રાજકોટઃ એક વૃદ્ધ… એક આશ્રય… અને માનવતાની એક અવિરત સફર યથાવત રહી હોય એવો એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. વર્ષ 2024થી 2026 દરમિયાન RMC નિર્મિત અને બોલબાલા સંચાલિત રેનબસેરામાં અનેક નિરાધાર અને જરૂરિયાતમંદ વૃદ્ધોને આશ્રય મળી રહ્યો છે અને અનેક સેવાભાવી લોકોની સેવા મળી રહી છે. આ જ રેનબસેરામાં એક દિવસ નારાયણભાઈ વસોયા આવ્યા અને માહોલ આખો બદલી ગયો. રસ્તા પરથી મળેલા આ વૃદ્ધ માટે કદાચ દુનિયામાં પોતાનું કહી શકાય એવું કોઈ બાકી રહ્યું નહોતું. બોલબાલા માટે તેઓ માત્ર એક અજાણ્યા વૃદ્ધ નહોતા—તેઓ એક જીવંત 'નારાયણ' હતા.
રેનબસેરામાં મળ્યો આશ્રય
વકીલ સાહેબ તથા અન્ય વિભાગના સહયોગથી તેમની સેવા માટે શરૂઆત થઈ. તેમને રેનબસેરામાં આશ્રય આપવામાં આવ્યો. પછી શરૂ થઈ એક એવી સેવા, જે માત્ર એક-બે દિવસની ન હતી,પરંતુ તેમના જીવનના અંતિમ દિવસ સુધી ચાલી. તેમને નિયમિત રીતે ભોજન, ચા-નાસ્તો, ફળ, નાળિયેર, નાળિયેરનું પાણી, હેરકટિંગ અને દાઢી, સ્નાન, દવાઓ, હોસ્પિટલની સારવાર જેવી તમામ જરૂરી સેવાઓ આપવામાં આવી.
જ્યારે પણ જરૂર પડી ત્યારે એમ્બ્યુલન્સ, પોલીસ અને ઇમર્જન્સી સારવારની વ્યવસ્થા કરવામાં આવી. આ સાથે સાથે બોલબાલાની ટીમે તેમના પરિવારની શોધખોળ પણ શરૂ કરી. આ પાછળનું કારણ કે સેવા માત્ર પેટ ભરવાની વાત ન હતી.
ટીમની શ્રેષ્ઠ સેવા
સેવા એટલે માણસને તેના પોતાના લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ હતો. પરંતુ નિયતિએ સમયની નોંધપોથીમાં કંઈક જુદુ જ લખેલુ હતું. એક દિવસ નારાયણભાઈનું અવસાન થયું. અહીં પણ બોલબાલાની સેવા અટકી નહીં. તેમના પોસ્ટમોર્ટમથી લઈને અંતિમયાત્રા સુધી, સબવાહિનીની વ્યવસ્થા અને સ્મશાનવિધિ સુધીની તમામ જવાબદારી બોલબાલાની ટીમે નિભાવી. વાત અહીં પણ પૂરી ન થઈ. તેમની અસ્થિઓ હરિદ્વાર કુંભ સુધી પહોંચાડવાની સેવા પણ કરવામાં આવી.
પરિવારની શોધખોળ બાદ જરૂરી કાગળો, ફોટોગ્રાફ્સ અને વિડિયો સહિતની તમામ માહિતી તેમના પરિવારજનોને સોંપવામાં આવી. આ સમગ્ર સેવાયાત્રામાં બોલબાલાના જયેશ ઉપાધ્યાય અને સંગીતાબેનની ટીમ સાથે સ્ટાફના પ્રથમેશભાઈ, ઇન્દ્રભાઈ, મુકેશભાઈ, રાજેશ્વરીબેન, પ્રદ્યુમ્નભાઈ તથા આશ્રયસ્થાનના અન્ય લાભાર્થીઓએ પણ પોતાની રીતે યોગદાન આપ્યું. આ ઘટના માત્ર એક વૃદ્ધની કહાની નથી. આ કહાની એ વાતનો જીવંત પુરાવો છે.
અંતિમ પડાવમાં પણ શ્રેષ્ઠ સેવા
માણસનો સંબંધ લોહીથી જ બને એવું જરૂરી નથી. ક્યારેક માનવતા પણ સૌથી મોટો પરિવાર બની જાય છે. નારાયણભાઈ વસોયા જ્યારે રસ્તા પર હતા ત્યારે કદાચ તેમને કોઈ ઓળખતું નહોતું…
પરંતુ અંતિમ શ્વાસ સુધી બોલબાલા તેમની સાથે હતું. તેમના જીવનના અંતિમ પડાવમાં તેમને આશ્રય મળ્યો, ભોજન મળ્યું, સારવાર મળી, સ્નેહ મળ્યો અને અંતે એક માનભેર વિદાય પણ મળી. કદાચ આજે નારાયણભાઈની આત્મા આવી ઉત્તમ સેવાથી તૃપ્ત થઈ ગઈ હશે.