સવારના સમયે માત્ર ચાર બસ દોડી: જોકે શનિવાર હોવાથી નોકરિયાતોની સંખ્યા ઓછી: કારણ વગર બહાર નીકળવાનું લોકોએ ટાળ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબા સમયથી પડતર માગણીઓને લઈ બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના કર્મચારીઓ અનિશ્ર્ચિત હડતાળ પર ઊતરી ગયા હોવાથી બીજે દિવસે પણ મુંબઈગરાઓએ મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. જોકે શનિવાર હોવાથી રસ્તા પર નોકરિયાતોની સંખ્યા ઓછી જણાતી હતી તો કારણ વગર લોકોએ ઘરબહાર નીકળવાનું ટાળ્યું હતું. સવારના સમયે બેસ્ટની વેટ-લીઝ પરની માત્ર ચાર જ બસ રસ્તા પર દોડતી હતી, જ્યારે બેસ્ટની માલિકીની એકેય બસ ડેપો બહાર નીકળી નહોતી. પરિસ્થિતિ પર નિયંત્રણ જાળવવા બેસ્ટે એસટી પાસે મદદ માગી હતી.
બેસ્ટના કર્મચારીઓ ગુરુવાર રાતથી હડતાળ પર ઊતરી ગયા હોવાથી શુક્રવાર પછી શનિવારે પણ અનેક લોકોએ તકલીફ વેઠવી પડી હતી. જોકે હડતાળની જાણ હોવાથી મુંબઈગરાઓ માનસિક તૈયારી સાથે શનિવારે ઘરબહાર નીકળ્યા હોવાનું જોવા મળ્યું હતું. બસ સ્ટોપ પર ઊભા રહીને બસની રાહ જોવાને બદલે મોટા ભાગના લોકો નજીકનાં રેલવે સ્ટેશનેથી પગપાળા જ ઑફિસ-કૉલેજ જવા નીકળ્યા હતા.
બેસ્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવતા હતા કે શનિવારે સવારે 1,937 બસ ડ્રાઈવરમાંથી માત્ર 26 ડ્રાઈવર ફરજ પર હાજર થયા હતા, જ્યારે સાંજ સુધીમાં 3,076માંથી 37 ડ્રાઈવર હજાર હતા. સાંજ સુધીમાં 4,705માંથી 11 ક્ધડક્ટર જ ડ્યૂટી પર આવ્યા હતા. જોકે 3348 બસ ઈન્સ્પેક્ટરમાંથી 173 વિવિધ ડેપોમાં હાજર રહ્યા હતા. 37 ડ્રાઈવર અને 11 ક્ધડક્ટરની હાજરી છતાં બેસ્ટની એકેય બસ ડેપો બહાર નીકળી હતી.
બીજી બાજુ, સવારના સમયે વેટ-લીઝ પરની ચાર બસ દોડાવવામાં આવી હતી, પરંતુ સાંજે આ બસો પણ ડેપોમાં પાર્ક કરી દેવાઈ હતી. વેટ-લીઝના 4,699 ડ્રાઈવર સાંજ સુધીમાં ડ્યૂટી પર હાજર થવાનું નક્કી હતું, જેની સામે માત્ર નવ હાજર થયા હતા અને એકેય ક્ધડક્ટર ડ્યૂટી પર નહોતો.
બસની ગેરહાજરીમાં લોકોએ ઍપ આધારિત કૅબ અને બાઈક ટૅક્સી પર મદાર રાખ્યો હતો. શૅરિંગ ટૅક્સી અને રિક્ષા પણ ઘણી ઉપયોગી થઈ હતી. જોકે કૅબ અને બાઈક ટૅક્સીના ચાર્જિસ વધુપડતા હોવાની ફરિયાદ અનેકે કરી હતી.
દરમિયાન બેસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હડતાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રવાસીઓને અસુવિધા ન થાય તે માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટને 100 બસ ઉપલબ્ધ કરાવી આપવાની વિનંતી કરવામાં આવી હતી. આ હડતાળની બેસ્ટના ઈલેક્ટ્રિક સપ્લાય પર કોઈ અસર થઈ ન હોવાનું નિવેદનમાં જણાવાયું હતું.