Mon Oct 12 2026

Logo

હવે જંતરમંતર ખાતે પ્રદર્શન નહીં કરી શકાય, ગૃહ મંત્રાલયે દિલ્હીમાં ત્રણ જગ્યાએ પ્રદર્શન માટે આપી મંજૂરી

2026-10-12 14:23:00
Author: Vimal Prajapati
હવે જંતરમંતર ખાતે પ્રદર્શન નહીં કરી શકાય, ગૃહ મંત્રાલયે દિલ્હીમાં ત્રણ જગ્યાએ પ્રદર્શન માટે આપી મંજૂરી

નવી દિલ્હીઃ દિલ્હીમાં ધરણા અને વિરોધ પ્રદર્શન માટે અત્યાર સુધીમાં જંતર મંતર સ્થળ નક્કી કરવામાં આવેલું હતું. અહીં જ આ બધા કાર્યક્રમો થતાં પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા તેમાં મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં જંતર મંતર પર કોઈ વિરોધ પ્રદર્શન નહીં થઈ શકે! સમિતિની ભલામણોના આધારે સરકારે તેને નિર્ધારિત કાર્યક્રમ સ્થળોની યાદીમાંથી દૂર કર્યું છે. એટલે હવે જંતર મંતર પોટેસ્ટ સાઈટ નથી. તેના માટે અન્ય ત્રણ સ્થલ નિર્ધારિત કરવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

જંતર મંતરની જગ્યાએ આ ત્રણ નવા સ્થળ જાહેર કરાયા

વિગતે વાત કરીએ તો, જંતર મંતરની જગ્યાએ હવે રામલીલા મેદાન, બુરારી મેદાન અને પૂર્વ દિલ્હીમાં આવેલું CBD મેદાન હવે પ્રોટેસ્ટ સ્થળ હશે. સરકાર દ્વારા આ ત્રણ સ્થળોને નવા પ્રદર્શન સ્થળે તરીકે જાહેર કરી દીધા છે. ગૃહ મંત્રાલયે વિરોધ પ્રદર્શનો અને ધરણાં યોજવા માટે વૈકલ્પિક સ્થળો નક્કી કરવા એક સમિતિની રચના કરી હતી. સમિતિની ભલામણોના આધારે, પ્રદર્શનો માટે આ ત્રણ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

રામલીલા મેદાન, બુરારી ગ્રાઉન્ડ અને સીબીડી (CBD) ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શનો અને ધરણાં યોજવા માટેના નિયમો અને પ્રક્રિયાઓની વિગતો ધરાવતી સુધારેલી પ્રમાણભૂત કાર્યપદ્ધતિ (SOP) અલગથી બહાર પાડવામાં આવશે. હાલના આદેશમાં આ માર્ગદર્શિકાઓ અંગેની ચોક્કસ વિગતો આપવામાં આવી નથી. આ સમગ્ર મામલે સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. 

શા માટે જંતર મંતરને પ્રોટેસ્ટ સ્થળની યાદીમાંથી દૂર કરાયું?

પૂર્વના પ્રદર્શનોની વાત કરવામાં આવે તો, સીજેપી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામું અને એસઆઈઆર પર રોક લગાવવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ માટે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે સીજેપી દ્વારા દિલ્હી પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી, તેમ છતાં પણ પ્રદર્શનકારીઓ દિલ્હી પહોંચી રહ્યાં હતાં. જેમની સામે દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 

 

આ પહેલા સીજેપી દ્વારા 20 જૂનથી  25 જુલાઈ સુધી NEET પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રોટેસ્ટને દેશભરના યુવાનોએ સાથ આપ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા હિંસા કરવામાં આવી હતી. આ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખતા ગૃહ મંત્રાલયે વિરોધ પ્રદર્શનો અને ધરણાં યોજવા માટે વૈકલ્પિક સ્થળો નક્કી કરવા એક સમિતિની રચના કરી હતી. સમિતિની ભલામણોને પગલે રામલીલા મેદાન, બુરારી ગ્રાઉન્ડ અને સીબીડી (CBD) ગ્રાઉન્ડને પ્રદર્શનો માટે નક્કી કરવામાં આવ્યા છે.