Mon Aug 31 2026

Logo

બીસીસીઆઇ જાપાનના એશિયાડની આ સુવિધાઓથી અસંતુષ્ટ, કદાચ `બી' ટીમ મોકલવામાં આવશે

2026-08-28 17:09:17
Author: Ajay Motiwala
બીસીસીઆઇ જાપાનના એશિયાડની આ સુવિધાઓથી અસંતુષ્ટ, કદાચ `બી' ટીમ મોકલવામાં આવશે

નવી દિલ્હીઃ આવતા મહિને જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ દરમ્યાન મળનારી સુવિધાઓથી બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) ખુશ નથી એટલે બોર્ડના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે નબળી સગવડોને ધ્યાનમાં લેતાં ભારત આ રમતોત્સવમાં પોતાની સર્વશ્રેષ્ઠ ક્રિકેટ ટીમને બદલે `બી' ટીમ મોકલવા વિશે વિચારી રહ્યું છે.

બીસીસીઆઇના સૂત્રોનું એવું પણ કહેવું છે કે એશિયન ગેમ્સને લગતી વ્યવસ્થાથી બીસીસીઆઇ ઉપરાંત એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) પણ નારાજ છે. ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સ જાપાન (Japan)ના આઇચી-નાગોયામાં આગામી 19મી સપ્ટેમ્બરે શરૂ થશે. જોકે મેન્સ-વિમેન્સની ટી-20 (T20) ટૂર્નામેન્ટ 17મી સપ્ટેમ્બરથી ત્રીજી ઑક્ટોબર સુધી રમાશે.

પુરુષોની ટી-20 ટૂર્નામેન્ટ 24મી સપ્ટેમ્બરથી ત્રીજી ઑક્ટોબર સુધી અને મહિલાઓની ટૂર્નામેન્ટ 17મી સપ્ટેમ્બરથી બાવીસમી સપ્ટેમ્બર સુધી રમાશે. એએનઆઇના એક અહેવાલ અનુસાર બીસીસીઆઇના એક સૂત્રનું એવું કહેવું છે કે તૈયારીઓનું અવલોકન કરવા માટે ત્યાં એક નિરીક્ષકને મોકલવામાં આવશે અને જો ત્યાં તૈયારીઓ સંતોષજનક નહીં હોય તો કદાચ `બી' ટીમને મોકલવાનો નિર્ણય લેવામાં આવશે.

ક્રિકેટ ટૂર્નામેન્ટને લગતી તૈયારીઓ અપૂરતી હોવાનું જણાતાં એસીસીની એક મીટિંગમાં જાપાનના અધિકારીઓ સમક્ષ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એવું મનાય છે કે ક્રિકેટ માટેના સ્ટેડિયમમાં ખેલાડીઓ માટેના ડ્રેસિંગ-રૂમ ટેન્ટમાં બનાવવામાં આવ્યા છે અને વૉશરૂમ એ ટેન્ટવાળા ડ્રેસિંગ-રૂમથી 500 મીટર દૂર છે. એ ઉપરાંત, ખેલાડીઓ માટેના હૉટેલના રૂમ પણ બહુ નાના છે.

ભારતની ટીમોમાં કોણ-કોણ છે?

ભારતની મેન્સ ટીમ ઘણા દિવસ પહેલાં જ જાહેર થઈ ગઈ હતી. શ્રેયસ ઐયરને ટીમનું સુકાન સોંપાયું છે અને તેના નેતૃત્વવાળી ટીમમાં જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, ઇશાન કિશન જેવા અનુભવી ખેલાડીઓ સામેલ છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનો પણ આ ટીમમાં સમાવેશ છે. હરમનપ્રીત કૌર ભારતીય મહિલા ટીમની કૅપ્ટન અને સ્મૃતિ મંધાના વાઇસ-કૅપ્ટન છે. ટીમમાં વિકેટકીપર રિચા ઘોષ, ક્રાંતિ ગૌડ, દીપ્તિ શર્મા, રેણુકા ઠાકુર અને શેફાલી વર્મા સહિતની જાણીતી ખેલાડીઓ સામેલ છે.