Fri Sep 04 2026

Logo

વિરોધ પ્રદર્શનમાં ઘાયલ થયેલી યુવતી વેન્ટિલેટર પર, હોસ્પિટલમાં સારવાર હેઠળ

2026-07-21 20:53:34
Author: Mumbai Samachar Team
વિરોધ પ્રદર્શનમાં ઘાયલ થયેલી યુવતી વેન્ટિલેટર પર, હોસ્પિટલમાં સારવાર હેઠળ

 નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયેલી એક યુવતીને રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. સોમવારે વિરોધ પ્રદર્શન દરમિયાન યુવતીને ઇજાઓ થઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, "સીજેપીના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયેલી એક યુવતી આરએમએલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે." દિલ્હી પોલીસે સોમવારે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન 118થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા, જ્યારે ઘાયલ થયેલા પ્રદર્શનકારીઓની સંખ્યા 60 હતી.

સીજેપી દ્ધારા પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ બદલ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે સોમવારે સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, માનવામાં આવી રહ્યું છે કે ટિયર ગેસના સેલ છોડ્યા બાદ પ્રદર્શનકારીઓના ભાગવાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. એક પરિવારના સભ્ય નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સાક્ષીને ચહેરા, છાતી અને ગરદન પર ઈજા થઈ છે અને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. તે તેના પિતરાઈ બહેન સાથે વિરોધ સ્થળ પર હતી. તેની બહેનને પગમાં ઈજા થઈ હતી.

પરિવારના સભ્યોએ કહ્યું હતું કે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા પછી પ્રદર્શનકારીઓ દોડવા લાગ્યા હતા. તે નાસભાગ જેવી પરિસ્થિતિમાં ફસાઈ ગઈ અને તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તે વેન્ટિલેટર પર છે પરંતુ પ્રતિક્રિયા આપી રહી છે. 
છત્તરપુર એક્સટેન્શનની રહેવાસી સાક્ષી કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં એડવાન્સ્ડ ડિપ્લોમા (એડીસીએ) કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેણી છેલ્લા કેટલાક મહિનાઓથી ટીબીની સારવાર લઈ રહી છે.

અધિકારીઓએ હજુ સુધી તેમની તબીબી સ્થિતિ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. સૂત્રોએ જણાવ્યું કે મંગળવારે સવારે 8 વાગ્યા સુધી 186 ઘાયલોને આરએમએલ ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી 89 પોલીસકર્મીઓ હતા. કુલ ઘાયલોમાંથી 96 લોકોને પ્લાસ્ટર અને વિવિધ પ્રકારની સારવાર માટે સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા હતા. 

વેન્ટિલેટર પર રહેલી એક યુવતી સિવાય બધાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે આરએમએલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સાક્ષીની માતાને મળ્યા હતા.