અમદાવાદઃ કોવિડ-19 મહામારી દરમિયાન વર્ષ 2020–21માં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસટી) એ ગુજરાતમાં રહેતા પ્રવાસી શ્રમિકો અને મજૂરોને તેમના વતન સુધી સુરક્ષિત પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોર્પોરેશને ત્રણ રાજ્યોમાં 22,953 ટ્રિપ્સનું સંચાલન કરીને કુલ 6,99,357 મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડ્યા હતા. મહામારીમાં કુલ 115 કર્મચારીઓ ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થતા જીવ ગુમાવ્યો હતો; જેમાં 39 ડ્રાઇવર, 31 કંડક્ટર, 29 વહીવટી કર્મચારીઓ અને 16 મિકેનિકનો સમાવેશ થાય છે. મૃત્યુ પામનાર દરેક કોરોના વોરિયરને 25 લાખની સહાય ચૂકવાશે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી.
આ અંગે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ફરજ દરમિયાન કોવિડ સંક્રમિત થયેલા કર્મચારીઓની ઓળખ માટે કોર્પોરેશન દ્વારા રચાયેલી સમિતિએ વિગતવાર ચકાસણી કર્યા બાદ પાત્ર દરેક કર્મચારીના કાયદેસરના વારસદારોને રૂ. 25 લાખની આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કુલ 115 કર્મચારીઓના પરિવારોને રૂ. 25 લાખની એક્સ-ગ્રેશિયા સહાયના ચેકનું વિતરણ 27 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે યોજાનારા કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી.