Wed Oct 14 2026

Logo

ગાંધીધામ: ભત્રીજાના બેરોજગાર સાળા પર ભરોસો કરવો ભારે પડ્યો, વેપારીની રૂ.25 લાખ ભરેલી બેગ લઈને થઈ ગયો ફરાર

2026-10-14 13:35:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામ: ભત્રીજાના બેરોજગાર સાળા પર ભરોસો કરવો ભારે પડ્યો, વેપારીની રૂ.25 લાખ ભરેલી બેગ લઈને થઈ ગયો ફરાર

ભુજઃ ગાંધીધામમાં કંડલા ફ્રી ટ્રેડ ઝોન ખાતે ભંગારની લે-વેચનો વેપાર કરતા ઉત્તર પ્રદેશના એક યુવાન વેપારીને પોતાના ભત્રીજાના બેરોજગાર સાળા પર આંધળો વિશ્વાસ મૂકી નોકરીએ રાખવાનું અત્યંત મોંઘું સાબિત થયું હતું. ધંધાના હિસાબ-કિતાબ માટે રૂપિયા ૧૫ હજારના માસિક પગારે રાખેલો સાળો વેપારીની રોકડા રૂપિયા ૨૫ લાખ ભરેલી બેગ લઈને નાસી છૂટ્યો હતો. વતનમાં પકડાયા બાદ હવે પરિવારે "કયા રૂપિયા?" કહી હાથ ઊંચા કરી દેતાં ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ સંદર્ભે પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધનગરમાં રહેતા કાલુ રામસિંગ જાટવ (ઉ.વ. ૨૧) અવારનવાર ગાંધીધામ આવીને કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં ભંગારનો વેપાર કરે છે અને ગાંધીધામ સ્થિત લોહાણા મહાજન વાડીમાં રૂમ રાખીને રોકાય છે. એકાદ માસ પૂર્વે કાલુ વતન ગયો ત્યારે તેના ભત્રીજા નાગેન્દ્ર ઉર્ફે નાગેશ સાથે મુલાકાત થઈ હતી. નાગેશે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેનો સાળો વિવેકકુમાર હજારીલાલ જાટવ (રહે. હાથરસ, યુપી) બેરોજગાર છે અને કાલુ ભણેલા ન હોવાથી વિવેકને સાથે રાખી લે તો તે વેપારનો હિસાબ-કિતાબ રાખશે. આથી કાલુએ વિવેકને મહિને રૂ.૧૫,૦૦૦ના પગારે નોકરી પર રાખી લીધો હતો.

દરમિયાન, કાલુને ગાંધીધામમાં ભંગારના ધંધા માટે મોટી રકમની જરૂર હોવાથી તેના ભાઈએ વતનનું ખેતર વેચીને કાલુને ઉછીના રૂ.૨૫ લાખ આપ્યા હતા. જેમાં રૂ.૧૨ લાખ રોકડા અને રૂ.૧૩ લાખ કેનેરા બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. કાલુએ બેંકમાંથી રૂ.૧૩ લાખ રોકડા ઉપાડી કુલ રૂ.૨૫ લાખ એક બેગમાં ભરી લીધા હતા. ગત ૩૧ ઓગસ્ટના રોજ કાલુ નાણાં ભરેલી બેગ અને વિવેકને સાથે રાખી કાર મારફતે દિલ્હી પહોંચ્યો હતો, જ્યાંથી તેના અન્ય બે મિત્રો રાજેશ અને યોગેશ પણ ગાંધીધામ ફરવા આવવા માટે તેમની સાથે જોડાયા હતા.

ગત ૧ સપ્ટેમ્બરની સાંજે ચારેય જણા ગાંધીધામ આવ્યા હતા અને લોહાણા મહાજન વાડીમાં કાલુના રૂમ પર રોકાયા હતા. ત્યાં પહોંચીને કાલુ રૂ.૨૫ લાખ ભરેલી બેગ વિવેકના ભરોસે રૂમમાં મૂકીને તેના બે મિત્રો સાથે ગણેશનગરમાં રહેતા પરિચિત હિતેશ ગરવાને મળવા ગયો હતો. કામ પૂરું ન થતાં કાલુ અને તેના મિત્રો રાત્રે હિતેશના ઘરે જ રોકાઈ ગયા હતા. બીજા દિવસે પરોઢિયે ૫ વાગ્યે હિતેશ તમામને કારમાં બેસાડી લોહાણા મહાજન વાડી મૂકી ગયો હતો.

કાલુ અને તેના મિત્રો રૂમ પર પહોંચ્યા ત્યારે રૂમને બહારથી તાળું મારેલું હતું. કાઉન્ટર પરથી ચાવી મેળવી રૂમ ખોલતાં જ અંદરથી વિવેક અને રૂ.૨૫ લાખ ભરેલી બેગ ગાયબ હતા. કાલુએ તાબડતોબ ભત્રીજા નાગેશને જાણ કરી મિત્રો સાથે તત્કાળ યુપી દોડી ગયો હતો. ત્યાં નાગેશ અને વિવેકના પિતાએ વિવેક હાથ લાગતાં જ પૈસા પાછા અપાવી દેવાની ખાતરી આપી હતી.

ગત ૯ સપ્ટેમ્બરે વિવેક હરિયાણાના રેવાડીમાં હોવાની વિગતો મળતાં નાગેશ તેને પકડીને વતન હાથરસ લઈ આવ્યો હતો. જોકે, વિવેક પરત આવ્યા બાદ કાલુએ પોતાના નાણાંની માંગણી કરતાં વિવેક અને તેના પરિવારે "કયા રૂપિયા?" કહીને પૈસા આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. સમગ્ર મામલે આખરે કાલુ જાટવે ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિવેકકુમાર જાટવ સામે ગુનો દાખલ કરી  તપાસ હાથ ધરી હતી.

(ઉત્સવ વૈદ્ય)