Thu Jul 23 2026

Logo

બાંગ્લાદેશી ઘુસણખોરોના હવાલા રેકેટની તપાસ ઈડીએ શરૂ કરી

2026-07-21 18:46:13
Author: Pooja Shah
Article Image

અમદાવાદ સહિત ગુજરાતમાંથી કરોડો રૂપિયા કોલકાતા મારફતે બાંગ્લાદેશ પહોંચ્યા હોવાની શંકા

અમદાવાદઃ બાંગ્લાદેશ સરહદ પરથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘુસણખોરો ગેરકાયદે ભારતમાં પ્રવેશીને અમદાવાદના ચંડોળા  સુધી પહોંચ્યા હોવાની બાબત સામે આવ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશથી રાજ્યભરમાં વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને ડિટેઇન કરીને તેમના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

તપાસ દરમિયાન એવી માહિતી મળી હતી કે અમદાવાદ સહિત ગુજરાતમાં રહેતા કેટલાક બાંગ્લાદેશી નાગરિકોએ કરોડો રૂપિયાની રકમ હવાલા મારફતે બાંગ્લાદેશ મોકલી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય તપાસ એજન્સીઓએ આ અંગે કેન્દ્રીય એજન્સીઓને માહિતી આપતાં હવે ઈડી દ્વારા હવાલાની તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. અમદાવાદ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ આ મામલે તપાસ ચાલી રહી છે.

બાંગ્લાદેશથી આવેલા ઘુસણખોરો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં પહોંચતા હતા, જ્યાં કેટલાક સ્થાનિક એજન્ટો તેમને આશ્રય, રહેવા-જમવાની વ્યવસ્થા તેમજ રોજગાર મળી રહે તેના માટે કામ ધંધો પણ શરૂ કરી આપતા હતા. કેટલીક મહિલાઓ અને યુવતીઓને દલાલો દ્વારા દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવતી હોવાની પણ માહિતી સામે આવી છે. 

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, બોગસ દસ્તાવેજોના આધારે ઘુસણખોરો માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર સહિતના દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા. ત્યારબાદ આ દસ્તાવેજોના આધારે પાસપોર્ટ પણ મેળવવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન એવી પણ માહિતી મળી છે કે ગુજરાતમાં  વિવિધ ધંધા કરતા કેટલાક બાંગ્લાદેશી નાગરિકો તેમની આવક કોલકાતા સ્થિત એજન્ટો મારફતે હવાલા દ્વારા બાંગ્લાદેશ મોકલતા હતા.

આ હવાલા વ્યવહારો અંગેની વિગતો કેન્દ્રીય એજન્સીઓ સુધી પહોંચતાં ઈડી દ્વારા દેશવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અને ગુજરાતના કેટલાક શંકાસ્પદ એજન્ટોની પણ ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે અને હવાલા કેસમાં તેમની સંડોવણીની તપાસ ચાલી રહી છે.

હવાલાની તપાસ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ઘુસણખોરોને ડિટેઇન કરવામાં આવ્યા હતા તેઓ બાંગ્લાદેશના ઘણા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.