અમદાવાદઃ દરેક મોટા શહેરોમાં હવે ઘણા શહેરો વસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમુક પૉશ વિસ્તારમાં ઊંચી ઈમારતો, મોટા રસ્તા, મોલ્સ અને રંગીન માહોલ હોય છે ત્યારે એ જ શહેરમાં પાયાની સુવિધાઓના અભાવ વચ્ચે જીવતો નિમ્ન મધ્યમવર્ગ પણ હોય છે. દરેક વિસ્તારમાં એક સરખી સુવિધાઓ નથી, પરંતુ અમદાવાદમાં માત્ર રોડ-રસ્તા-ગટર જ નહીં, હરિયાળા વિસ્તારમાં પણ આ તફાવત જોવા મળે છે.
શહેરની ચાલી રહેલી વૃક્ષ ગણતરી દરમિયાન આ હકીકત બહાર આવી છે. વૃક્ષ ગણતરીમાં જાણવા મળ્યું છે કે શહેરના કેટલાક નૉન-પોશ વિસ્તારોમાં સૌથી વધુ વૃક્ષો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી વૃક્ષ ગણતરી મુજબ, કુલ 48 વોર્ડમાંથી 10 વોર્ડમાં 13,59,116 વૃક્ષો છે, જે વસ્તી ગણતરીમાં નોંધાયેલા તમામ વૃક્ષોના લગભગ 54.4 ટકા છે.
રામોલ-હાથીજણમાં સૌથી વધુ ૫,૨૮,૯૦૧ વૃક્ષ છે. જૂના શહેરના ખાડિયામાં સૌથી ઓછા ૧૮,૧૧૬ વૃક્ષ છે. એએમસીના તાજેતરના વોર્ડવાર ચાલી રહેલા વૃક્ષ ગણતરીમાં ૪૮ વોર્ડમાં ૨૪,૯૬,૯૧૭ વૃક્ષ નોંધાયા છે. રામોલ-હાથીજણમાં કુલ નોંધાયેલા વૃક્ષોના પાંચમા ભાગથી વધુ વૃક્ષ છે. નવરંગપુરામાં ૧,૫૦,૮૫૨ વૃક્ષ, વાસણામાં ૧,૨૦,૫૭૩ વૃક્ષ, ગોતામાં ૧,૦૨,૫૯૨ વૃક્ષ અને થલતેજમાં ૯૨,૮૯૨ વૃક્ષ છે.
શહેરના દસ વૉર્ડ હરિયાળીની દૃષ્ટિએ સમૃદ્ધ છે. જેમાં 13,59,116 વૃક્ષ છે, જે વસ્તી ગણતરીમાં નોંધાયેલા તમામ વૃક્ષોના લગભગ 54.4 ટકા છે. ખાડિયા, જમાલપુર, ઇન્દ્રપુરી, મકતમપુરા અને ગોમતીપુર જેવા વોર્ડમાં 20,000 થી ઓછા વૃક્ષો નોંધાયેલા છે.
જોકે મનપાના સૂત્રોએ જણાવ્યું હતું કે આ માત્ર વૃક્ષોની ગણતરી છે. શહેરની ભૌગોલિક સ્થિતિ કે હરિયાળી નક્કી કરવાના માપદંડ નથી. આ સાથે હજુ ગણતરી ચાલી રહી છે, આથી આ અંતિમ ચિત્ર નથી, પરંતુ હરિયાળીની બાબતમાં સામન્યતા કે સંતુલન નથી, તેમ જણાઈ રહ્યું છે.