ઢાકાઃ બાંગ્લાદેશની એક અદાલતે સોમવારે ઢાકાના ભૂતપૂર્વ પોલીસ પ્રમુખ અને બે વરિષ્ઠ અધિકારીઓને માનવતા વિરુદ્ધ અપરાધના આરોપમાં ફાંસીની સજા ફટકારી હોવાની જાણકારી મળી છે. વિગતે વાત કરીએ તો બાંગ્લાદેશમાં જુલાઈ 2024ના જન-આંદોલન દરમિયાન છ પ્રદર્શનકારીઓની હત્યા થઈ હતા, આ કેસમાં ત્રણ અધિકારીઓને સજા આપવામાં આવી છે. તે વખતે જ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાને સત્તા છોડીને ભાગવું પડ્યું હતું.
કોને કોને ફાંસીના સજા કરવામાં આવી?
મળતી જાણકારી પ્રમાણે આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ-1 એ ભૂતપૂર્વ ઢાકા મેટ્રોપોલિટન પોલીસ કમિશનર હબીબુર રહમાન, ભૂતપૂર્વ જયંત કમિશનર સુદીપ કુમાર ચક્રવર્તી અને ભૂતપૂર્વ એડિશનલ ડેપ્યુટી કમિશનર શાહ આલમ મોહમ્મદ અખ્તરુલ ઇસ્લામને ગેરહાજરીમાં દોષી ઠેરવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ત્રણેય આરોપીઓ અત્યારે ફરાર છે, તેમને શોધવા માટેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
અન્ય 5 ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓને પણ સજા થઈ
આ ચૂકાદો બાંગ્લાદેશમાં લોકસભા ચૂંટણી યોજાય તે પહેલાં આવ્યો છે. અદાલતે અન્ય પાંચ ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓને પણ જેલની સજા આપી છે. તેમાં ભૂતપૂર્વ એસિસ્ટન્ટ કમિશનર (રમના ઝોન) મોહમ્મદ ઇમરુલને 6 વર્ષની કેદ, ભૂતપૂર્વ શાહબાગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર (ઓપરેશન્સ) મોહમ્મદ અર્શદ હુસૈનને 4 વર્ષની કેદ અને કોન્સ્ટેબલ મોહમ્મદ સુઝન મિયા, મોહમ્મદ ઇમાઝ હુસૈન ઇમોન તથા મોહમ્મદ નસીરુલ ઇસ્લામને 3-3 વર્ષની સજા ફટકારી છે. આ આરોપીઓમાંથી અર્શદ, સુઝન, ઇમાઝ અને નસીરુલની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ કેસ ઢાકાના ચાંખારપુલ વિસ્તારમાં 5 ઓગસ્ટ 2024ની ઘટના સાથે જોડાયેલો હતો. જ્યારે શેખ હસીનાએ ભારતમાં આશ્રય લીધો હતો. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ તેમના અધિકૃત નિવાસ પર કબજો કર્યો હતો. ટ્રિબ્યુનલના અધ્યક્ષ જસ્ટિસ મોહમ્મદ ગોલામ મોર્તુઝા મોઝુમદરે ચૂકાદા વાંચતા કહ્યું કે, પુરાવા સાબિત કરે છે કે પોલીસે આ દરમિયાન ગોળીબાર કર્યો, જેમાં છ વ્યક્તિઓ માર્યા ગયા હતા. જે સંદર્ભ આ સજા કરવામાં આવી છે.