Sun Sep 13 2026

Logo

અર્નાળાના દરિયામાં બે છોકરા તણાયા: અન્ય બે જણને બચાવી લેવાયા

2026-07-16 19:29:10
Author: Yogesh D. Patel
અર્નાળાના દરિયામાં બે છોકરા તણાયા: અન્ય બે જણને બચાવી લેવાયા

પાલઘર: પાલઘર જિલ્લાના વિરારમાં અર્નાળાના દરિયામાં ગુરુવારે સવારે ભરતીને કારણે બે છોકરા તણાઇ ગયા હતા, જ્યારે અન્ય બે જણને બચાવી લેવાયા હતા. બંને છોકરાની ઓળખ અયાન અને શોએબ તરીકે થઇ હોઇ તેઓ 17 વર્ષની વયના છે અને તેમની હાલ શોધ ચાલી રહી છે.

વસઇ વિરાર પાલિકાના ફાયરબ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે ગુરુવારે સવારના 10.45 વાગ્યાની આસપાસ તેમને ઇમર્જન્સી કૉલ પ્રાપ્ત થયો હતો, જેમાં જાણ કરવામાં આવી હતી કે ચાર છોકરા સ્વિમિંગ કરવા દરિયામાં ગયા હતા અને તેમને બહાર આવવામાં મુશ્કેલી પડી રહી છે.

ફરજ પર હાજર લાઇફ ગાર્ડ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બે છોકરાને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે છોકરા દરિયામાં ઉછળતાં મોજા સાથે તણાઈ ગયા હતા. ખરાબ હવામાનને કારણે રેસ્ક્યુ ટીમોને બચાવ કામગીરીમાં મુશ્કેલી ઊભી થઇ હતી. અમારી રેસ્ક્યુ બોટ ઉછળતાં મોજાને કારણે સંઘર્ષ કરી રહી હતી, જ્યારે તાલીમબદ્ધ તરવૈયાઓ પણ તેનો સામનો કરી શકતા નહોતા, એમ ફાયરબ્રિગેડના અધિકારીએ કહ્યું હતું.

અર્નાળાના સરપંચ નંદકુમાર ઘરાતે જણાવ્યું હતું કે દરિયા કિનારે ચેતવણીના બોડ લગાવવામાં આવ્યા હોવા છતાં પિકનિક પર આવનારા લોકો પાણીમાં જતા હોય છે.ચારેય છોકરા લાઇફ ગાર્ડની નજર ચૂકવીને દરિયામાં ગયા હતા અને બાદમાં ભરતીને કારણે તણાઇ ગયા હતા. ઘરાતે નાગરિકોને દરિયામાં જવાનું ટાળવા અપીલ કરી હતી. (પીટીઆઇ)