Fri Jul 17 2026

Logo

કેતન અગરવાલ હત્યાકેસ: આરોપી સિયા ગોયલના પરિવારની દુકાનને એફડીએની સ્ટોપ બિઝનેસ નોટિસ

2026-07-16 19:26:45
Author: Yogesh D. Patel
Article Image

પુણે: પુણેમાં રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન વિશાલ અગરવાલની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલી વાગ્દત્તા સિયા ગોયલના પરિવારની માલિકીની મસાલા તેમ જ ડ્રાય ફ્રૂટ્સની દુકાનને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે અને નિયમોના ઉલ્લંઘન બદલ કામગીરી બંધ કરવાનું કહેવાયું છે.

સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ હત્યાકેસની તપાસમાં સહકાર આપી રહ્યા છે, પણ તેમને અને તેમના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે, એવો આક્ષેપ કર્યો હતો. પ્રવીણ ગોયલે એમ પણ કહ્યું હતું કે આ કેસમાં જો દોષી ઠરશે તો તેમની પુત્રીને મૃત્યુદંડની સજા ભોગવવી પડશે.

નોંધનીય છે કે પુણે જિલ્લામાં 18 જૂને ટ્રેકિંગ દરમિયાન લોહગડ કિલ્લા પરથી ધકેલીની કેતન અગરવાલની હત્યા કરવાનો આરોેપ સિયા અને તેના પ્રેમી ચેતન ચૌધરી (22) પર છે.
પુણેના માર્કેટ યાર્ડ વિસ્તારમાં આવેલી દુકાન મે. બી.જી. ગોયલ એન્ડ કંપની દ્વારા ચલાવવામાં આવે છે, જે સિયા ગોયલના પરિવારની માલિકીની છે.

એફડીએ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા બાદ આગામી આદેશ સુધી દુકાનમાં વ્યાવસાયિક કામગીરી બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. કંપનીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડર્સ એક્ટ હેઠળ અમુક ફરજિયાત જોગવાઇઓનું પાલન ન કર્યું હોવાનું જાણવા મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

એફડીએના જણાવ્યા અનુસાર તેમના અધિકારીઓએ દુકાનનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને ખાદ્ય પદાર્થના ચાર નમૂના લીધા હતા, જેમાં ‘સંત’ અને ‘સાધુ’ બ્રાન્ચના હળદર પાઉડર, સોયાબીન ચંક્સ અને તલનો સમાવેશ છે.
લેબલિંગમાં ચેડાં કર્યાની શંકા અને ભેળસેળને કારણે ઇન્સ્પેક્શન દરમિયાન 8.14 લાખ રૂપિયાનો આ ઉત્પાદનોનો 4,172 કિલો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રવીણ ગોયલે જણાવ્યું હતું કે એફડીએના અધિકારીઓની ટીમે મંગળવારે મારી દુકાનની મુલાકાત લીધી હતી અને હળદર પાઉડર, સોયાબીન ચંક્સ, તલના ચાર નમૂના લીધા હતા. આ ઉત્પાદનો પ્રતિષ્ઠિત બ્રાન્ડના છે અને મારી પાસે ખરીદીના બિલ પણ છે.

 (પીટીઆઇ)