Tue Jul 28 2026

Logo

બીડમાં બારમા ધોરણની પરીક્ષા વખતે નકલ કરવામાં મદદ કરનારા પાંચ શિક્ષક સસ્પેન્ડ

2026-02-17 18:51:00
Author: Yogesh D. Patel
Article Image

બીડ: બીડ જિલ્લાના એક કેન્દ્રમાં બારમા ધોરણની પરીક્ષા દરમિયાન મોટા પાયે નકલ કરવામાં મદદ કરવાના આરોપસર પાંચ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા ચૌસાલામાં કેન્દ્ર 24 ખાતે લેવામાં આવેલી બારમા ધોરણની પરીક્ષાના પહેલા જ દિવસે (10 ફેબ્રુઆરી) મોટા પાયે નકલની ઘટના સામે આવી હતી. પરીક્ષામાં નકલનો ડ્રોન કેમેરાથી પર્દાફાશ થયા બાદ પોલીસે 17 શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. 

અધિકારીઓ દ્વારા ડ્રોન પર ગોઠવાયેલા કેમેરાએ 16 પરીક્ષા હોલમાં સુપરવાઇઝોને કેદ કર્યા હતા, જેઓ નકલ તો રોકી શક્યા નહોતા, પણ વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ કોપી કરવામાં મદદ કરી રહ્યા હતા. આ પ્રકરણે લિંબાગણેશ ખાતેની ભાલચંદ્ર વિદ્યાલયના પાંચ શિક્ષકને સસ્પેન્ડ કરાયા હતા, જ્યારે અન્ય ત્રણ શાળા અને જુનિયર કોલેજના 12 શિક્ષક તપાસ હેઠળ છે. તપાસ બાદ તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

10 ફેબ્રુઆરીની આ ઘટનાની જાણ થયા બાદ બીડના કલેક્ટર વિવેક જોન્સને આ ખામી માટે જવાબદાર લોકો સામે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. નેકનૂર પોલીસ સ્ટેશનમાં આ ફ્રકરણે પરીક્ષા કેન્દ્રના ચીફ ક્ધડક્ટર સહિત 17 શિક્ષકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં શિક્ષણ વિભાગ દ્વારા સંબંધિત સંસ્થાઓને પરીક્ષામાં નકલ કરવામાં મદદ કરનારા સ્ટાફને સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપ્યા હતા. (પીટીઆઇ)