Tue Sep 15 2026

Logo

પડિક્કલ અને માનવઃ શ્રીલંકાના પ્રવાસમાંથી ભારતીય ટીમને મળ્યા બે રત્ન

Colombo   2026-08-28 22:41:14
Author: Ajay Motiwala
પડિક્કલ અને માનવઃ શ્રીલંકાના પ્રવાસમાંથી ભારતીય ટીમને મળ્યા બે રત્ન

કોલંબોઃ ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે શ્રીલંકામાં સોનાલ દિનુશાના લડાયક પર્ફોર્મન્સને કારણે બીજી ટેસ્ટ ન જીતી શક્યું, પરંતુ સિરીઝ 1-0થી જીતી લીધી એને કારણે શુભમન ગિલના નેતૃત્વને અને ગૌતમ ગંભીરના કોચિંગને સકારાત્મક વળાંક મળ્યો છે અને એનાથી પણ વિશેષ બાબત એ છે કે દેવદત્ત પડિક્કલના રૂપમાં ભારતને ટેસ્ટ ટીમમાં ભરોસાપાત્ર વનડાઉન (ત્રીજા નંબરનો) બૅટ્સમૅન મળ્યો છે તેમ જ રવીન્દ્ર જાડેજાનો અનુગામી બની શકે એવો કાબેલ સ્પિનર માનવ સુથાર (Suthar) મળ્યો છે.

પડિક્કલ (Padikkal)એ બે ટેસ્ટની સિરીઝમાં બે સેન્ચુરી સહિત કુલ 328 રન બનાવ્યા હતા અને ભારતીય બૅટ્સમેનોમાં તે નંબર-વન હતો. શ્રીલંકાનો સોનાલ દિનુશા આ લિસ્ટમાં 420 રન સાથે મોખરે હતો.

પડિક્કલે ખાસ કરીને શ્રીલંકાના સ્પિનરો સામે અસરદાર બૅટિંગ કરી હતી. તેના કોચ મોહમ્મદ નસીરુદ્દીને પીટીઆઇને કહ્યું, `મેં પડિક્કલને સલાહ આપી હતી કે તું સ્પિનર સામે રમતી વખતે બૉલની બને એટલો નજીક જજે અને પછી શૉટ ફટકારજે. એવું કરીશ તો તારા પર્ફોર્મન્સમાં ફાયદો થશે.'

પડિક્કલને તેમની સલાહ ફળી છે. તેણે 109.33ની સરેરાશથી 328 રન બનાવ્યા હતા.

માનવ સુથારે સિરીઝમાં 16 વિકેટ લીધી જે બન્ને ટીમના તમામ બોલરોમાં સૌથી વધુ હતી. આ તેની બીજી જ સિરીઝ હતી.