Fri May 22 2026

Logo

શુક્રવારે ચેન્નઈ-પંજાબ વચ્ચે મુકાબલોઃ ચહલને છઠ્ઠી વખત સૅમસનની વિકેટ લેવી છે!

2026-04-02 22:47:31
Author: Ajay Motiwala
Article Image

PTI


ચેન્નઈઃ શુક્રવારે અહીં (સાંજે 7.30 વાગ્યાથી) આઇપીએલના બે `કિંગ્સ' વચ્ચે ટક્કર છે. ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં પંજાબ કિંગ્સ ફરી એક વાર એકબીજા સામે રમશે એ સાથે તેમની વચ્ચેની જીત-હારનો નવો હિસાબ શરૂ થશે. પંજાબના સ્પિનર યુઝવેન્દ્ર ચહલની નજર ચેન્નઈના ઓપનર સંજુ સૅમસન પર રહેશે. એક તરફ ચેન્નઈનો આક્રમક બૅટ્સમૅન ડેવાલ્ડ બે્રવિસ ઈજાને લીધે રમશે કે કેમ એમાં શંકા છે ત્યારે બીજી બાજુ પંજાબને બે દિવસ પહેલાં ગુજરાત સામે અણનમ 72 રન કરીને રોમાંચક વિજય અપાવનાર કૂપર કૉનોલી પર પૂરો ભરોસો છે.

બન્ને ટીમ 16-16 જીત સાથે સરખી

ચેન્નઈ (Chennai) અને પંજાબ બન્ને ટીમ એકમેક સામે 32 મૅચ રમી છે જેમાંથી 16માં ચેન્નઈનો અને 16માં પંજાબ (Punjab)નો વિજય થયો છે. જોકે 2022ની સાલથી સ્થિતિ અલગ છે. છમાંથી પાંચ મૅચ પંજાબ અને એક ચેન્નઈ જીત્યું છે.

સૅમસન ચેન્નઈવાસીઓને ખુશ કરશે?

સૅમસન અગાઉ રાજસ્થાન વતી રમતો હતો, પણ હવે ચેન્નઈમાં જોડાઈ ગયો છે. ચહલે ભૂતકાળમાં સૅમસનને 12માંથી પાંચ ઇનિંગ્સમાં આઉટ કર્યો છે એટલે હવે છઠ્ઠી વખત તેનો શિકાર કરવાની તક નહીં છોડે. ચેન્નઈની હોમ-ગ્રાઉન્ડ પર આ વખતે પહેલી જ મૅચ છે અને ચેન્નઈવાસીઓ પહેલી વખત ટી-20 વર્લ્ડ કપના સુપરસ્ટાર સૅમસનને તેમની ટીમ વતી રમતો જોશે.