જયપુર એરપોર્ટ પર વિમાન હાઇજેક થવાના એલર્ટ બાદ અફરાતફરી મચી ગઇ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2030નું જયપુર એરપોર્ટ પર સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું છે. આ વિમાન જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી જઇ રહ્યું હતું. જાણકારી અનુસાર, અમદાવાદ એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ને વિમાનને લઇને એલર્ટ મળ્યો હતો. ત્યાર બાદ સુરક્ષા એજન્સીઓ તરત સતર્ક થઇ ગઇ.
પ્રાપ્ત માહિતી અનુસાર વિમાનના પાયલોટે કેટલીક સેકન્ડ માટે સ્ક્વાક-7500 કોડ જાહેર કર્યો હતો. ઉડ્યન ક્ષેત્રમાં સ્ક્વાક-7500નો ઉપયોગ હાઇજેક કે વિમાન પર ગેરકાયદે કબજાની સ્થિતિનો સંકેત આપવા માટે થાય છે. આ એલર્ટ બાદ વિમાનને જયપુર તરફ ડાયવર્ટ કરી સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું.
જાણકારી અનુસાર, સવારે લગભગ 9:45 વાગ્યે વિમાનને જયપુર એરપોર્ટને આઇસોલેશન વે પર લઇ જવામાં આવ્યું. સુરક્ષા સંબંધી ઇમરજન્સી સ્થિતિમાં વિમાનને આઇસોલેશન પર અલગ રાખવામાં આવે છે. જેથી સુરક્ષા એજન્સીઓ તેની તપાસ કરી શકે અને અન્ય વિમાનોથી તેને અલગ રાખી શકાય. હાલ એલર્ટના કારણે અને પાયલોટ તરફથી સ્ક્વાક-7500 કોડ જાહેર કરવાના કારણોને લઇને આધિકારીક પુષ્ટિની રાહ જોવાઇ રહી છે.