Wed Sep 02 2026

Logo

ગળું ચીર્યા પછી યુવાનના શરીરના ટુકડા કરી મોબાઈલથી તેનું વીડિયો રેકોર્ડિંગ કર્યું

2026-07-16 19:08:48
Author: Yogesh C. Patel
ગળું ચીર્યા પછી યુવાનના શરીરના ટુકડા કરી મોબાઈલથી તેનું વીડિયો રેકોર્ડિંગ કર્યું

જૂની અદાવતને પગલે ભયંકર ક્રૂરતા આચરનારા બન્ને ભાઈની ધરપકડ

થાણે: શિળ ડાયઘર પરિસરમાં રહેતા બે ભાઈએ જૂની અદાવતને પગલે ભયંકર ક્રૂરતા સાથે યુવાનની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. તીક્ષ્ણ છરીથી ગળું ચીરીને યુવાનને મોતને ઘાટ ઉતાર્યા પછી તેના શરીરના ટુકડા કરી નાખનારા આરોપીઓએ આ નિર્દયતાનું મોબાઈલ ફોનની મદદથી વીડિયો રેકોર્ડિંગ સુધ્ધાં કર્યું હતું.ક્રાઈમ બ્રાન્ચના ઉલ્હાસનગર યુનિટ-4ના અધિકારીઓએ પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ ફૈઝ સુલતાન મલિમ (24) અને તેના ભાઈ અલબાન સુલતાન મલિમ (23) તરીકે થઈ હતી. શિળ ડાયઘર ખાતે રહેતા બન્ને ભાઈ રિક્ષા ડ્રાઈવર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જૂની અદાવતને પગલે બન્ને ભાઈએ મુંબ્રામાં રહેતા અમન મુસ્તકીન શેખ (23)ની 13 જુલાઈની રાતે હત્યા કરી હતી. આરોપીઓ પહેલાં શેખનું અપહરણ કર્યું હતું. પછી ગળું ચીરી તેની હત્યા કરી હતી. હત્યા પછી તેનું માથું ધડથી અલગ કર્યું હતું અને બન્ને હાથ પણ કાપી નાખ્યા હતા. પછી મૃતદેહના ટુકડા ખર્ડીગાંવના નિર્જન સ્થળે ફેંકી દીધા હતા.

આરોપીએ આ આખી ઘટનાનું રેકોર્ડિંગ કરી લીધું હતું. શરીરના ટુકડા મળ્યા પછી મુંબ્રા પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમિયાન બન્ને મલિમ ભાઈએ એક યુવાનની હત્યા કરી હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. શંકાને આધારે આરોપીઓને તાબામાં લઈ પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે મૃતક શેખ વિરુદ્ધ બાઈક ચોરીના ગુના નોંધાયેલા છે. આરોપી ફૈઝ રેકોર્ડ પરનો આરોપી હોવાથી 2024માં હત્યાના એક કેસમાં તેની ધરપકડ કરાઈ હતી. હાલમાં તે જામીન પર છૂટ્યો હતો. (પીટીઆઈ)