દુબઈઃ આગામી 28મી ઑગસ્ટે દુબઈમાં મહિલાઓનો ટી-20 એશિયા કપ શરૂ થશે જેમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે અને આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ દેશ ભાગ લેશે એટલે જોરદાર સ્પર્ધા થવાની પાકી સંભાવના છે, પરંતુ અહીં મુખ્ય મુદ્દો એ છે કે જો ભારત ફાઇનલમાં પહોંચશે તો બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) માટે ફરી એક વખત મૂંઝવણભરી સ્થિતિ સર્જાશે.
વાત એ છે કે આ ટૂર્નામેન્ટ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના નેજા હેઠળ રમાશે અને પાકિસ્તાનના નામચીન અધિકારી મોહસિન નકવી (NAQVI) હજી પણ એસીસીના પ્રમુખપદે છે. જો ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં પહોંચશે (જેની સંભાવના પાક્કી છે) તો ટ્રોફી (TROPHY) એનાયત કરવા નકવી જ મંચ પર ઊભા હશે એટલે તેના હાથે ટ્રોફી ન સ્વીકારવાના ભારતના નિર્ણયની ફરી એક વખત ચર્ચા થશે. હરમનપ્રીત કૌર ભારતની કૅપ્ટન અને સ્મૃતિ મંધાના વાઇસ-કૅપ્ટન છે.
નકવી ભારતના દુશ્મન-દેશ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના ચૅરમૅન અને પાકિસ્તાનના આંતરિક બાબતોને લગતા ખાતાના પ્રધાન છે. ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપ પહેલાંના દુબઈમાં ટી-20 એશિયા કપ વખતે નકવીની નફ્ફટાઇને લીધે ભારતીય ટીમ ટ્રોફીથી વંચિત રહી ગઈ હતી અને ક્રિકેટની રમતને કલંક લાગ્યું હતું. ભારત ચૅમ્પિયન બન્યું હતું અને એ સમયના ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે (કાશ્મીરના પહલગામના પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદી હુમલાને કારણે) નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડી હતી. યુએઇ ક્રિકેટ બોર્ડના કોઈ ટોચના અધિકારીના હસ્તે ભારતીય ટીમ ટ્રોફી સ્વીકારવા તૈયાર હતી, પણ નકવીએ અવળચંડાઈ કરી હતી અને ભારતના હકની ટ્રોફી તેમણે ગાયબ કરાવી દીધી હતી અને આજ સુધી ભારતીય ટીમને એ ટ્રોફી મળી નથી. નકવી હઠ પકડીને બેઠા છે કે ભારતે તેમના હાથે જ ટ્રોફી સ્વીકારવી પડશે.
વિમેન્સ એશિયા કપ 28મી ઑગસ્ટથી 13મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારત-પાકિસ્તાનને ગ્રૂપ-એમાં રાખવામાં આવ્યા છે અને બન્ને દેશ વચ્ચેની મૅચ શનિવાર, પાંચમી સપ્ટેમ્બરે રમાશે. મેન્સ એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ મુકાબલા થયા હતા અને ત્રણેયમાં ભારત જીત્યું હતું. જોકે મહિલાઓના એશિયા કપમાં બન્ને દેશ વચ્ચે વધુમાં વધુ બે મુકાબલા થશે જેમાંનો બીજો મુકાબલો ફાઇનલનો હોઈ શકે. મેન્સ ટૂર્નામેન્ટની જેમ વિમેન્સ ટૂર્નામેન્ટમાં પણ ભારતીય ટીમ પાકિસ્તાનની ખેલાડીઓ સાથે હાથ નહીં મિલાવે. જો નકવીને ટ્રોફી એનાયત કરવાના સમારોહથી દૂર રાખવામાં આવશે અને (પાકિસ્તાન સિવાયના) અન્ય કોઈ અધિકારીના હસ્તે ટ્રોફી અપાશે તો ભારતીય ટીમ ટ્રોફી સ્વીકારશે એવું હાલમાં કહી શકાય.