Mon Sep 07 2026

Logo

સૂરજબારી બ્રિજ પર ટેન્કર પલટતાં ૧૨ કલાક હાઈવે ઠપ્પ: ૧૫ કિ.મી. લાંબો ટ્રાફિક જામ, મુસાફરો આખી રાત અટવાયા

2026-08-17 14:40:17
Author: Mumbai Samachar Team
સૂરજબારી બ્રિજ પર ટેન્કર પલટતાં ૧૨ કલાક હાઈવે ઠપ્પ: ૧૫ કિ.મી. લાંબો ટ્રાફિક જામ, મુસાફરો આખી રાત અટવાયા

ભુજ: કચ્છને રાજ્યના અન્ય ભાગો સાથે જોડતા અને ‘કચ્છના પ્રવેશદ્વાર’ ગણાતા સૂરજબારી બ્રિજ પર ગયા શનિવારે સાંજે ટેન્કર પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે કચ્છનો વાહનવ્યવહાર સતત ૧૨ કલાકથી વધારે સમય સુધી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.

મળતી વિગતો મુજબ, ૧૫ ઓગસ્ટની સાંજે ૬ વાગ્યાના અરસામાં મોરબીથી કચ્છ તરફ આવતું એક લોડેડ ટેન્કર બ્રિજના મધ્ય ભાગમાં પલટી મારી ગયું હતું. બ્રિજ પર ટેન્કર આડું પડી જતાં બંને તરફ ૧૫ કિલોમીટરથી પણ વધુ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. સેંકડો ટ્રકો, કન્ટેનરો, એસ.ટી. અને ખાનગી બસો સહિત નાના વાહનો રસ્તા પર જ ફસાઈ ગયા હતા.

પાણી અને ખોરાક જેવી પ્રાથમિક સુવિધાઓ વિના મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત હજારો મુસાફરોને આખી રાત હાઈવે પર વિતાવવી પડી હતી. ઘટનાની જાણ થતાં જ હાઈવે ઓથોરિટી ક્રેન જેવા ભારે સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ભારે ટ્રાફિકના કારણે રેસ્ક્યુ કામગીરીમાં વિલંબ થયો હતો. રવિવારે સવારે ૬ વાગ્યા બાદ ૧૨ કલાકની ભારે જહેમત બાદ ટેન્કરને હટાવી માર્ગ ખુલ્લો કરાતાં વાહનવ્યવહાર ધીમી ગતિએ પુનઃ શરૂ થયો હોવાનું જાણવા મળે છે.

ઉત્સવ વૈદ્ય