દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ટેરિફ વોરનું શસ્ત્ર ઉગામ્યુ, યુરોપિયન વાહનો પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ વોરની શરૂઆત કરવાના સંકેત આપ્યા છે. જેમાં યુરોપિયન યુનિયનને ટ્રેડ ડીલના ભંગ બદલ ચેતવણી આપી છે. તેમજ આગામી સપ્તાહથી અમેરિકાના યુરોપિયન વાહનો પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
જબલપુર ક્રૂઝ દુર્ઘટના બાદ સરકાર એકશનમાં, ક્રૂઝના પાયલોટ સહિત ત્રણ કર્મચારી સસ્પેન્ડ
મધ્ય પ્રદેશના જબલપુરમાં ગુરુવારે સાંજે એક ક્રૂઝ અચાનક આવેલા ભારે વાવાઝોડાને કારણે ડૂબી ગયું હતું. અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. 24 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, આ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર પણ એક્શન આવી છે. તેમજ ક્રૂઝના પાયલોટ સહિત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ રિસોર્ટ અને કલબ બરગીના મેનેજરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઇકોર્ટે રાહત આપી, વિવાદાસ્પદ નિવેદન અંગેની અરજી ફગાવી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઇકોર્ટે રાહત આપી છે. કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન અંગેની અરજીને ફગાવી દીધી છે. તેમજ કોર્ટ કહ્યું છે કે આ મુદ્દે ના તો કોઇ કેસ દાખલ થશે અને ન તો કોઇ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
કેરળમાં બે ઉત્સવમાં હાથી બેકાબૂ બનતા બે લોકોએ જીવ ગુમાવ્યા
કેરળમાં બે અલગ અલગ ઉત્સવમાં હાથી બેકાબૂ બનતા બે લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં અંગમાલી અને ઇરિંજલકુડામાં મંદિર ઉત્સવો દરમિયાન બે હાથીઓ બેકાબૂ બન્યા હતા. તેમજ તેની બાદ અનેક લોકોને અડફેટે લઈને ચગદી નાખ્યા હતા. આ ઘટનામાં અનેક લોકોને ઇજા પણ થઇ છે.
પશ્ચિમ બંગાળમાં શનિવારે 15 બુથ પર થશે ફરીથી મતદાન
કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં 2 મેના રોજ 15 બુથ પર ફરીથી મતદાન થશે. ચૂંટણી પંચે 24 પરગણાના મગરહાટ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં 11, ડાયમંડ હાર્બર વિધાનસભા ક્ષેત્રમાં 4 પર ફરીથી મતદાન કરાવવા નિર્ણય કર્યો છે. આ માટે ખાસ અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યે ખતમ થશે
ઝારખંડમાં બોકારો ટ્રેઝરી કૌભાંડમાં મોટો ખુલાસો, ત્રણ કર્મચારીની ધરપકડ
ઝારખંડમાં સરકારી તિજોરીમાંથી સરકારી કર્મચારીઓ દ્વારા નાણાંની ઉચાપતના બોકારો ટ્રેઝરી કૌભાંડમાં નવો ખુલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડીએ રૂપિયા કરોડના ભંડોળનો સોર્સ શોધ્યો છે. તેમજ પોલીસે ટ્રેઝરીના એકાઉન્ટ અને બે પોલીસ કર્મીની ધરપકડ કરી છે.
ઉત્તર પ્રદેશમાં ગંગા સ્નાન કરવા જતાં યાત્રીઓ ભરેલી બસ પલટી, 25 ઘાયલ
ઉત્તર પ્રદેશના હરદોઈમાં બુદ્ધ પૂર્ણિમા નિમિતે ગંગા સ્નાન કરવા જઈ રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો છે. 60 યાત્રીઓ ભરેલી બસ ઓવરટેક કરવા જતા પલટી ગઈ હતી.જેમાં 25 યાત્રીઓને ઇજા થઇ છે. જેમાંથી 11 લોકો રામમનોહર લોહીયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામ પૂર્વે રાજકીય ધમાસાણ, ભાજપે મમતા બેનર્જી પર કર્યા પ્રહાર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. તેમજ હવે તમામ લોકોની નજર 4 મેના રોજ જાહેર થનારા પરિણામ પર ટકેલી છે. જોકે, તે પૂર્વે રાજ્યમાં સ્થિતી અત્યંત વિસ્ફોટક બનેલી છે. જેમાં સત્તાધારી પક્ષ ટીએમસી અને મમતા બેનર્જી ઇવીએમને સલામત રાખવા મેદાનમાં ઉતર્યા છે. તેમજ ઇવીએમ સ્ટ્રોંગ રૂમની તપાસ પણ કરી રહ્યા છે. જે અંગે ભાજપે મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે.
કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટે રાહત આપી, આગોતરા જામીન અરજી મંજૂર
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાના આસાસ પોલીસ દ્વારા દાખલ કરેલા કેસમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના પત્ની તેમના વિરુદ્ધ આપેલા નિવેદન બાદ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ અંગે ગુવાહાટી હાઇકોર્ટે તેમની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.
કચ્છના ભચાઉ નજીક 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, અનેક ગામોમાં અસર
ગુજરાતના ભૂકંપ ઝોન-છમાં સમાવાયેલા રણ અને સમુદ્ર ધરાવતા કચ્છના અશાંત પેટાળમાં નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવતા જ રહે છે ત્યારે લાંબા બ્રેક બાદ શુક્રવારે બપોરે 12 વાગેની આસપાસ કચ્છના પેટાળમાં 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેની આંશિક અસર કેન્દ્રબિંદુ આસપાસના ગામોમાં અનુભવાઈ હતી.
દ્વારકામાં સવા કરોડની જમીન દબાણ મુક્ત કરવામાં આવી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ તંત્ર એક્શનમાં આવ્યું છે. દ્વારકામાં સતત બીજા દિવસે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. વરવાળા અને પોસીત્રામાં ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા છે. 15 હજારથી વધુ ચોરસ મીટર પરના દબાણો દૂર કરીને અંદાજિત સવા કરોડની સરકારી જમીન દબાણ મુક્તકરવામાં આવી છે.
જમીનમાંથી પાણી ખેંચવાનું બંધ કરો, સરફેસ વોટર વાપરોઃ સી આર પાટીલ
સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સંબોધન કરતા કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલે કહ્યું, અનેક વિશિષ્ટ પ્રકારના કામો થયા છે. આપણા દેશમાં પાણી વધુ ઉલેચવામાં આવે છે. કર્મભૂમિથી માતૃભૂમિમાં યોગદાન આપવું જોઈએ. ચીન અને અમેરિકા કરતાં આપણે જમીનમાંથી વધારે પાણી કાઢીએ છીએ. દેશના વિકાસમાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા પીએમનો નિર્ધાર છે. ઉદ્યોગોએ જમીનમાંથી પાણી લેવાના બદલે સરફેસ વોટર વાપરવું જોઈએ.
સુરત રેલવે સ્ટેશન પરથી 30 કરોડનું ડ્રગ્સ જપ્ત
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સુરત ડીઆરઆઈને મોટી સફળતા મળી હતી. સુરત રેલવે સ્ટેશન પરથી અંદાજે ₹30 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. DRI ને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મૂળ નાશિકની એક મહિલા શંકાસ્પદ જણાતા તેની તપાસ કરવામાં આવી હતી. મહિલાની તલાશી લેતા તેની પાસેથી કરોડોની કિંમતનો નશીલો પદાર્થ મળી આવ્યો હતો. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
સુરતમાં આજથી બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આરંભ
સુરતમાં આજથી બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આરંભ થશે. ઓરો યુનિવર્સિટી, હજીરા રોડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત)માં એક વિશિષ્ટ રિવર્સ બાયર-સેલર મીટ યોજાશે. આ સંમેલનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રાજ્યની પ્રગતિ અને રોકાણની તકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
PM મોદીએ ગુજરાત - મહારાષ્ટ્ર સ્થાપના દિવસની પાઠવી શુભેચ્છા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટ પર તેમણે લખ્યું, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ…!! આ દિવસ એ ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ, જીવંત સંસ્કૃતિ અને અદમ્ય જિજ્ઞાસા-ઉમંગના ઉત્સવનું પ્રતિક છે. ગુજરાતની ધરતી પર વસતા લોકો તેમની ગતિશીલતા, મહેનત અને ઉદ્યોગસાહસિકતા માટે વિશ્વભરમાં ઓળખાતા રહ્યા છે. રાજ્યએ દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આવનારા સમયમાં ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરે તેવી અંતઃકરણપૂર્વક અભ્યર્થના…!!
મહારાષ્ટ્ર દિવસની શુભેચ્છા પાઠવતાં લખ્યું- મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના મારા તમામ ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભેચ્છાઓ. મહારાષ્ટ્રને સામાજિક જાગૃતિ, સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વનો લાંબો અને ગૌરવશાળી ઇતિહાસ મળ્યો છે. સાહિત્ય, નાટ્ય, સંગીત, સિનેમાથી લઈને ઉદ્યોગ, શિક્ષણ, વિજ્ઞાન અને જાહેર સેવા દ્વારા આ રાજ્યએ ભારતની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. હું મહારાષ્ટ્રના સતત વિકાસ અને અહીંની મહાન જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.