Tue Jul 28 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:24 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-24 07:29:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-24 21:53:45

વૈભવના નાના ભાઈની છ છગ્ગા, 19 ચોગ્ગા સાથે વધુ એક સેન્ચુરી

એક તરફ 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી આઇપીએલમાં ધમાલ મચાવ્યા બાદ હવે ટીમ ઇન્ડિયા વતી આંતરરાષ્ટ્રીય ફલક પર કમાલ દેખાડવા આયરલૅન્ડ પહોંચી ગયો છે ત્યારે તેના નાના ભાઈ 10 વર્ષીય આશીર્વાદ સૂર્યવંશીએ સ્થાનિક ક્રિકેટમાં વધુ એક તૂફાની સેન્ચુરી ફટકારી છે. તેણે 119 બૉલમાં છ સિક્સર અને 19 ફોરની મદદથી 168 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક-રેટ 141.18 હતો અને તેની આ સેન્ચુરીની મદદથી તેની ટીમે 40 ઓવરમાં 311 રન કર્યા હતા. થોડા દિવસ પહેલાં આશીર્વાદે 87 બૉલમાં 103 રન બનાવ્યા હતા.

2026-06-24 19:39:56

વિશ્વનાથનને પત્રકારોના ફેડરેશન તરફથી મેડલ એનાયત

ચેસમાં પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનનાર વિશ્વનાથન આનંદને બુધવારે ચેન્નઈમાં સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એસજેએફઆઇ) તરફથી પ્રતિષ્ઠિત મેડલ એનાયત કરવામાં આવ્યું હતું. ફિડેના નાયબ પ્રમુખ આનંદ એ સાથે સુનીલ ગાવસકર, વિજય અમૃતરાજ, પ્રકાશ પદુકોણ. પી. ટી. ઉષા અને જીવ મિલ્ખા સિંહ જેવા દિગ્ગજોની હરોળમાં આવી ગયો છે.

2026-06-24 19:39:34

સંદીપ પાટીલ મુંબઈની ટીમના મેન્ટર નિયુક્ત

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંદીપ પાટીલ મુંબઈ ક્રિકેટની તમામ સ્તરની ટીમો માટેના મેન્ટર નીમાયા છે. ભારત વતી 1980થી 1986 દરમ્યાન 29 ટેસ્ટ, અને 45 વન-ડે રમનાર પાટીલને ખેલાડીઓના વિકાસ, ટેક્નિક સંબંધિત શિક્ષણ અને ટૅલન્ટની શોધ વગેરે જવાબદારીઓ સોંપવામાં આવી છે. મુંબઈ ક્રિકેટ અસોસિયેશને આ ઉપરાંત ભૂતપૂર્વ મહિલા ખેલાડી અરુંધતી ઘોષને વિમેન્સ ટૂર્નામેન્ટ ડિરેકટર તરીકે નીમી છે.

2026-06-24 18:53:11

ઈરાનની બિનજરૂરી યાત્રા ટાળવા એડવાઇઝરી જારી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય દૂતાવાસે ઈરાન માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. જોકે ઈરાનની સ્થિતિમાં એકંદર સુધારો જોવા મળ્યો છે, તેમ છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી બિનજરૂરી પ્રવાસ ન ખેડવા જણાવાયું છે. ત્યાં રહેતા ભારતીયોને સ્થાનિક વહીવટીતંત્રના નિયમોનું પાલન કરવા, સાવચેત રહેવા અને વહેલી તકે દૂતાવાસમાં પોતાની નોંધણી કરાવી લેવા વિનંતી કરવામાં આવી છે.

2026-06-24 14:41:37

કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનની છત તૂટતા પાંચનાં મોત

પશ્ચિમ બંગાળના કોલકાતામાં મોટી દુર્ઘટના ઘટી છે. તારાતલા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ડેપો રોડ સ્થિત એક નિર્માણાધીન ગોડાઉનની છત તૂટી પડતા અનેક લોકો દબાયા હોવાની શંકા છે. પ્રાથમિક માહિતી દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે ચારને બચાવાયા છે.