કાલાવડ રોડ, મેટોડા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ; જાયદ પાકને નુકસાનની ભીતિ
(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: ગુજરાતમાં આકરી ગરમીની વચ્ચે જૂન મહિનાની શરૂઆત થાય તે પહેલા જ રાજ્યના અમુક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અમુક જિલ્લા જેમ કે રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે રાજકોટના કાલાવડ રોડ અને મેટોડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાંપટા પડ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેર તેમજ તાલુકાના અમુક ગામડાઓમાં તેમજ જામનગર જિલ્લાના કાલાવડમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કાલાવડ રોડ પર આવેલા ખીરસરા, રણમલજી, વિરડા, વાજડી વડ, વાજડી તેમજ ઉદ્યોગોથી ધમધમતા મેટોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.
હાલ ખેડૂતો જાયદ પાક લેવાની આશામાં હતા અને તે સમયે જ ખાબકેલા વરસાદે ખેડૂતોમાં ચિંતા પેદા કરી હતી. અચાનક બદલાયેલા હવામાનને કારણે અનેક વિસ્તારોમાં ધૂળભરી પવન અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ગરમી વચ્ચે પડેલા આ કમોસમી વરસાદથી જનજીવન પર પણ અસર જોવા મળી હતી અને ખાસ કરીને ખેડૂતો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની હતી. એકતરફ જાયદ પાક તૈયાર સ્થિતિમાં હોય ત્યારે ભારે પવન અને વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે.