Tue Aug 18 2026

Logo

અમરેલીઃ ટ્રેકર પર હુમલો કરનારી સિંહણ ગામમાં ઘૂસી ને પછી.....

2026-08-17 13:52:00
Author: Mayur Patel
Article Image

અમરેલીઃ ચાંદગઢ ગામની સીમમાં બે દિવસ પહેલા ટ્રેકર પર હુમલો કરનારી સિંહણ ગામમાં ઘૂસી હતી. સિંહણે શેરીમાં આંટાફેરા કરતાં આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સિંહણ આશરે એકથી દોઢ કલાક સુધી ગામની શેરીઓમાં આંટાફેરા કરતી જોવા મળતા લોકો ભયભીત બન્યા હતા.

ગામની શેરીમાં સિંહણના આંટાફેરાથી સ્થાનિકોમાં વનવિભાગ સામે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વનવિભાગની ટીમે સિંહણને ટ્રાન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી હતી. સિંહણ પાંજરે પુરાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા અમરેલીના ચાંદગઢ ગામની શેત્રુંજી નદી કાંઠે વન વિભાગના ટ્રેકર્સ ઉપર સિંહણે હુમલો કર્યો હતો. ચાંદગઢ નજીક વન્યપ્રાણી સંરક્ષણની રૂટિન કામગીરી દરમ્યાન ઘટના બની હોવાનો વનવિભાગે દાવો કર્યો હતો. આ ઘટના સમયે વિભાગના એક બીટગાર્ડ અને ૩ ટ્રેકર્સ સહીતની ટીમની હાજર હતી. ટ્રેકર્સ ગોહાભાઈ ઉપર હુમલો કરાતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે જાણ થતાં  વન વિભાગની ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી.

અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી રાજ્યમાં સૌથી વધુ છે. 2025ના વસ્તી અંદાજ મુજબ ગુજરાતભરમાં કુલ 891 એશિયાટિક સિંહો નોંધાયા હતા. જેમાંથી એકલા અમરેલી જિલ્લા અને ગીર પૂર્વ વિસ્તારમાં 339 કે તેથી વધુ સિંહો નોંધાયા હતા.

અમરેલીમાં સિંહોની સંખ્યા રાજ્યમાં સૌથી વધારે છે. છેલ્લા થોડા મહિનામાં અમરેલીમાં સિંહના માનવી પર હુમલાના કેસ વધ્યા છે. જાણકારોના મતે સામાન્ય રીતે સિંહ માણસો પર હુમલો કરતો નથી.સિંહો દ્વારા જે પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ કે ખેત મજૂર પર હુમલો કર્યો હોય આવી સ્થિતિમાં સિંહ તેની કુદરતી ક્રિયાઓ જેવી કે શિકાર પર બેઠા હોય, સિંહ અને સિંહણનો મેટીંગ પિરિયડ ચાલતો હોય, બચ્ચા સાથે સિંહણ જોવા મળતી હોય અને સિંહ એકદમ આરામની સ્થિતિમાં હોય અથવા તો કોઈ પણ કારણોસર સિંહની પાછળ વાહન દોડાવીને કે તેને કોઈ પણ રીતે હેરાન પરેશાન કરવામાં આવે તો સિંહ ચોક્કસ કોઈ વ્યક્તિ પર હુમલો કરતો હોય છે. જેમાં કેટલાક લોકોને ઈજા થાય છે, તો કેટલાકના મોત થાય છે. અંધારાના સમયમાં કુદરતી હાજતે બેઠેલા વ્યક્તિ અન્ય પ્રાણી સમજીને સિંહ શિકાર માટે હુમલો કરે છે.