હરિદ્વારઃ પ્રાચીન અવધૂત મંડળ આશ્રમમાં આયોજિત સંત સમાગમમાં વન નેશન વન ઈલેકશનને લઈને સંવાદ યોજાયો હતો. આ દરમિયાન સંતોએ જણાવ્યું હતું કે હરિદ્વારથી શરૂ થયેલા તમામ આંદોલનો સફળ રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વન નેશન નવ ઈલેકશન મુદ્દે બોમ્બ ફોડ્યો હતો. શિવરાજ સિંહે કહ્યું, વારંવાર ચૂંટણી વિકાસમાં વિઘ્ન નાખે છે. તેથી 2034 ભૂલી જજો, 2029માં જ વન નેશન વન ઈલેકશન થઈ શકે છે.
2029માં લોકસભા અને 22 રાજ્યોની ચૂંટણીઓ એકસાથે યોજાઈ શકે
શિવરાજ સિંહે હરિદ્વારમાં સંતોને અપીલ કરતાં જણાવ્યું કે વિકસિત ભારત માટે વન નેશન વન ઈલેકશન જરૂરી છે. 2034માં નહીં પણ 2029માં જ વન નેશન વન ઇલેક્શન થઈ શકે છે. 2029માં લોકસભા અને 22 રાજ્યોની ચૂંટણીઓ એકસાથે યોજાઈ શકે છે. હરિદ્વારમાં સંત સમાજના સમાગમમાં વન નેશન વન ઇલેક્શન પર સંકલ્પ બાદ હવે સૌથી મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. 2029માં લોકસભા અને 22 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાઈ શકે છે. આ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
કયા 22 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ?
જે 22 રાજ્યોમાં આ ચૂંટણીઓ યોજાવાની છે, તેમાંથી હાલમાં 16 રાજ્યોમાં NDAની સરકાર છે, જ્યારે 6 રાજ્યોમાં ઇન્ડી ગઠબંધનની સરકાર છે. જોકે આ માટે યુપી, ગોવા, ગુજરાત, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ, મણિપુરમાં 3 વર્ષ વહેલી ચૂંટણી યોજવી પડશે. કારણ કે આ રાજ્યોમાં 2027માં ચૂંટણી છે જે 5 વર્ષ એટલે કે 2032 સુધી માન્ય રહેશે. જો 2029માં ચૂંટણી યોજવી હોય તો 3 વર્ષ પહેલાં યોજવી પડશે.
બીજી તરફ કર્ણાટક, તેલંગાણા, મેઘાલય, નાગાલેન્ડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરામાં 4 વર્ષ વહેલી ચૂંટણી યોજવી પડશે, કારણ કે અહીં 2028માં ચૂંટણી છે, જે 5 વર્ષ એટલે કે 2033 સુધી માન્ય રહેશે. એટલે કે 4 વર્ષ પહેલાં ચૂંટણી યોજવી પડશે.
આઝાદી પછી એકસાથે યોજાઈ ચૂકી છે ચૂંટણીઓ
ભારત માટે આ કોઈ નવો કોન્સેપ્ટ નથી. દેશમાં આઝાદી પછીથી 1967 સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે જ યોજવામાં આવતી હતી. 1952, 1957, 1962 અને 1967માં બંને ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી, પરંતુ વિવિધ કારણોસર ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાવા લાગી હતી.

સાધુ-સંતો જનતા સુધી પહોંચાડશે સંદેશ
કેન્દ્રીય પ્રધાન શિવરાજે જણાવ્યું કે વન નેશન વન ઈલેકશન અભિયાનને તમામ સાધુ-સંતોએ સમર્થન આપ્યું છે. સાધુ-સંતો જનતા સુધી આ નિર્ણય અને સંદેશને પહોંચાડશે. હરિદ્વારથી દેશના સાધુ-સંતોએ મોદીના વન નેશન વન ઈલેકશનના સંકલ્પને પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે અને નિશ્ચિતપણે ટૂંક સમયમાં જ એ દિવસ આવવાનો છે જ્યારે દેશની સંસદ વન નેશન વન ઈલેકશન નક્કી કરશે.
સંવાદમાં 'વંદે માતરમ્' પણ બન્યો ચર્ચાનો વિષય
શિવરાજ સિંહ ચૌહાણે 'વંદે માતરમ્'ના સંપૂર્ણ સ્વરૂપનું સમર્થન કરવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વંદે માતરમ્ દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. આ કોઈ રાજકીય પક્ષ કે સમુદાયનો વિષય નથી. તેમણે ઉમેર્યું કે દેશની એકતાને મજબૂત કરવા માટે સંત સમાજ પોતાના પ્રવચનો દ્વારા લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરે.
आइए, 'एक राष्ट्र, एक चुनाव' का संकल्प लें। इसके लिए लोगों को प्रेरित करें। pic.twitter.com/8iq5ZYAIGs
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 23, 2026
પ્રવચનથી કામ નહીં ચાલે
સંત સમાગમ કાર્યક્રમમાં ઉપસ્થિત બાબા હઠયોગીએ જણાવ્યું કે સંગઠનથી સત્તા મળે છે, સત્તાથી સંગઠન મજબૂત નથી બનતું. તેમણે કહ્યું કે જો સત્તાથી સંગઠન મજબૂત થતું હોત તો આજે કૉંગ્રેસની આવી દુર્દશા ન થઈ હોત. તેમણે કહ્યું, માત્ર પ્રવચન આપવાથી કામ નહીં ચાલે. આ માટે કામ કરવું પડશે.