Wed Oct 14 2026

Logo

એફડીએ કમિશનર તુકારામ મુંઢેની બદલી કરવામાં આવી કે શું, જાણો મુંઢેએ શું કહ્યું?

2026-10-14 14:55:10
Author: Mumbai Samachar Team
એફડીએ કમિશનર તુકારામ મુંઢેની બદલી કરવામાં આવી કે શું, જાણો મુંઢેએ શું કહ્યું?

મુંબઈઃ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશનર તુકારામ મુંઢેએ સ્પષ્ટ કર્યું છે કે તેમની બદલી કરવામાં આવી નથી. તેમણે બદલી અંગેની અટકળોને ફગાવી દીધી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે અસુરક્ષિત ખાદ્યપદાર્થો અને હલકી ગુણવત્તાવાળી દવાઓ સામેની તેમની ઝુંબેશ ચાલુ રહેશે.

પોતાની વહીવટી કારકિર્દી દરમિયાન વારંવાર બદલીઓનો સામનો કરનારા આ વરિષ્ઠ આઈએએસ અધિકારીની સંભવિત બદલી અંગેની ચર્ચાઓ વચ્ચે આ સ્પષ્ટતા કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) દ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં કથિત પેપર લીક અને ગેરરીતિઓની તપાસ કરવા માટે રચવામાં આવેલી પાંચ સભ્યોની સમિતિના સચિવ તરીકે રાજ્ય સરકારે રવિવારે મુંઢેની નિમણૂક કર્યા બાદ આ અટકળો શરૂ થઈ હતી. "ના, મારી એફડીએમાંથી બદલી કરવામાં આવી નથી," મુંઢેએ સોમવારે રાત્રે 'એક્સ' પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. 

એફડીએમાં  મુંઢેનો કાર્યકાળ લોકોનું વિશેષ ધ્યાન ખેંચનારો રહ્યો છે. ગ્રાહકોએ ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન સામે તેમના વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીની પ્રશંસા કરી છે, જ્યારે રેસ્ટોરા અને આ ઉદ્યોગના અમુક વર્ગોએ તેમનાં સંસ્થાનો સામે લેવાયેલાં પગલાંનો વિરોધ પણ કર્યો છે. 

ભરતી સંસ્થાની કામગીરી સામેના વિરોધ બાદ, એમપીએસસી પરીક્ષાઓમાં કથિત પેપર લીક મામલાની તપાસ કરતી સમિતિમાં મુંઢેની નિમણૂક કરવામાં આવી છે. મુખ્યપ્રધાને ગયા અઠવાડિયે આ સમિતિની જાહેરાત કરી હતી.