Tue Sep 15 2026

Logo

ઇંગ્લૅન્ડના ક્રિકેટ સત્તાધીશોએ મનાવી લીધા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની બહિષ્કારની ધમકીનું સૂરસૂરિયું

London   2026-08-28 21:50:08
Author: Ajay Motiwala
ઇંગ્લૅન્ડના ક્રિકેટ સત્તાધીશોએ મનાવી લીધા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની બહિષ્કારની ધમકીનું સૂરસૂરિયું

ઇમરાન ખાનના પુત્રોના ઇન્ટરવ્યૂ બતાવવા પર ભડક્યું પાકિસ્તાનઃ ફરિયાદ કરી, પણ કેટલાક કારણોસર ઠંડા પડી ગયા


લંડનઃ ઇંગ્લૅન્ડ સામે અહીં લૉર્ડ્સમાં ચાલી રહેલી ટેસ્ટ-સિરીઝની બીજી ટેસ્ટમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (pcb)એ ઇમરાન ખાનના પુત્રોના ઇન્ટરવ્યૂ પ્રસારિત કરવાના મુદ્દે શુક્રવારના બીજા દિવસે લંચના બ્રેક બાદ રમતનો બહિષ્કાર કરવાની જે ધમકી આપી હતી લૂલી સાબિત થઈ છે, કારણકે વરસાદના વિઘ્નો વચ્ચે રમાતી આ ટેસ્ટમાં પાકિસ્તાનના ખેલાડીઓ નિર્ધારિત સમયપત્રક મુજબ રમ્યા હતા. ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડના મોવડીઓએ પીસીબીના અધિકારીઓને બહિષ્કાર પાછો ખેંચવા ભારે જહેમત બાદ મનાવ્યા હતા.

પ્રથમ ટેસ્ટની હાર પછી બીજી ટેસ્ટમાં 110માં ઑલઆઉટ

21મી ઑગસ્ટે લીડસની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના હાથે પાકિસ્તાનની ટીમનો એક દાવ અને 103 રનથી ઘોર પરાજય થયો એટલે તેમણે હવે આ શ્રેણીમાં નાક બચાવવાનો સમય આવી ગયો છે, કારણકે તેમની એવી જ ખરાબ હાલત હવે લૉર્ડ્સમાં થઈ રહી છે. ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ દાવમાં 290 રનમાં ઑલઆઉટ થઈ ગયા પછી શુક્રવારે બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમનો રકાસ થયો હતો. આ પ્રવાસી ટીમ માત્ર 110 રનમાં આઉટ થઈ ગઈ હતી અને બ્રિટિશરોએ 180 રનની તોતિંગ સરસાઈ લીધી હતી. સાત બૅટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ઑલી રૉબિન્સને ચાર વિકેટ, જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ અને જૉશ ટન્ગે બે વિકેટ લીધી હતી. પાકિસ્તાન આ ટેસ્ટ ત્રીજા કે ચોથા દિવસે હારી શકે.

પાકિસ્તાનની ટીમને ઇંગ્લૅન્ડમાં મૅચનો બહિષ્કાર કરવો પરવડે એમ નથી. કારણ એ છે કે તેમણે હજી બર્મિંગમની ત્રીજી ટેસ્ટ રમવાની છે. એ તો ઠીક, પણ ઑક્ટોબરમાં ઇંગ્લૅન્ડનું ક્રિકેટ બોર્ડ પોતાની નૅશનલ ટીમને ટ્રાયેન્ગ્યુલર ટૂર્નામેન્ટ રમવા પાકિસ્તાન મોકલવાની છે. જો પીસીબી પોતાના ખેલાડીઓ પાસે કોઈ પણ પ્રકારનો બહિષ્કાર કરાવે તો એની સીધી અસર બન્ને દેશ વચ્ચેના ક્રિકેટ સંબંધો પર પડે. આમ પણ લગભગ બે દાયકાથી પાકિસ્તાનમાં ભાગ્યે જ કોઈ દેશ (આતંકવાદી હુમલાના ડરને લીધે) પોતાની ટીમને ખચકાટ સાથે સિરીઝ કે ટૂર્નામેન્ટ રમવા મોકલે છે અને એમાં જો પાકિસ્તાન બોર્ડ લૉર્ડસમાં પોતાના ખેલાડીઓ પાસે બહિષ્કાર કરાવડાવે તો ઇંગ્લૅન્ડના ક્રિકેટ સત્તાધીશો વળતા પગલાં ભરે.

અમારા પિતાની હત્યા કરાશે એવો અમને ડર છેઃ ઇમરાનના પુત્રો

વર્તમાન સિરીઝના સત્તાવાર બ્રોડકાસ્ટર સ્કાય સ્પોર્ટસે પાકિસ્તાનની જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ કપ્તાન ઇમરાન ખાન (imran khan)ના પુત્રોના ઇન્ટરવ્યૂ ગુરુવારે ટેસ્ટ મૅચ દરમ્યાન પ્રસારિત કર્યા જેનાથી પાકિસ્તાન ભડક્યું છે. પીસીબીએ બ્રોડકાસ્ટર વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. એટલું જ નહીં, શુક્રવારે લંચ બાદ મૅચનો બહિષ્કાર કરવાનો પણ વિચાર કરી લીધો હતો. જોકે પાકિસ્તાની ખેલાડીઓ રમવા આવ્યા હતા. 1992 વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટન 73 વર્ષીય ઇમરાન ખાનના પુત્રો કાસિમ ખાન અને સુલેમાન ખાનની  સાથે ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇક આથર્ટને એક ઇન્ટરવ્યૂ લીધો હતો જે સ્કાય સ્પોર્ટ્સે પ્રસારિત કરતા વિવાદ છંછેડાયો છે. 18 મિનિટના આ ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાનના પુત્રોએ તેમના પિતાની તબિયત અને નબળી થતી દ્રષ્ટિને લઇને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ઇમરાનના બન્ને પુત્રોએ એવી ભીતિ પણ ઇન્ટરવ્યૂમાં વ્યક્ત કરી હતી કે તેમને ડર છે કે જેલમાં તેમના પિતાની હત્યા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ત્રણ વર્ષથી જેલમાં બંધ છે ઇમરાન

73 વર્ષના ઇમરાન ખાન ઓગસ્ટ 2023માં ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થયા બાદ જેલમાં છે. ત્યારથી તેમને એક કેસમાં દોષી ગણાવ્યા છે અને 14 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. માઇક આથર્ટનને ઇમરાનના પુત્રોએ જે ઇન્ટરવ્યૂ આપ્યો એના પ્રસારણ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પુત્રો કાસિમ, સુલેમાનની મમ્મી ઇંગ્લૅન્ડની

ઇમરાન ખાને 1995માં ઇંગ્લૅન્ડના બિલિયનેરની પુત્રી જેમિમા ગોલ્ડસ્મિથ સાથે શાદી કરી હતી. જોકે 2004માં તેમણે તલાક લીધા હતા. ઇમરાન ખાનથી જેમિમાને બે પુત્રો થયા હતા જેમના નામ કાસિમ અને સુલેમાન છે અને તેમણે જ માઇક આથર્ટનને ઇન્ટરવ્યૂમાં પિતાની સલામતી બાબતમાં ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

કપિલ, ગાવસકર સહિત 23 કૅપ્ટનોનો ઇમરાનને સપોર્ટ

ભારતના ત્રણ ભૂતપૂર્વ કૅપ્ટનો કપિલ દેવ, સુનીલ ગાવસકર અને દિલીપ વેન્ગસરકર તેમ જ ઑસ્ટ્રેલિયાના ઍલન બોર્ડર, સ્ટીવ વૉ, પૅટ કમિન્સ સહિતના આઠ સુકાની તેમ જ ઇંગ્લૅન્ડના માઇક આથર્ટનને ગણતા કુલ મળીને 23 ક્રિકેટ કૅપ્ટનોએ સંયુક્ત રીતે પિટિશન સાઇન કરી છે જેમાં તેમણે ઇમરાન ખાનની કથળતી જતી તબિયતના મુદ્દે તેમના સ્વાસ્થ્ય બાબતમાં ખાસ કાળજી લેવાની પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફને વિનંતી કરી છે.