Wed Oct 14 2026

Logo

ઑસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે ફાઈનલની હારનો બદલો લીધો અને કેપ્ટન બવુમાને...

Durban   2026-10-14 12:43:00
Author: Ajay Motiwala
ઑસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે ફાઈનલની હારનો બદલો લીધો અને કેપ્ટન બવુમાને...

ડરબન: પૅટ કમિન્સના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયાએ મંગળવારે સાઉથ આફ્રિકાને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં 214 રનથી જોરદાર પછડાટ આપીને એક કાંકરે બે પક્ષી માર્યા.

2018ની સાલમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સહિતના ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)ના કેટલાક ખેલાડીઓએ કાચ-કાગળને બૉલ પર ઘસવા માટેનું જે કાંડ કર્યું હતું ત્યાર બાદ સાઉથ આફ્રિકા (SOUTH AFRICA)માં ઑસ્ટ્રેલિયાની ટીમ પહેલી જ વખત ટેસ્ટ સીરિઝ રમવા આવી છે.

કેપ્ટન બવુમા પહેલી વખત હાર્યો!

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની વીતેલી સીઝનની જૂન, 2025ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન બનેલી સાઉથ આફ્રિકાની ટીમ સામે ઑસ્ટ્રેલિયાની ટીમ નવી સીઝનમાં પહેલી જ વખત ટેસ્ટ રમી અને એમાં એને મંગળવારે 214 રનના તફાવતથી ઘોર પરાજય ચખાડ્યો હતો. એ રીતે ઑસ્ટ્રેલિયાએ ડબલ્યૂટીસીની ફાઇનલની હારનો બદલો લેવાની સાથે સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બવુમાના અસાધારણ વિક્રમમાં ગાબડું પણ પાડ્યું હતું. બવુમાના નેતૃત્વમાં સાઉથ આફ્રિકા પહેલી જ વખત ટેસ્ટ મૅચ હાર્યું છે. આ પહેલાં બવુમાની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકા 12માંથી 11 ટેસ્ટ જીત્યું હતું અને એક ટેસ્ટ ડ્રો ગઈ હતી.

સીરિઝમાં 1-0થી સરસાઈ મેળવનાર ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 390 રન કર્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમ 284 રનમાં ઑલઆઉટ થઈ હતી. 106 રનની સરસાઈ લેનાર ઑસ્ટ્રેલિયાએ બીજો દાવ 6/314 રનના સ્કોર પર ડિક્લેર કરીને સાઉથ આફ્રિકાને 421 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમ ઓપનર એઈડન માર્કરમના 75 રન છતાં 206 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

મૅટ રેન્શો મૅન ઑફ ધ મૅચ 

ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જૉશ હૅઝલવૂડે સૌથી વધુ છ વિકેટ લીધી હતી. મૅટ રેન્શૉએ ઑફ સ્પિનના જાદુથી બે વિકેટ મેળવી હતી. ખરેખર તો આ મૅચમાં રેન્શૉ સુપરહીરો સાબિત થયો હતો. પહેલા દાવમાં તેણે 190 રન અને બીજા દાવમાં 82 રન કર્યા હતા.