તવિકતા અને આંકડાઓ ન્યૂ યૉર્ક અને લંડન જેવા ગ્લૅમરસ શહેરોની વરવી બાજુ રજૂ કરે છે.