Wed Oct 14 2026

Logo

રાહુલ ગાંધી સાથે પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા વિદ્યાર્થીઓએ પોલીસ પર શું લગાવ્યા આરોપ ?

2026-10-14 14:24:23
Author: Mayur Patel
રાહુલ ગાંધી સાથે પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા વિદ્યાર્થીઓએ પોલીસ પર શું લગાવ્યા આરોપ ?

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ સાથે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ પોલીસે પ્રદર્શન દરમિયાન કરેલા અત્યાચારની વિગતો આપી હતી. 

રાહુલ ગાંધી સાથે પાંચથી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા. સૌથી પહેલાં પોતાની વાત રજૂ કરનાર વિદ્યાર્થીએ દાવો કર્યો કે દિલ્હી પોલીસે તેમની સાથે બર્બરતા કરી અને કહ્યું કે, એમ બોલ કે દિલ્હી પોલીસ તારા પિતા છે. વિદ્યાર્થીને અધવચ્ચે અટકાવતા રાહુલ ગાંધીએ પૂછ્યું— તમને ડર તો નહોતો લાગ્યો ને? વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે શરૂઆતમાં ડર લાગ્યો હતો, પરંતુ હવે નથી લાગી રહ્યો.

અમને પકડ્યા પછી પોલીસે બસમાં પૂરી દીધા: વિદ્યાર્થિની આદિરા

વિદ્યાર્થિની આદિરાએ જણાવ્યું કે, અમને પકડ્યા પછી પોલીસે બસમાં પૂરી દીધા. ત્યારબાદ અમને સીપી (કનોટ પ્લેસ) પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. ત્યાં ચંચલ યાદવ હાજર હતા. અમને ત્યાં બેઝમેન્ટમાં લઈ જવામાં આવ્યા હતા. મને ઢસડવામાં આવી અને સાત-આઠ લોકોએ મને માર માર્યો. 10 ડંડા જમણી બાજુથી માર્યા અને 10 ડંડા ડાબી બાજુથી માર્યા હતા.

પોલીસ સ્ટેશનમાં સીસીટીવી નહોતા: વિદ્યાર્થિની

વિદ્યાર્થિનીએ આગળ જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં એક જગ્યાએ સીસીટીવી કેમેરા નહોતા. ત્યાં ત્રણ કે ચાર પોલીસકર્મીઓ હતા. તેઓ સતત મને મારતા રહ્યા. મને પેટના નીચેના ભાગમાં લાતો મારી હતી. મેં કરગરીને કહ્યું કે મેં કશું જ નથી કર્યું, છતાં તેઓ મને મારતા રહ્યા. મેં તેમનો કોઈ પ્રતિકાર પણ ન કર્યો. તેઓ સતત મને મારી રહ્યા હતા અને મારા પર હસી પણ રહ્યા હતા.  

મને ડંડાથી માર મારવામાં આવ્યોઃ કન્ટેન્ટ ક્રિએટર

પ્રદર્શનકારી રમિતે કહ્યું કે, હું કન્ટેન્ટ ક્રિએટર છું. 11 ઑક્ટોબરે આરએસએસ અને ભાજપના ગુંડાઓના કહેવાથી મારી અટકાયત કરવામાં આવી હતી. તેમની પાસે લાકડીઓ હતી. પોલીસે તેમની વાત સાંભળીને લોકોની અટકાયત કરી અને અમને ખરાબ રીતે પીટ્યા. અમારો ફોન પણ આંચકી લીધો. ત્યાં કોઈ મહિલા પોલીસ અધિકારી પણ હાજર નહોતા. તેમના ડંડાનો જવાબ ડંડો જ છે.

પ્રદર્શનકારી ધર્મેન્દ્રએ પણ જણાવ્યું કે, મને ખૂબ જ વધારે મારવામાં આવ્યો. અંકિત કસાના નામના પોલીસકર્મીએ કહ્યું કે, જોઈએ તારી સાથે કેટલા નેતાઓ આવે છે, તને બચાવવા કોઈ નહીં આવે. તમે બધા પૈસા લઈને આવો છો. તેમણે લાતો, મુક્કા અને થપ્પડ માર્યા હતા. મને ડર લાગી રહ્યો હતો, પણ હવે જો તેઓ મને ગોળી પણ મારશે તો હું ગોળી ખાઈ લઈશ.


તારી બેગ ખોલ અને એમાં જ ઊલટી કર

અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું, મારું નામ સમર્થ છે. અમે લોકો 4 ઑક્ટોબરથી શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા અને 5 ઑક્ટોબરે અમારી અટકાયત કરવામાં આવી હતા. ત્યારબાદ અમને પાર્લામેન્ટ પોલીસ સ્ટેશન લઈ જઈને વહાબ સિંહ તોમર નામના પોલીસકર્મી સાથે 20 જેટલા પોલીસવાળાઓએ બેફામ માર માર્યો હતો. આ પછી, અમને પાછળના રસ્તેથી બહાર કાઢવામાં આવ્યા અને પાર્લામેન્ટ પોલીસ સ્ટેશનથી દિલ્હી કેન્ટ સુધી કોન્સ્ટેબલ અંકિત કસાના માર મારતો લઈ ગયો હતો. જ્યારે મારા સાથી ધર્મેન્દ્રએ કહ્યું કે તેમને ઊલટી થઈ રહી છે, ત્યારે પોલીસવાળાઓએ કહ્યું -તારી બેગ ખોલ અને એમાં જ ઊલટી કર.