Fri Sep 04 2026

Logo

ભારત જીતે ત્યારે ગૌતમ ગંભીર મીડિયા સામે આવે, પણ હારે ત્યારે... આવું કહ્યું ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરે

2026-08-29 12:43:00
Author: Ajay Motiwala
ભારત જીતે ત્યારે ગૌતમ ગંભીર મીડિયા સામે આવે, પણ હારે ત્યારે... આવું કહ્યું ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરે

નવી દિલ્હી: ગુરુવારે ભારત કોલંબોમાં શ્રીલંકા સામેની છેલ્લી ટેસ્ટ ન જીતી શક્યું અને એ મૅચ ડ્રોમાં જતાં ભારતે શ્રેણીમાં માત્ર 1-0ના વિજયથી સંતોષ માની લેવો પડ્યો અને એની વિપરીત અસર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ( WTC)માં ભારતના રેન્કિંગ પર પડી એને પગલે ભૂતપૂર્વ ભારતીય ઓપનિંગ બૅટ્સમેન સદગોપન રમેશ ખાસ કરીને હેડ કોચ ગૌતમ ગંભીરના અભિગમ વિશે નારાજ છે.

સદગોપન રમેશ તમિળનાડુનો છે. તે 50 વર્ષનો છે અને ભારત વતી તે 19 ટેસ્ટ તેમ જ 24 વન-ડે રમ્યો હતો. એસ. રમેશનું માનવું છે કે ભારતીય ટીમ જ્યારે જીતે ત્યારે ગૌતમ ગંભીર મીડિયા સમક્ષ હાજર થઈ જતો હોય છે, પરંતુ ભારત જ્યારે હારે ત્યારે તે પત્રકારોની સામે આવવાનું ટાળે છે.

ગૌતમ ગંભીરે શ્રીલંકા સામેની તાજેતરની સિરીઝની ગૉલ ખાતેની પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ મીડિયા સમક્ષ કહ્યું હતું કે ‘ મારા માટે રેન્કિંગ મહત્વનું છે જ નહીં. ભારતીય ટેસ્ટ ટીમ પરિવર્તન કાળમાંથી પસાર થઈ રહી છે અને એ બાબતથી પ્રેસ બૉક્સમાં તેમ જ કોમેન્ટરી બૉક્સમાં બેઠેલાઓ સારી રીતે જાણતા જ હશે એવી મને ખાતરી છે.'

જોકે હવે જ્યારે ભારત કોલંબોની ટેસ્ટ ખાસ કરીને બન્ને દાવમાં સેન્ચુરી કરનાર સોનાલ દિનુશાની લડાયક ઈનિંગ્સને લીધે ન જીતી શક્યું અને ભારતીય ટીમ શ્રીલંકાનો 2-0થી વાઇટવૉશ ન કરી શકી એને પગલે એસ. રમેશ (Ramesh)એ ગૌતમ ગંભીર પર ટીકાનો વરસાદ વરસાવ્યો છે. ગૉલમાં ભારત સિરીઝની પહેલી ટેસ્ટ જીતી ગયું ત્યાર પછી ગંભીર પત્રકારો સામે આવ્યો હતો.

એસ. રમેશે એક ઇન્ટરવ્યૂમાં વધુમાં કહ્યું છે કે ‘આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ભારત જીતે ત્યારે ગંભીર (Gambhir) પ્રેસ કોન્ફરન્સમાં આવી જાય છે, નહીં તો તે ટીમના કોઈને કોઈ ખેલાડીને કે કોચિંગ સ્ટાફના મેમ્બરને પત્રકારોનો સામનો કરવા માટે મોકલી દે છે.'

રમેશે એવું પણ કહ્યું છે કે ‘ગંભીર માને છે કે તેના માટે આઈસીસી રેન્કિંગનું ખાસ કોઈ મહત્વ નથી. જોકે હાલમાં ભારત પાંચમા સ્થાને છે તો શું કોઈ ખાતરીથી કહી શકશે કે ડબલ્યૂટીસીની વર્તમાન સીઝનની ફાઈનલમાં ભારત પહોંચશે જ? ગંભીરે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં સંઘર્ષ નથી કરી રહી. હકીકતમાં, આખી દુનિયા જાણે છે કે ટેસ્ટમાં ભારતીય ટીમ હાલમાં ખૂબ સંઘર્ષના માર્ગે છે.'

2024 માં ગૌતમ ગંભીર હેડ કોચ બન્યો ત્યાર પછી ભારતે ન્યૂ ઝીલેન્ડ તથા સાઉથ આફ્રિકા સામે વાઈટવોશની નામોશી જોવી પડી હતી અને ઑસ્ટ્રેલિયામાં ભારતીયો 1-3થી હારી ગયા હતા. જોકે ગંભીરના શાસનમાં ઇંગ્લૅન્ડ સામે ભારત ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો કરાવી શકી હતી અને તાજેતરમાં શ્રીલંકા સામે ભારતે 1-0થી વિજય મેળવ્યો હતો.