Wed Jun 17 2026

Logo

સૂર્યાની કૅપ્ટન્સીનો કેમ અસ્ત કરાવી દીધો? તે શું હવે બીજા દેશોની લીગમાં રમવા જશે?

2026-06-13 09:16:00
Author: Ajay Motiwala
Article Image

 

અજય મોતીવાલા

આઠમી માર્ચે સૂર્યકુમાર યાદવ અમદાવાદમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો ત્યારે તેના નબળા બૅટિંગ ફૉર્મનો સિલેક્ટરોને વધુ એક પુરાવો મળ્યો હતો, પરંતુ એ વિકેટ બાદ દોઢ-બે કલાકમાં ભારતે સૂર્યાના નેતૃત્વમાં નવો ઇતિહાસ રચ્યો એને જરૂર પસંદગીકારોએ થોડા હળવાશથી લીધો હશે અને એટલે જ તેને આવડી મોટી સિદ્ધિ છતાં તાજેતરમાં ટી-20ના કૅપ્ટનપદેથી તો ઠીક, ટીમમાંથી જ કાઢી નાખ્યો.

2007માં ભારત મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટન્સીમાં અને 2024માં રોહિત શર્માના સુકાનમાં ટી-20નો વિશ્વ કપ જીત્યું ત્યાં સુધી ભારતના બે વિજેતાપદની વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લૅન્ડ સાથે સરખામણી થતી હતી, પરંતુ 2026માં સૂર્યકુમારની કૅપ્ટન્સીમાં પણ ભારતે ટ્રોફી જીતીને લાગલગાટ બે વખત વિજેતાપદ અને કુલ ત્રણ વાર ટાઇટલ જીતવાનો વર્લ્ડ રેકૉર્ડ કર્યો એ કેમ સિલેક્ટરો ભૂલી ગયા? સૂર્યાનું બૅટિંગ-ફૉર્મ નબળું ખરું, પણ અપ્રતિમ કૅપ્ટન્સીનું શું? અગિયારની ટીમમાં બીજા 10 ખેલાડીના (બૅટિંગ, બોલિંગ, ફીલ્ડિંગના) પર્ફોર્મન્સ પણ મહત્ત્વના હોય છે, પણ કૅપ્ટન તો એક જ હોય છેને? તેણે બોલિંગમાં ફેરફારો, ફીલ્ડિંગમાં અદલાબદલી, બૅટિંગક્રમમાં ફેરફાર, હરીફ ટીમ પર માનસિક દબાણ લાવતી વ્યૂહરચના વગેરે કામ તો કૅપ્ટન જ કરતો હોય છે. તો પછી સિલેક્શન કમિટીની બેઠકમાં કૅપ્ટન્સીને કેમ અવગણવામાં આવી? કેમ માત્ર બૅટ્સમૅન સૂર્યકુમારને જ નજરસમક્ષ રાખવામાં આવ્યો? શા માટે કૅપ્ટન્સીમાં ચમકતા સૂર્યનો અસ્ત કરાવી દીધો? 

સૂર્યકુમાર યાદવ 2021થી 2026 સુધીની પાંચ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં એક ટેસ્ટ અને 37 વન-ડે પણ રમ્યો છે, પરંતુ થોડાં વર્ષોથી તેને ફક્ત ટી-20 ટીમનો જ મેમ્બર બનાવવામાં આવ્યો અને હવે તો એમાં પણ તેનું નામ નથી. હવે સૂર્યકુમાર વર્ષ દરમ્યાન શું કરશે? આઇપીએલ તો એપ્રિલ-મે મહિનામાં રમાતી હોય છે. એ સિવાયના મહિનાઓમાં ઘરમાં બેઠો રહે એવો તે નથી. બની શકે કે સૂર્યા જેવા કુશળ અને દમદાર બૅટ્સમૅનને અન્ય દેશોની ટી-20 લીગ ટૂર્નામેન્ટ (ઑસ્ટે્રલિયાની બિગ બૅશ, સાઉથ આફ્રિકાની એસએ20, કૅરિબિયન પ્રીમિયર લીગ, યુએઇની આઇએલટી20 વગેરે)ના આયોજકો પણ પોતાને ત્યાં રમવા બોલાવશે. આ બધી લીગ માણતા ક્રિકેટપ્રેમીઓને પણ સૂર્યાના ધમાકા જોવાનું જરૂર ગમશે.