નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે ઈતિહાસ રચ્યો હતો. પોતાના શાનદાર પ્રદર્શનના કારણે સપ્ટેમ્બર મહિનાનો આઈસીસીનો મોટો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે અભિષેક શર્મા અને ઝીમ્બાબ્વેના સિકંદર રજાને પછાડીને આ એવોર્ડ જીત્યો હતો. આ એવોર્ડ માટે તેમને પણ નોમિનેટ કરાયા હતા. ગિલ પાંચમી વખત આ એવોર્ડ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં તેણે વેસ્ટ ઈન્ડઝ સામે રમેલી વન ડે સીરિઝમાં શાનદાર દેખાવ કર્યો હતો. મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી શેફાલી વર્માને પણ આઈસીસી વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે જાહેર કરવામાં આવી હતી.
વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વનડેમાં સદી અને બીજી વનડેમાં ગિલે ફટકારી હતી બેવડી સદી
શુભમન ગિલને સપ્ટેમ્બર મહિના માટે 'આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ' જાહેર કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણી રમાઈ હતી. તેની પ્રથમ બે મેચ સપ્ટેમ્બરમાં રમાઈ હતી અને આ બંને મેચોમાં જ તેણે તરખાટ મચાવ્યો હતો. શ્રેણીની પ્રથમ બે મેચોમાં ગિલે કુલ 333 રન બનાવ્યા હતા. પ્રથમ મેચમાં ગિલે 110 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને ત્યારબાદ બીજી મેચમાં તેણે અણનમ 223 રન ફટકાર્યા હતા. જોકે ઓક્ટોબરમાં રમાયેલી ત્રીજી મેચમાં તે માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પ્રથમ બંને મેચ 8 વિકેટે જીતીને ભારતે શ્રેણી પણ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી.
India batting superstar becomes the first-ever five-time ICC Men's Player of the Month winner after a run-filled series against West Indies 🌟 Find out the winner ➡️ https://t.co/vfMePK59UQ https://t.co/LszB7cqD7C
— ICC (@ICC) October 13, 2026
વનડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો ગિલ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન ગિલે માત્ર 133 બોલમાં 223 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 26 ચોગ્ગા અને આઠ છગ્ગા આવ્યા હતા. આ દરમિયાન શુભમન ગિલે માત્ર 62 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે કોઈપણ ભારતીય કેપ્ટન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી પણ હતી. ત્યારબાદ તેણે 117 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી, જે વિશ્વના કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી બેવડી સદી છે. આ સાથે ગિલે પોતાના જ સાથી ખેલાડી ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો હતો.
ગિલ અત્યાર સુધીમાં પાંચ વખત જીતી ચૂક્યો છે આઈસીસીનો આ એવોર્ડ
ગિલ અત્યાર સુધીમાં પાંચ વખત 'આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ'નો એવોર્ડ જીતી ચૂક્યો છે. પ્રથમ વખત તેને જાન્યુઆરી 2023માં આ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તે જ વર્ષે સપ્ટેમ્બરમાં ફરીથી તેણે આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો. વર્ષ 2025ના ફેબ્રુઆરીમાં ગિલે ત્રીજી અને ત્યારબાદ જુલાઈ 2025માં ચોથી વખત આ પુરસ્કાર મેળવ્યો હતો. હવે આ પાંચમી વખત બન્યું છે.
શેફાલી વર્માએ જીત્યો મહિલા કેટેગરીનો એવોર્ડ
એટલું જ નહીં, મહિલા કેટેગરીનો એવોર્ડ પણ ભારતે પોતાના નામે કર્યો હતો. ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી શેફાલી વર્માને સપ્ટેમ્બર 2026ના આઈસીસી વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવી હતી. શેફાલીએ આ એવોર્ડ બીજીવાર જીત્યો હતો. 22 વર્ષીય શેફાલીએ પ્રથમ વખત ગયા વર્ષે નવેમ્બરમાં આ એવોર્ડ જીત્યો હતો.
India batter’s exploits in the Women’s Asia Cup and the Asian Games reward her with September’s ICC Women’s Player of the Month award 🎖️ Find out the winner ➡️ https://t.co/ldxABLBp0I https://t.co/2bStmpL0Jj
— ICC (@ICC) October 13, 2026