Tue Oct 06 2026

Logo

અંજારના તુણા ગામમાં મધરાતે વંડી ઠેકીને ઘૂસેલા બે લૂંટારાએ વૃદ્ધાનું મોં-ગળું દબાવી લૂંટ ચલાવી

2026-08-17 14:03:00
Author: Mayur Patel
અંજારના તુણા ગામમાં મધરાતે વંડી ઠેકીને ઘૂસેલા બે લૂંટારાએ વૃદ્ધાનું મોં-ગળું દબાવી લૂંટ ચલાવી

ભુજઃ પૂર્વ કચ્છના કથળેલી કાયદો-વ્યવસ્થાને  ઉજાગર કરતી વધુ એક ઘટના અંજાર તાલુકાના તુણા ગામે બનવા પામી હતી જેમાં ગત મધરાતે ઘરની દીવાલ ઠેકીને ઘુસી આવેલા બે અજાણ્યા લૂંટારુઓએ ૮૫ વર્ષીય વૃદ્ધા પર હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા ૨૦,૦૦૦ની રોકડ તથા મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. 

આ ચોંકાવનારી ઘટના અંગે કંડલા મરીન પોલીસ મથકેથી  પ્રાપ્ત વિગતો મુજબ, તુણાના ઠક્કરવાસમાં રહેતા ૮૫ વર્ષીય પ્રભાબેન ગુસાઈ અને તેમની પથારીવશ પુત્રી ઘરમાં હતા ત્યારે મધરાત્રે ૨ વાગ્યાના અરસામાં ૨૫થી ૩૦ વર્ષની વયના બે યુવકો દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. લૂંટારુઓએ દરવાજો તોડીને વૃદ્ધાના મોં પર ઓશીકું અને ગળું દબાવી પૈસા અંગે પૂછપરછ કરી હતી. ગભરાઈ ગયેલાં વૃદ્ધાએ ઈશારો કરતાં આરોપીઓએ સ્ટીલના ડબ્બા તથા પર્સમાંથી કુલ રૂપિયા ૨૦,૦૦૦ની રોકડ રકમ કાઢી લીધી હતી.

ત્યારબાદ આરોપીઓએ સોનાની માનીને વૃદ્ધાના હાથમાંથી પિત્તળની બંગડીઓ કાઢી લીધી હતી અને ચાવીઓનો જુડો આંચકી બીજા રૂમમાં સામાન વેરવિખેર કર્યો હતો. જતાં-જતાં લૂંટારુઓ નોકિયા કંપનીનો બંધ પડેલો મોબાઈલ પણ સાથે લેતા ગયા હતા. બનાવ અંગે સીસીટીવી  ફૂટેજમાં આરોપીઓની હિલચાલ કેપ્ચર થઈ ગઈ હોઈ, પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને દબોચી લેવા કવાયત આદરી છે.

(ઉત્સવ વૈદ્ય)