અમદાવાદઃ રામોલની ફટાકટા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં દસ જણ હોમાઈ ગયાની ગોઝારી ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ ગેરકાનૂની બાંધકામ અને ફાયર સેફ્ટીના અભાવવાળા એકમો પર દંડો ચલાવ્યો હતો. મનપાએ આ ઘટના બાદ ખાસ ઝુંબેશ ચલાવી છે અને દરરોજ આ રીતે ચાલતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઝુંબેશના ભાગ રૂપે, એસ્ટેટ વિભાગ અને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન મંગળવારે કુલ 25 મિલકત સીલ કરવામાં આવી હતી. મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, મિલકતોની કાનૂની સ્થિતિ અને ફાયર સેફ્ટીના ધોરણોના સંભવિત ઉલ્લંઘન અંગે ચિંતાઓને કારણે કાર્યવાહી કરવામાં આવી હતી. સાવચેતીના પગલા તરીકે સીલબંધી કરવામાં આવી છે, જેમાં જાહેર સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.
મનપાએ જણાવ્યું હતું કે સીલ કરાયેલી મિલકતોની વધુ તપાસ ચાલી રહી છે. જો તપાસ દરમિયાન ફાયર સેફ્ટી નિયમો, મકાન નિયમો અથવા અન્ય કાનૂની જોગવાઈઓનું ઉલ્લંઘન જોવા મળશે, તો મિલકત માલિકો સામે કાયદા અનુસાર કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
સીલ કરાયેલી 25 મિલકતમાંથી 18 મિલકતને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા કથિત ફાયર સેફ્ટી ઉલ્લંઘન બદલ સીલ કરવામાં આવી હતી, જ્યારે સાત મિલકતને ગેરકાયદે બાંધકામો અને સંબંધિત ઉલ્લંઘનો બદલ એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી. મનપાના સૂત્રોએ કહ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.