ભુજ: સુરતના એક જમીનના ધંધાર્થીને કાવતરું ઘડીને ફસાવ્યા બાદ રૂ. ૫૦ લાખની ખંડણી પડાવવા ઉત્પીડન અને તેનું અપહરણ કરવાનો પ્રયાસ કરનારા ભુજના મસાલાના વેપારી સહિત ત્રણ સાગરીતોને સુરતની વેસુ પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના વેસુ વિસ્તારમાં રહેતા જમીન લે-વેચના વ્યવસાયી વિનીત રજનીકાન્ત દેસાઈએ ભુજના મસાલા વેપારી મોઈન હુસેન ચાકી (રહે. સંજોગનગર, ભુજ) અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી. વર્ષ ૨૦૨૪માં પરિચયમાં આવેલા મોઈને દિલ્હીથી સુરત રૂ. ૫૦ લાખનું આંગડિયું કરાવવાના બહાને વિનીત મારફતે મુંબઈના બબલુ ઉર્ફે આશિકખાનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પેમેન્ટ ન મળ્યાનું ખોટું નાટક રચી, મોઈને વિનીત પાસે જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી બે ચેક છીનવી લીધા હતા.
આટલેથી ન અટકતાં મોઈન અને તેના સાગરીત મુસાએ સુરત આવી વિનીતને નાગો કરીને માર મારવાની તેમજ મુંબઈ લઈ જઈ કિડની વેચી નાખવાની ધમકી આપી પર્સમાંથી રોકડા, બેંક સ્ટેટમેન્ટ અને જમીનના કાગળો આંચકી લીધા હતા. આરોપીઓએ બળજબરીથી રૂ.૫૦ લાખ દેવાના બાકી હોવાનો વિડિયો પણ ઉતરાવી લીધો હતો.
ગત તા. ૨૭ ઓગસ્ટના રોજ મોઈન ચાકી પોતાના સાગરીતો મુસા અને ઈમરાન સાથે કાર લઈને વિનીતના ઘર પાસે પહોંચ્યો હતો અને વિનીતને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિનીતે તુરંત પોલીસને જાણ કરતાં નજીકની પોલીસ ચોકીમાંથી કાફલો દોડી આવ્યો હતો અને વિનીતને સકંજામાંથી છોડાવી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
વેસુ પોલીસે મોઈન હુસેન ચાકી (ભુજ), મોહમ્મદ મસુદ ઉર્ફે મુસા (થાણે/સુરત) અને ઈમરાન મુસ્તાક ખાન (સુરત) ની ધરપકડ કરી ખંડણી અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.
ઉત્સવ વૈદ્ય