હાલમાં દેશભરમાં ધામધૂમથી નવરાત્રિનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને આ પર્વનું સમાપન વિજયાદશમી એટલે કે દશેરાથી થાય છે. દશેરાના પર્વની ઉજવણી માટે અસત્ય પર સત્યના વિજયના પ્રતીક રૂપે રાવણ દહનની ભવ્ય તૈયારીઓ શરૂ પણ થઈ ગઈ છે. દેશના જુદા જુદા શહેરોમાં નાના-મોટાથી લઈને બહુમાળી ઈમારતો જેટલા ઊંચા રાવણના પૂતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ પૂતળાઓને બનાવવા પાછળ કારીગરો મહિનાઓ સુધી પરસેવો પાડે છે અને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. આ વર્ષે દેશની રાજધાની દિલ્હીના દ્વારકામાં તૈયાર થયેલો 221 ફૂટ ઊંચો રાવણ લોકોમાં ભારે આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી...
દેશના પાટનગર દિલ્હીના દ્વારકા ખાતે 221 ફૂટ ઊંચો રાવણ તૈયાર કરાઈ રહ્યો છે. આ પૂતળાની ગણતરી દેશના સૌથી ઊંચા પૂતળામાં કરવામાં આવી રહ્યા છે. ચાલો વાત કરીએ આ પૂતળાની ખાસિયતો અને બનાવટ વિશે તો દિલ્હીના દ્વારકા સેક્ટર 10માં આયોજિત રામલીલા અને દશેરા મેળા માટે આ વિશાળકાય પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં તૈયાર કરાયેલા આ પૂતળાની ઉંચાઈ 221 ફૂટ છે અને આ પૂતળાને સુરક્ષિત ઊભું રાખવા માટે એક હજારથી વધુ વાંસ અને ટનબંધ લોખંડના મજબૂત એંગલ્સ અને ફ્રેમનો ઉપયોગ થયો છે. હરિયાણાના બરાડાના કુશળ કારીગરોની ટીમે સતત 3 મહિનાથી વધુ સમય દિવસ-રાત મહેનત કરીને આ પૂતળું તૈયાર કર્યું છે.
દ્વારકામાં બનાવવામાં આવેલા આ પૂતળા પાછળ આશરે રૂપિયા 38 લાખથી રૂપિયા 45 લાખનો જંગી ખર્ચ થયો હોવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. આ ખર્ચમાં કાચો માલ, લોખંડનું માળખું, કપડું, ઇકો-ફ્રેન્ડલી ફટાકડા, વિશાળ ક્રેન દ્વારા સ્ટ્રક્ચરને ઊભું કરવાની વ્યવસ્થા અને કારીગરોની મજૂરીનો સમાવેશ થાય છે.
રાજસ્થાનના કોટાનો 222 ફૂટ ઊંચા રાવણનો રેકોર્ડ
ભારતમાં સૌથી ઊંચા રાવણના નિર્માણની વાત આવે ત્યારે રાજસ્થાનના ઐતિહાસિક કોટા દશેરા મેળાનું નામ મોખરે આવે છે. વર્ષ 2025માં કોટાના દશેરા મેળામાં આશરે 221.5થી 222 ફૂટ ઊંચો રાવણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પૂતળાનું વજન આશરે 13.5 ટન હતું અને તેને તૈયાર કરવા પાછળ અંબાલાના કારીગરોને લગભગ 4 મહિનાનો સમય લાગ્યો હતો. તેનો અંદાજિત કોન્ટ્રાક્ટ આશરે રૂપિયા 44 લાખમાં અપાયો હતો.
આટલા વિશાળકાય પૂતળા કેવી રીતે બને છે?
ઊંચાઈ વધવાની સાથે પવનના દબાણ સામે પૂતળું અડીખમ ઊભું રહી શકે તે માટે અંદર લોખંડના પાઈપ્સ અને સ્ટીલની ફ્રેમનું ગ્રીડ વર્ક તૈયાર કરાય છે. રાવણના આ પૂતળા બનાવવા માટે વાંસના ટેકા, મજબૂત દોરડાં, હજારો મીટર કપડું અને ચહેરાના હાવભાવ માટે હળવા વજનવાળા ફાઈબરગ્લાસનો ઉપયોગ થાય છે. દહન વખતે ભીડથી સુરક્ષિત અંતર જળવાય અને માળખું નિર્ધારિત દિશામાં જ નીચે પડે તે રીતે તેની ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે.