Wed Sep 02 2026

Logo

જમ્મુનું ઐતિહાસિક રઘુનાથ મંદિર: જ્યાં સ્થાપિત છે જર્મનીથી લાવેલું દુર્લભ નટરાજ શિવલિંગ....

2026-08-31 19:46:00
Author: Mumbai Samachar Team
જમ્મુનું ઐતિહાસિક રઘુનાથ મંદિર: જ્યાં સ્થાપિત છે જર્મનીથી લાવેલું દુર્લભ નટરાજ શિવલિંગ....

જીગર પંડ્યા

જમ્મુઃ
જમ્મુ અને કાશ્મીરની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું મુખ્ય કેન્દ્ર એટલે પ્રસિદ્ધ રઘુનાથ મંદિર. કહેવાય છે કે જમ્મુ 'સિટી ઓફ ટેમ્પલ્સ' છે અને તેનો પોતાનો એક આગવો ઇતિહાસ છે. ભગવાન રઘુનાથજીને સમર્પિત આ મંદિર તેની ભવ્ય સ્થાપત્ય શૈલી, સમૃદ્ધ પરંપરા અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે, જે જમ્મુની પ્રાચીન સાંસ્કૃતિક વિરાસતને આબેહૂબ પ્રતિબિંબિત કરે છે.

મંદિરના પવિત્ર વાતાવરણમાં જમ્મુની સદીઓ જૂની આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાનો પ્રત્યક્ષ અનુભવ કરી ભક્તો ભાવવિભોર બને છે. અહીં ભગવાન ગણેશજી અને મહાદેવના અદ્ભુત તથા ભવ્ય શિવલિંગના દર્શન થાય છે. અહીં નટરાજ મહાદેવનું શિવલિંગ રાજાએ ખાસ જર્મનીથી મંગાવીને સ્થાપિત કર્યું હતું, તો પરિસરમાં જ આવેલા ભવ્ય શિવાલયમાં સ્થાપિત શિવલિંગના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.

જમ્મુમાં આવેલું પ્રસિદ્ધ રઘુનાથ મંદિર ઉત્તર ભારતનું એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક હિન્દુ ધાર્મિક સ્થળ છે. આ મંદિર ભગવાન શ્રી રામને સમર્પિત છે, જેમને રઘુનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ગુલાબ સિંહ દ્વારા વર્ષ 1835માં શરૂ કરવામાં આવ્યું હતું અને તેમના પુત્ર મહારાજા રણબીર સિંહ દ્વારા વર્ષ 1860માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. 

મંદિર પરિસરમાં કુલ સાત અલગ-અલગ શિખરો અને અનેક ઉપ-મંદિરો આવેલા છે, જે તેની સ્થાપત્ય શૈલીને અદ્ભુત બનાવે છે. આ મંદિર જમ્મુ શહેરના હૃદયસમા વિસ્તારમાં આવેલું હોવાથી તે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.

ધાર્મિક મહત્વ ઉપરાંત, આ મંદિર પ્રાચીન જ્ઞાન અને સંસ્કૃતિનું પણ એક મોટું કેન્દ્ર રહ્યું છે. મંદિર પરિસરમાં એક વિશાળ પુસ્તકાલય અને સંસ્કૃત શાળા આવેલી છે, જેમાં હજારો દુર્લભ પ્રાચીન હસ્તપ્રતો સાચવવામાં આવી છે. અહીં રામનવમી, દિવાળી અને જન્માષ્ટમી જેવા તહેવારો ખૂબ જ ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. 

'મુંબઈ સમાચાર' ટીમ દ્વારા મંદિરની મુલાકાત લેવામાં આવી ત્યારે મંદિરના આચાર્ય શાસ્ત્રીજી મહારાજે (મુખ્ય પૂજારી)એ કહ્યું હતું કે મંદિરનો દાયકાઓ જૂનો સમૃદ્ધ ઇતિહાસ છે, જે આસ્થા, પ્રેમ અને શાંતિનું પ્રતીક છે. મહારાજા ગુલાબસિંહે મંદિરનિર્માણનો પાયો નાખ્યો, જ્યારે આજે પણ તેનું સંરક્ષણ તેમના વંશજો દ્વારા કરવામાં આવે છે. મંદિરના પરિસરમાં ભગવાન રામની પ્રતિમા અન્ય માતાજીની મૂર્તિઓની સાથે શિવલિંગ અંગે પૂજારીએ મહત્ત્વ સમજાવ્યું હતું. 

અહીં એ જણાવવાનું કે દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે આ મંદિર શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવતું એક પવિત્ર સ્થળ છે. જમ્મુના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવામાં આ ઐતિહાસિક રઘુનાથ મંદિરનું મહત્વ અનન્ય છે.