Fri Sep 04 2026

Logo

નખત્રાણાના રોહા (સુમરી) ગામમાં દીપડાનો ત્રાસ, પશુઓના શિકારથી ભયનો માહોલ વ્યાપતાં વનવિભાગે પાંજરું ગોઠવ્યું

2026-08-17 14:00:00
Author: Vimal Prajapati
નખત્રાણાના રોહા (સુમરી) ગામમાં દીપડાનો ત્રાસ, પશુઓના શિકારથી ભયનો માહોલ વ્યાપતાં વનવિભાગે પાંજરું ગોઠવ્યું


ભુજ: જંગલી પ્રાણીઓ હવે માનવ વસાહત તરફ આવવા લાગ્યાં છે. આ પ્રાણીઓ હવે લોકો પર હુમલો કરી રહ્યાં છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આવી જ એક ઘટના નખત્રાણા તાલુકામાં બની હોવાનું પ્રકાસમાં આવ્યું છે. અહીં પણ દીપડાના આંતકના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. 

દીપડાના વધતા જતા ત્રાસને લઈને ગ્રામજનોમાં ફફડાટ

વિગતે વાત કરવામાં આવે તો, નખત્રાણા તાલુકાના રોહા (સુમરી) ગામમાં દીપડાના વધતા જતા ત્રાસને લઈને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગામતળ નજીક આવેલા વાડાઓમાં ઘૂસીને દીપડો ધોળા દિવસે બકરીઓ અને અન્ય પશુઓનો શિકાર કરી રહ્યો છે, જેનાથી માલધારીઓમાં ભયનો માહોલ છે.
ગામના સરપંચ નીતિન ગોસ્વામીની લેખિત રજૂઆત બાદ નખત્રાણા પૂર્વ રેન્જના વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે રોહા (સુમરી) ડુંગરની તળેટીમાં આવેલી ઈદગાહ પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી દીપડો પાંજરે પુરાયો નથી.

કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી કુદરતી આવાસોના સંકોચનને કારણે દીપડા માનવ વસાહતો તરફ વળી રહ્યા છે. તાજેતરમાં ભુજના હબાય વિસ્તાર તેમજ અબડાસાના ચિયાસર અને રાધણઝરના જંગલોમાં પણ દીપડાની સંખ્યા વધી હોવાનું સામે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનો ખતરો વધી રહ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)