વિદેશી ફંડોની રૂ. 7985.88 કરોડની ચોખ્ખી વેચવાલી સામે સ્થાનિક ફંડોની રૂ. 4588.88 કરોડની ખરીદી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી દળોએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખાતે ઈરાનનાં રોકેટ લૉન્ચર પર હુમલો કરતાં આ મહિનામાં પહેલી વખત લશ્કરી કાર્યવાહી કરી હોવાના અહેવાલો સાથે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ત્રણ ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાથી પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ સર્જાતા વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિકમાં પણ ખાસકરીને આઈટી, યુટિલિટી અને એફએમસીજી શૅરોમાં વેચવાલીના દબાણે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 307.24 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 95.25 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 60,025.88 કરોડની ખરીદી સામે રૂ. 68,011.78 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 7985.88કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 19,730.38 કરોડની ખરીદી સામે રૂ. 15,141.50 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 4588.88 કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી. આમ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચોખ્ખી વેચવાલી રહેતાં બજાર વધુ દબાણ હેઠળ આવી હતી.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 77,264.51ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 77,130.73ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 76,751.32 અને ઉપરમાં 77,177.27ની રેન્જમાં રહીને અંતે આગલા બંધ સામે 0.40 ટકા અથવા તો 307.24 પૉઈન્ટ ઘટીને 76,957.27ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી આગલા 24,175.65ના બંધ સામે 24,117.55ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 23,993.60થી 24,128.70ની રેન્જમાં રહીને અંતે 0.39 ટકા અથવા તો 95.25 પૉઈન્ટના ઘટાડા સાથે 24,080.40ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બીએસઈ ખાતે કુલ 4680 શૅરમાં કામકાજ થયા હતા, જેમાં 1785 શૅરના ભાવ વધીને, 2665 શૅરના ભાવ ઘટીને અને 230 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 205 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 147 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા.
એકંદરે આજે અમેરિકા અને ઈરાન વચ્ચેનાં તણાવમાં વધારો થવાથી રોકાણકારોનું માનસ ખરડાયુ હતું અને ક્રૂડતેલના ભાવમાં વધારો, અમેરિકી બૉન્ડની યિલ્ડમાં વધારો થવાની સાથે ફુગાવામાં વધારો થતાં વ્યાજદરમાં વધારો થતાં તેની કોર્પોરેટ આવક પર માઠી અસર પડવાની ભીતિ સપાટી પર આવતા કોર્પોરટગબડતી બજારને ઢાળ મળ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શે તેના જેક્શન હૉલ ખાતેના વક્તવ્યમાં બે ટકા ફુગાવાની લક્ષ્યાંકિત સપાટી હાંસલ કરવા માટે નક્કર કાર્ય કરવાની આવશ્યકતા પર ભાર મૂકતાં આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવાની શક્યતા પ્રબળ બની હતી.
પશ્ચિમ એશિયામાં તણાવ સપાટી પર આવતા ક્રૂડતેલના ભાવમાં વધારો, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો તથા અમેરિકી ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે ઑગસ્ટ મહિનાના અંતિમ સત્રમાં બજાર નરમાઈના અન્ડરટોને બંધ રહી હતી અને બૅન્ચમાર્ક નિફ્ટી મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યો હોવાનું ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થટૅક કંપની એનરીચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 10 શૅરના ભાવ વધીને અને 20 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 1.87 ટકાનો સુધારો સન ફાર્મામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે આઈસીઆઈસીઆઈ બૅન્કમાં 1.74 ટકાનો, એક્સિસ બૅન્કમાં 1.50 ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 1.33 ટકાનો, બજાજ ફિનસર્વમાં 1.02 ટકાનો અને ટીસીએસમાં 0.85 ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 4.11 ટકાનો ઘટાડો અદાણી પોર્ટસમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે આઈટીસીમાં 3.67 ટકાનો, ભારતી એરટેલમાં 2.76 ટકાનો, એચડીએફસી બૅન્કમાં 1.53 ટકાનો, ઈન્ફોસિસમાં 1.50 ટકાનો અને કોટક મહિન્દ્રા બૅન્કમાં 1.30 ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.40 ટકાનો અને મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.12 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે બીએસઈનાં સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં યુટિલિટી ઈન્ડેક્સમાં 2.64 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 2.42 ટકાનો, સર્વિસીસ ઈન્ડેક્સમાં 1.95 ટકાનો, કૉમૉડિટી ઈન્ડેક્સમાં 1.52 ટકાનો, હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડેક્સમાં 1.33 ટકાનો, પાવર ઈન્ડેક્સમાં 1.31 ટકાનો અને એફએમસીજી ઈન્ડેક્સમાં 1.14 ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, તેની સામે ફાઈનાન્સિયલ સર્વિસીસ, પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સ, બૅન્કેક્સ, ટોપ ટેન બૅન્ક અને મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હતું.
આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી અને શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી 225 અને હૉંગકૉંગનો હૅંગસૅંગ ઘટીને બંધ રહ્યો હતો. તેમ જ મધ્યસત્ર દરમિયાન યુરોપના બજારોમાં પણ નરમાઈનું વલણ રહ્યું હતું.