Thu Sep 03 2026

Logo

વર્ષ દરમ્યાન મોટાભાગે લંડનમાં રહેતા કોહલીએ ઍન્કરને કહ્યું, ‘અરે ભાઈ, આઈપીએલમાં હું કંઈ વિદેશી ખેલાડી નથી'

2026-04-04 13:18:00
Author: Ajay Motiwala
વર્ષ દરમ્યાન મોટાભાગે લંડનમાં રહેતા કોહલીએ ઍન્કરને કહ્યું, ‘અરે ભાઈ, આઈપીએલમાં હું કંઈ વિદેશી ખેલાડી નથી'

બેંગ્લૂરુ: ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)નો પીઢ ખેલાડી વિરાટ કોહલી વર્ષ દરમ્યાન પરિવાર સાથે મોટા ભાગે લંડનમાં જ રહેતો હોય છે એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને તેની સાથે એક હળવી મજાક કરવામાં આવી છે જેનો ખુદ વિરાટે પણ રમૂજી જવાબ આપ્યો.

આઈપીએલની દરેક મૅચમાં પ્રત્યેક ટીમ પોતાની પ્લેઈંગ ઇલેવનમાં વધુમાં વધુ ચાર વિદેશી ખેલાડીનો સમાવેશ કરી શકે છે. આરસીબી સાથે સંકળાયેલા ડેનિશ સૈત નામના કૉમેડી કૅરેક્ટર ‘મિ. નૅગ્સ' તરીકે ઓળખાય છે.

તેમણે એક વીડિયો માટેની વાતચીત દરમ્યાન વિરાટને પૂછ્યું, ‘લોકોમાં ચર્ચા છે કે આરસીબી દરેક મૅચમાં પાંચ વિદેશી ખેલાડીને ટીમમાં સમાવીને રમે છે. આ વિશે તમારું શું કહેવું છે?'

વિરાટ આ સવાલ સાંભળીને પહેલાં તો ખૂબ હસ્યો હતો અને પછી તેણે ઍન્કરને કહ્યું, ‘તમે મને શું કામ આવો સવાલ પૂછો છો? હું કંઈ વિદેશી ખેલાડી નથી. જાઓ, વિદેશી પ્લેયરને પૂછો.'

ત્યાર બાદ વિરાટે ઍન્કરને સામું પૂછ્યું કે ‘શું હું વિદેશી (OVERSEAS) ખેલાડી છું?' ત્યારે ઍન્કરે તેને ‘ના'માં જવાબ આપ્યો હતો અને બંને જણ ખૂબ હસ્યા હતા. ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્ત થઈ ચૂકેલો વિરાટ મોટા ભાગે લંડનમાં જ રહેતો હોવાથી આઈપીએલમાં તેને વિદેશી ખેલાડી તરીકે ઓળખાવીને આ રમૂજી વાતચીતનો વીડિયો બનાવવામાં આવ્યો છે. 28મી માર્ચે આરસીબીની પ્રથમ મૅચમાં જે ચાર વિદેશી ખેલાડી રમ્યા હતા એમાં ટિમ ડેવિડ, ફિલ સૉલ્ટ, રૉમારિયો શેફર્ડ અને જેકબ ડફીનો સમાવેશ હતો. આ ઉપરાંત પણ આરસીબી (RCB)ની સ્કવૉડમાં બીજા વિદેશી ખેલાડીઓ સામેલ છે.

આરસીબીએ 28મી માર્ચે પહેલી મૅચમાં હૈદરાબાદને હરાવ્યું હતું અને હવે આરસીબીની બીજી મૅચ રવિવારે, પાંચમી એપ્રિલે બેંગલૂરુમાં ચેન્નઈ સામે રમાશે.