Mon Aug 17 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:11 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-11 08:23:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-11 19:57:22

એર ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો, પાયલોટનો સાઇકોએક્ટિવ ટેસ્ટ પોઝિટિવ આવ્યો

એર ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં એર ઈન્ડિયાની ફલાઇટ AI2379 માં 4 ઓગસ્ટના રોજ ટર્બ્યુલન્સને લીધે 300 ફૂટ નીચે ઉતરી હતી. જેમાં 17 મુસાફરોને ઇજા થઇ હતી. ત્યારે બે પાયલોટના સાઇકો એક્ટિવ સબસ્ટન્ટ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પાયલોટ ઇન કમાન્ડનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે પાયલોટે ફ્લાઇટ ચલાવતી વખતે માદક દ્રવ્યનું સેવન કર્યું હતું.

2026-08-11 19:05:04

યોગી આદિત્ય નાથનો યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકનારાને સંદેશ, કહ્યું  મિલકત જપ્ત કરાશે, આજીવન કેદની સજા

દેશમાં નીટ પેપર લીક સહિત અનેક પરીક્ષાઓમાં ગેરરીતિના મુદ્દે વિદ્યાર્થીઓ  વિરોધ કરી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારાઓને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે કોઇપણ વ્યક્તિ કે સંગઠન યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરશે તો તેમની સંપૂર્ણ મિલકત જપ્ત કરવામાં આવશે. તેમજ  તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે.

2026-08-11 18:18:00

સ્વતંત્રતા દિવસને પગલે દિલ્હીના રેલવે સ્ટેશનો પર હાઇ એલર્ટ, મુસાફરો માટે એડવાઇઝરી જાહેર

સ્વતંત્રતા દિવસની ઉજવણીના પગલે દિલ્હીના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જેમાં 13 થી 16 ઓગસ્ટ સુધી 2026 સુધી સ્ટેશનો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રેલવે દ્વારા આ દિવસો માટે મુસાફરો માટે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે.

2026-08-11 17:43:16

અરુણાચલ મુદ્દે ભારતએ ફરી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

ભારત અને ચીન વચ્ચે ઊભા થઈ રહેલો સીમા વિવાદ ગરમાયો છે. અરુણાચલ પ્રદેશના અમુક ભાગ મુદ્દેના વિવાદને લઈ આજે વિદેશ મંત્રાલયના નવા બ્રીફિંગમાં સ્પષ્ટ કહ્યું છે કે ભારત માટે સરહદી મુદ્દો મહત્ત્વનો છે. બંને દેશ વચ્ચેના સંબંધોમાં સુધારા ઈચ્છતા હો તો એલએસી મુદ્દે અમારી શરતોનું પાલન કરવું પડશે અને એના વિના વાત આગળ વધશે નહીં.

2026-08-11 17:27:34

ઝારખંડમાં 14મી JPSC પ્રિલિમિનરી પરીક્ષા સહિત અનેક પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય

ઝારખંડમાં JPSC સહિતની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિની ફરિયાદ સાથે વિદ્યાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના પગલે ઝારખંડના સીએમ હેમંત સોરેને મોટો નિર્ણય લીધો છે. જેમાં તેમણે 14મી JPSC પ્રિલિમિનરી પરીક્ષા સહિત અનેક પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી છે. તેમજ અન્ય પરીક્ષાઓની તપાસના આદેશ આપ્યા છે.

2026-08-11 17:11:12

ઝારખંડમાં ગૂડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી

ઝારખંડના પલામુ જિલ્લાના ગઢવા રોડ અને સિગસિગી રેલવે સ્ટેશનની વચ્ચે કોલસાથી ભરેલી ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે સમગ્ર કોરિડોરના ટ્રેનવ્યવહારને અસર. ગૂડ્સ ટ્રેનના 12 કોચ પાટા પરથી ઉતરી જવાને કારણે રાહત-બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી.

2026-08-11 16:43:16

પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર દરેક લોકોને ઘરે તિરંગો ફરકાવવા અપીલ કરી

ભારત 15 ઓગસ્ટના રોજ  80મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર  વીડિયો પોસ્ટ કરીને લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે દરેક ઘરે તિરંગો ફરકાવીને આ દિવસને ઉત્સવની જેમ ઉજવવો જોઇએ.

2026-08-11 15:15:25

ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં 52 ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ સામેલ

કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે સરકારના સઘન પ્રયાસોના લીધે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ ગ્લોબલ રેન્કિંગમાં સ્થાન મેળવી રહી છે. આ અંગે સરકારે જણાવ્યું કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમ વર્ષના અમલ બાદ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા વર્ષ 2015માં 11 થી વધીને 52 થઇ છે.

2026-08-11 15:00:42

આઈપીએલ ક્રિકેટર અભિષેક પોરેલની થઈ ધરપકડ

આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના વિકેટકિપર કમ બેટર અભિષેક પોરેલની લગ્ન આપવાનું વચન આપીને યૌન સંબંધ બનાવવાના આરોપમાં આજે હુગલીથી ધરપકડ કરવામાં આવી. મેડિકલની વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે કરી મોટી કાર્યવાહી.

2026-08-11 14:49:08

પુણેમાં કાર-ટ્રકના અકસ્માતમાં ચારનાં મોત

મહારાષ્ટ્રના પુણે-સતારા હાઇવે પર શિરવલ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે અને 2 ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.

2026-08-11 14:33:36

શહેરા-કોઠંબામાં 5-5 ઇંચથી વધુ વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ પડ્યો છે. બે તાલુકામાં 5 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 2 ઇંચથી વધારે, સાત તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. પંચમહાલના શહેરમાં સૌથી વધુ 5.35 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે મહીસાગરના કોઠંબામાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો છે.

2026-08-11 13:43:38

માંજલપુરના નવનિર્વાચિત ધારાસભ્ય સતીષ પટેલે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા

ગુજરાત વિધાનસભાની માંજલપુર બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં વિજેતા બનેલા નવનિર્વાચિત ધારાસભ્ય સતીષ પટેલે આજે ગાંધીનગર ખાતે વિધાનસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ  શંકર ચૌધરીએ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

2026-08-11 13:42:00

ચીનના લોંગ માર્ચ 7A રોકેટે ઉડાન ભરતા જ બ્લાસ્ટ

ચીનના લોંગ માર્ચ 7A રોકેટે ઉડાન ભરતા જ બ્લાસ્ટ થયો હતો.  રોકેટ સાથે જઈ રહેલો સેટેલાઇટ પણ નાશ પામ્યો હતો. આને ચીન માટે મોટો ઝટકો માનવામાં આવે છે.

2026-08-11 12:54:06

જામનગરમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ

જામનગરમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે.  ધ્રોલનાં રાજપરા ગામના ત્રણ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

2026-08-11 12:28:46

રાજ્યમાં બે કલાકમાં 43 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારે 10 થી બપોરના 12 કલાકના સમયગાળામાં  43 તાલુકામાં વરસાદ પડ્યો હતો. મહીસાગરના કોઠંબામાં સૌથી વધુ 2.44 ઇંચ વરસાદ પડ્યો હતો. પંચમહાલના શહેરામાં 2.20 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 1.18 ઇંચ, વલસાડના ઉમરગામમાં 0.71 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-08-11 11:15:12

CJPની નવી જાહેરાત: 15 ઓગસ્ટથી સરકારી શાળાઓ માટે શરૂ કરશે રાષ્ટ્રવ્યાપી સરપંચ ચેલેન્જ

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ દેશના ગ્રામીણ વિસ્તારોની સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે એક મોટા રાષ્ટ્રવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ગ્રામજનો અને વાલીઓને પોતાના બાળકોની શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનું 'સોશિયલ ઓડિટ' કરવાની અપીલ કરી છે, સાથે જ ગામના સરપંચોને શાળાઓના વિકાસ માટે આગળ આવવા આહ્વાન કર્યું છે. CJPનું આ ખાસ અભિયાન 15 ઓગસ્ટથી શરૂ થશે.

2026-08-11 10:23:02

પંચમહાલના શહેરામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ

રાજ્યમાં સવારે 8 થી 10 ના સમયગાળામાં 49 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પંચમહાલના શહેરામાં સૌથી વધુ 2.36 ઇંચ વરસાદ પડ્યો હતો. ગાંધીનગરમાં 1.26 ઇંચ, દહેગામમાં 1.02 ઇંચ, કલોલમાં 0.98 ઇંચ, કોઠંબામં 0.67 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-08-11 09:42:19

S.G.હાઇવે પર સોલા ઓવરબ્રિજ પાસે ભુવો પડ્યો

અમદાવાદમાં વરસાદની શરૂઆત સાથે જ ભુવા પડવાની શરૂઆત થઈ છે.  S.G હાઇવે પર સોલા ઓવરબ્રિજ પાસે મોટો ભુવો પડ્યો છે. સતત ટ્રાફિકથી ધમધમતા હાઇવે પર બ્રિજ નજીક જ ભુવો પડતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

2026-08-11 08:27:01

રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો હતો.  મહીસાગરના ગોધરમાં સૌથી વધુ 2.28 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.54 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 1.42 ઇંચ, વલસાડના ધરમપુરમાં 1.18 ઇંચ, પંચમહાલના શહેરામાં 1.14 ઇંચ, દાહોદના સંજેલીમાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-08-11 08:23:33

અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં વરસાદ

અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ચાર દિવસના અલ્પવિરામ બાદ મેઘરાજાએ ફરી અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારમાં મેધકૃપા વરસાવી છે. વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે અમદાવાદના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો જ્યારે ભેજના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. વિઝિબિલિટી ઘટતા સવારના સમયે પણ વાહોનોની લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.