મુંબઈ: બોલિવુડ એક્ટર ઇમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘આવારાપન 2’ (Awarapan 2) એ સ્વતંત્રતા દિવસના લોંગ વીકેન્ડનો ભરપૂર ફાયદો ઉઠાવતા બોક્સ ઓફિસ પર તાબડતોબ કમાણી કરી છે. વર્ષ 2007માં આવેલી આ ફિલ્મનો પહેલો પાર્ટ ભલે બોક્સ ઓફિસ પર સફળ ન રહ્યો હોય, પરંતુ તેના સંગીત અને શાનદાર સ્ટોરીલાઈનને કારણે સમય જતાં તે એક કલ્ટ ક્લાસિક ફિલ્મ બની ગઈ હતી. હવે તેના સિક્વલને લઈને દર્શકોમાં રહેલો ભારે ઉત્સાહ કમાણીના આંકડાઓમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. નોંધનીય છે કે, ફિલ્મ ‘આવારાપન 2’ એ રિલીઝના પહેલા જ દિવસે ‘આવારાપન’ના લાઈફટાઈમ કલેક્શનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
‘આવારાપન 2’નું ઓપનિંગ વીકેન્ડ કલેક્શન કેટલું થયું?
કમાણીના આંકડાની વાત કરવામાં આવે તો, પહેલો દિવસએ આ ફિલ્મે દેશભરમાં 9,033 શો સાથે રૂપિયા 22.00 કરોડનું શાનદાર ઓપનિંગ મેળવ્યું હતું. તે પછી બીજા દિવસે 55% ના જંગી ઉછાળા સાથે ફિલ્મે રૂપિયા 33.75 કરોડની કમાણી કરી હતી. દર્શકો ભીડ થિયેટર તરફ વધી રહી હોવાથી શોની સંખ્યા વધારીને 10,496 કરવામાં આવી હતી. જો કે, ત્રીજો દિવસે રવિવારે શોની સંખ્યા ઘટીને 9,403 થતાં કમાણીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો, છતાં પણ ફિલ્મે રૂપિયા 26 કરોડનો વેપાર કર્યો હતો.
2026ની 8મી સફળ ફિલ્મોની યાદીમાં સ્થાન
આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન રૂપિયા 81.75 કરોડ અને ગ્રોસ કલેક્શન રૂપિયા 98.10 કરોડ થઈ ગયું છે. ફિલ્મ હવે ભારતમાં રૂપિયા 100 કરોડના ગ્રોસ કલેક્શન ક્લબમાં સામેલ થવાથી માત્ર રૂપિયા 1.90 કરોડ દૂર છે, જે આજના દિવસે પૂર્ણ થઈ જશે. આ શાનદાર પ્રદર્શન સાથે ‘આવારાપન 2’ વર્ષ 2026ની બોલિવૂડની ટોચની સફળ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં 'બોર્ડર 2', 'ધ કેરલા સ્ટોરી 2', 'ધુરંધર 2', 'ભૂત બંગલા', 'હૉન્ટેડ 3D: ઇકોઝ ઑફ ધ પાસ્ટ', 'વેલકમ ટુ ધ જંગલ' અને 'ધમાલ 4' જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, હવે આ યાદીમાં આવારાપન - 2 પણ સામેલ થઈ ગઈ છે.
સની દેઓલની ‘બટવારા 1947’ની કમાણી ધીમી પડી
બીજી તરફ, સની દેઓલની ફિલ્મ ‘બટવારા 1947’ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. ‘આવારાપન 2’ સામે આ ફિલ્મનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. ત્રીજા દિવસે આ ફિલ્મ માત્ર રૂપિયા 7.25 કરોડ કમાઈ શકી હતી, જેની સાથે તેનું કુલ 3 દિવસનું નેટ કલેક્શન માત્ર રૂપિયા 26.50 કરોડ સુધી પહોંચી શક્યું છે. જે પ્રમાણે આ ફિલ્મનું પ્રમોશન કરવામાં આવ્યું હતું, તેને જોતા ફિલ્મ કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી.