Fri May 22 2026

Logo

મતદારયાદી સુધારણા: ૨૦ જૂનથી BLO ઘરે-ઘરે આવશે, ચૂંટણી પંચની મોટી જાહેરાત

2026-05-22 21:16:20
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: રાજ્ય ચૂંટણી પંચની શુક્રવારે પત્રકાર પરિષદ યોજાઈ હતી. રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોક્કલિંગમે આ અંગે માહિતી આપતાં કહ્યું કે, આગામી સમયમાં મતદારયાદી અંગે મહત્વની કામગીરી કરવામાં આવનાર છે. આ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે અમે દર વર્ષે સુધારણા માટે જઈએ ત્યારે અમે પૂછીએ છીએ કે હાલની યાદીમાં તમારે કોઈ ફેરફાર કરવો છે? તમારું સરનામું, ફોટો કે લગ્ન પછી તમારું નામ બદલવું છે? જો આવા કોઈ ફેરફાર કરવાના હોય, તો અમે ફોર્મ ભરાવીએ છીએ. જો કોઈ ફેરફાર ન હોય તો ફોર્મ ભરતા નથી, આ અમારા સમરી રિવિઝનની પ્રક્રિયા છે', એવી માહિતી એસ. ચોક્કલિંગમે આપી હતી.

૨૦ જૂનના રોજ મતદારયાદીમાં સામેલ પ્રત્યેક મતદારનું એન્યુમરેશન ફોર્મ તૈયાર કરવામાં આવશે. એટલે કે ૨૦ જૂનના રોજ મતદારયાદીમાં જે મતદારોના નામ છે, તેમનું નામ, સરનામું અને તમામ વિગતો એન્યુમરેશન ફોર્મમાં પ્રિન્ટ કરીને આપવામાં આવશે, તે દરેક લોકોના ઘરે લાવવામાં આવશે. ત્યાં તેમને બે પ્રશ્નો પૂછવામાં આવશે કે  જે માહિતી બતાવવામાં આવી રહી છે તે સાચી છે કે તેમાં કોઈ ફેરફાર થયો છે?' ફેરફાર હોઈ શકે છે. આ તમામ ફેરફારો કરવા માટે તક આપવામાં આવી રહી છે," એવી તેમણે માહિતી આપી હતી.

અમે ચાર પ્રશ્નો પૂછીએ છીએ. શું કોઈને ખબર છે કે મતદાર અહીંથી ત્યાં ક્યાં ગયો છે? પછી તેને ગેરહાજર તરીકે નોંધવામાં આવે છે. શું મતદાર બીજી જગ્યાએ ગયો છે? અમે તેનું રેકોર્ડ કરીએ છીએ. જો કોઈનું મૃત્યુ થાય છે, તો અમે મૃત્યુ પ્રમાણપત્રની નકલ લઈએ છીએ અને તેની પ્રક્રિયા કરીએ છીએ. ઉપરાંત, જો કોઈ ડુપ્લિકેટ હોય, તો અમે કાર્યવાહી કરીએ છીએ. ચૂંટણી પંચ ડુપ્લિકેટ નામો શોધવા માટે કામ કરી રહ્યું છે. જો નામો મેળ ખાય છે, તો બધું તપાસવું પડશે અને એક સરખા ફોટાવાળા નામો શોધવા માટે નવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, ચોક્કલિંગમે વધુમાં જણાવ્યું હતું. 

તેમણે કહ્યું કે, "ચૂંટણી પંચ રાજ્યમાં આ મહત્વનું કામ કરવાનું છે. આ માટે આખા રાજ્યમાં ૧ લાખ ૨૫૩ બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) કામ કરશે. કામ મોટું હોવાથી અમે બીએલઓને મદદ કરવા માટે પણ કહ્યું છે. જો કામ વધારે હશે, તો અન્ય કર્મચારીઓ પણ તેમની સાથે કામ કરશે. આ કામ માટેની ટ્રેનિંગ ૨૦ થી ૨૯ જૂન વચ્ચે આપવામાં આવશે."

તમે જાણો છો કે, આપણા રાજ્યમાં ઘરે-ઘરે જઈને જનગણના ચાલી રહી છે. તેથી રાજ્ય સરકારે વિનંતી કરી હતી કે, જ્યાં સુધી વસ્તી ગણતરીનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચે એસઆઈઆરની કામગીરી શરૂ ન કરવી જોઈએ. તે મુજબ ચૂંટણી પંચે આ વિનંતી માન્ય રાખી છે. ૩૦ જૂનથી ૨૯ જુલાઈ સુધી અમારા બીએલઓ ઘરે-ઘરે આવશે. આ સમય દરમિયાન આપણા મતદારોએ કઈ માહિતી આપવી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે', તેમ એસ. ચોક્કલિંગમે જણાવ્યું હતું.

તેમણે વધુમાં માહિતી આપતાં કહ્યું કે જ્યારે ૨૦૦૨થી ૨૦૦૪ દરમિયાન એસઆઈઆર થયું હતું, ત્યારે તમે ક્યાં હતા? તેની માહિતી આપવી જરૂરી છે. તેને આપણે મેપિંગ કહીએ છીએ. તે કામ અમે આંતરિક રીતે છેલ્લા બે મહિનાથી કરી રહ્યા છીએ, જેમાં આજ સુધીમાં ૭૨ ટકા મેપિંગ પૂર્ણ થઈ ગયું છે.' 
આ સાથે જ તેમણે એ પણ માહિતી આપી હતી કે, ૯ કરોડ ૮૬ લાખ મતદારોની વિગતોની ચકાસણી કરવામાં આવશે અને પ્રારંભિક મતદારયાદી ૫ ઓગસ્ટે પ્રસિદ્ધ કરવામાં આવશે.