Sun Aug 30 2026

Logo

જાણીતી ક્રિકેટરે કહ્યું, `અનાયા બાંગડને મહિલા ક્રિકેટમાં રમવા દેવાનો નિર્ણય હાસ્યાસ્પદ'

Johannesburg   2026-08-28 19:09:27
Author: Ajay Motiwala
જાણીતી ક્રિકેટરે કહ્યું, `અનાયા બાંગડને મહિલા ક્રિકેટમાં રમવા દેવાનો નિર્ણય હાસ્યાસ્પદ'

જોહનિસબર્ગઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગડની પુત્રી અનાયા (કે જે સર્જરી કરાવીને છોકરામાંથી છોકરી બની છે)ને ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટમાં રમવાની તાજેતરમાં મંજૂરી મળી એ મુદ્દે બબાલ થઈ છે. સાઉથ આફ્રિકાની અનુભવી મહિલા ખેલાડી મૅરિજેન કૅપે `હાસ્યાસ્પદ' ગણાવતા કહ્યું છે કે `આવું થવું જ ન જોઈએ.'

અનાયા બાંગડ ટ્રાન્સ (ટ્રાન્સજેન્ડર) ક્રિકેટર તરીકે ઓળખાય છે. તેને ઑસ્ટ્રેલિયાની પ્રીમિયર ક્રિકેટ (કમ્યૂનિટી ક્રિકેટ)માં રમવાની છૂટ મળી છે અને આવતા વર્ષે (માર્ચ, 2027માં) તેણે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના (હોર્મોન સંબંધિત સીરમ ટેસ્ટોસ્ટેરોન સ્તર સંબંધિત) કેટલાક નિયમોનું પાલન કર્યું હશે તો ત્યારે તેને બિગ બૅશ વિમેન જેવી મોટી ટૂર્નામેન્ટમાં પણ રમવા મળશે.

જોકે મૅરિજેન કૅપે ઑસ્ટ્રેલિયાના આ નિર્ણયો પર સોશ્યલ મીડિયામાં નારાજગી વ્યક્ત કરી છે. 36 વર્ષની કૅપે ઇન્સ્ટાગ્રામ પર અનાયા બાંગડ સાથે સંકળાયેલા સમાચારના સ્ક્રીનશૉટ શૅર કરવાની સાથે લખ્યું, `આ નિર્ણય ખૂબ હાસ્યાસ્પદ છે. આવી મંજૂરી આપવી જ ન જોઈએ.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anaya Bangar (@anayabangar)

મૅરિજેન કૅપ (Kapp)એ ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં વિમેન્સ બિગ બૅશલ લીગ (ડબ્લ્યૂબીસીએલ)ને પણ ટૅગ કર્યું છે. અનાયા બાંગડ (Anaya Bangar)ને હજી ઑસ્ટ્રેલિયાની એલિટ ક્રિકેટમાં રમવાની મંજૂરી નથી મળી, પણ ત્યાં સુધી પહોંચવા માટે તેનો માર્ગ જરૂર મોકળો થઈ ગયો છે.

આઇસીસીનો નિયમ શું કહે છે?

અનાયા બાંગડના કિસ્સામાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)નો અભિગમ સૌથી મુખ્ય બાબત ગણાય છે. અનાયાનું નામ અગાઉ આર્યન હતું. તેણે 2022માં જેન્ડરમાં બદલાવ લાવતી સર્જરી કરાવી હતી. ભૂતકાળમાં તે પુરુષ હતી ત્યારે સરફરાઝ ખાન, મુશીર ખાન સહિતના મુંબઈના મેન્સ ક્રિકેટરો સાથે રમી હતી, પણ સર્જરી બાદ તે મહિલા બની છે. આઇસીસીએ નવેમ્બર, 2023માં આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ માટે નવી જેન્ડરની પાત્રતા સંબંધિત નીતિ લાગુ કરી હતી. એની હેઠળ પુરુષમાંથી મહિલા બનનાર જે ક્રિકેટરે પુરુષ યૌવન (મેલ પ્યૂબર્ટી)નો અનુભવ કર્યો હોય તે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં ભાગ ન લઈ શકે. આ નિયમ સર્જરી અથવા જેન્ડર રિઅસાઇનમેન્ટ ટ્રીટમેન્ટ કરાવવા છતાં લાગુ પડે છે. જોકે કોઈ પણ ક્રિકેટ બોર્ડ ડોમેસ્ટિક ક્રિકેટમાં ટ્રાન્સ ક્રિકેટરોને રમાડવા કે નહીં એના નિયમ પોતે નક્કી કરી શકે છે. આ જ અંતર ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ અને આઇસીસી વચ્ચે છે. હવે ચર્ચા માત્ર અનાયા બાંગડ પૂરતી સીમિત નથી. સમગ્ર મહિલા ક્રિકેટને આ કિસ્સો લાગુ પડી શકે, કારણકે ભવિષ્યમાં ઑસ્ટ્રેલિયાની જેમ અન્ય દેશોના ક્રિકેટ બોર્ડ પણ ટ્રાન્સ ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાની મંજૂરી આપશે.