ભુજઃ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક કિલોગ્રામ સોનાની છેતરપિંડીના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને પશ્ચિમ કચ્છની સ્થાનિક ગુનાશોધક શાખાએ ભુજના મોટાપીર ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવાઈ રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત એલસીબીના પી.આઈ એ.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ ટીમે ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં બાડમેર પોલીસ મથકે નોંધાયેલા ૧ કિલોગ્રામ જેટલા સોનાની ઠગાઈના ગુનામાં વંટેડ આરોપી અજીમ ઉર્ફે દાદાડો કારા બાફણ (રહે. નિંગાળ, તા. અંજાર) ઝડપાઈ ગયો હતો.
એલસીબીની ટુકડીએ આરોપી અજીમની અટકાયત કરી જરૂરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે. આગળની ઊંડાણપૂર્વકની તપાસ અને વધુ પૂછપરછ અર્થે આરોપીનો કબ્જો રાજસ્થાનની બાડમેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે
(ઉત્સવ વૈદ્ય)