મુંબઈ: બોલીવુડના જાણીતા અભિનેતા અને ટીવી હોસ્ટ શેખર સુમન આજે પણ પોતાના મોટા દીકરા આયુષના નિધનનું દુઃખ ભૂલી શક્યા નથી. આયુષનું માત્ર 11 વર્ષની ઉંમરે નિધન થયું હતું. આ ઘટનાને લગભગ 31 વર્ષ વીતી ગયાં હોવા છતાં શેખર સુમન અને તેની પત્ની આજે પણ દીકરાની યાદમાં ભાવુક થઈ જાય છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં શેખર સુમને પોતાના પરિવારના આ દુઃખદ સમય, આયુષ સાથે જોડાયેલી યાદો અને તેને ફરી મળવાની પોતાની આશા વિશે વાત કરી હતી.
શેખર સુમને જણાવ્યું કે તે અને તેની પત્ની દરરોજ બે-ત્રણ કલાક બેસીને આયુષને યાદ કરે છે અને તેની સાથે જોડાયેલી વાતો કરે છે. તેના કહેવા પ્રમાણે, જીવનમાં કેટલીક એવી પીડા હોય છે, જે સમય પસાર થવા છતાં ક્યારેય ઓછી થતી નથી.
આયુષના નિધન બાદ પરિવાર માટે સામાન્ય જીવનમાં પાછા ફરવું અત્યંત મુશ્કેલ હતું. આજે પણ તેઓ પોતાના દીકરાને યાદ કરે છે અને તેની તસવીર સાથે વાતો કરે છે. શેખર સુમન માટે આ માત્ર જૂની યાદો નથી, પરંતુ જીવનભર સાથે રહેનારું દુઃખ છે.
ઇન્ટરવ્યૂ દરમિયાન શેખર સુમને નાના દીકરા અધ્યયન સુમન સાથે જોડાયેલી એક ભાવુક વાત પણ જણાવી હતી. જ્યારે આયુષનું નિધન થયું ત્યારે અધ્યયન માત્ર સાત વર્ષનો હતો. પરિવારના લોકોએ તેને આ દુઃખદ પરિસ્થિતિથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, જ્યારે અધ્યયને પોતાના મોટા ભાઈનો નિષ્પ્રાણ દેહ જમીન પર જોયો ત્યારે તેને ઘટનાની ગંભીરતા સમજાઈ નહોતી. ત્યારબાદ અધ્યયન ઘણીવાર કહેતો હતો કે તેનો ભાઈ રાત્રે બારીમાંથી આવે છે અને તેની સાથે વાતો કરે છે. શેખર સુમન માટે આ યાદ આજે પણ અત્યંત ભાવુક કરનારી છે.
શેખરે વર્ષ 2009માં બનેલી એક રહસ્યમય ઘટના પણ શેર કરી હતી. તે સમયે તે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણ આપી રહ્યો હતો, જ્યારે તેની પત્ની અલકા વારાણસીના બાબા વિશ્વનાથ મંદિરનાં દર્શન કરવા ગઈ હતી. દર્શન કરીને બહાર નીકળ્યા બાદ એક નાનું બાળક તેમની પાસે પૈસા માગવા આવ્યું હતું.
અલકાએ તેને 10 રૂપિયા આપ્યા, પરંતુ બાળકે જવાબ આપ્યો, 'આનાથી મારું શું થશે?' શેખરના જણાવ્યા પ્રમાણે, બીમારી દરમિયાન આયુષને ખાવા-પીવાની કેટલીક વસ્તુઓ ઓછી આપવામાં આવતી ત્યારે તે પણ આ જ શબ્દો બોલતો હતો. બાળકનો અવાજ અને બોલવાની રીત આયુષ જેવી લાગતાં અલકા ભાવુક બની હતી.
શેખર સુમને વધુમાં જણાવ્યું કે અલકાએ બાળકને વધુ પૈસા આપવા માટે પોતાની બેગમાંથી બધી રકમ કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં બાળક અચાનક ગાયબ થઈ ગયું હતું. તેના જણાવ્યા અનુસાર, કાર રસ્તાની વચ્ચોવચ ઊભી હતી અને બાળક ક્યાંક બાજુમાં જઈને છુપાઈ જાય તેવી પરિસ્થિતિ પણ નહોતી.
શેખરે કહ્યું કે આયુષના નિધન બાદ તેમના મનમાં વારંવાર એક જ સવાલ ઊઠતો હતો કે આવું તેમની સાથે જ કેમ થયું. એક પંડિતે તેમને કહ્યું હતું કે આયુષ એક દિવસ તેમને મળવા આવશે. વર્ષ 2009ની આ ઘટનાને શેખર અને અલકા આજે પણ પોતાના જીવનની ખાસ યાદ તરીકે જુએ છે.
શેખર સુમને પોતાના વિશ્વાસ વિશે વાત કરતાં કહ્યું કે તેને પૂરો ભરોસો છે કે આયુષ ફરી તેના પરિવારમાં પાછો આવશે અને અધ્યયન સુમનના દીકરા તરીકે જન્મ લેશે. તેના મતે, આયુષ ભૌતિક સ્વરૂપમાં તેમની વચ્ચે ન હોવા છતાં તેની હાજરીનો અહેસાસ થાય છે. આ માન્યતા તેને દીકરાની ખોટ સહન કરવાની શક્તિ આપે છે. જોકે, આ તેનો વ્યક્તિગત આધ્યાત્મિક વિશ્વાસ છે, જેને તેણે પોતાના દુઃખ અને આશા સાથે જોડીને વ્યક્ત કર્યો છે.
કામકાજની વાત કરીએ તો શેખર સુમને પોતાના ડિજિટલ શો ‘શેખર ટુનાઈટ’ દ્વારા હોસ્ટિંગની દુનિયામાં ફરી પ્રવેશ કર્યો છે. આ શોની શરૂઆત 15 મે, 2026ના રોજ થઈ હતી અને તેની પ્રથમ સીઝન પણ પૂર્ણ થઈ ચૂકી છે. અગાઉ તે પોતાના લોકપ્રિય શો ‘મૂવર્સ એન્ડ શેકર્સ’ દ્વારા દર્શકોનું મનોરંજન કરતા હતા.
લગભગ 14 વર્ષ બાદ તેમણે ફરી એકવાર લેટ-નાઇટ ટોક શો સાથે પરત ફર્યા છે. ‘શેખર ટુનાઇટ’માં તેઓ રાજકારણ, દેશ-દુનિયાના મુદ્દાઓ અને વર્તમાન ઘટનાઓ પર પોતાની આગવી શૈલીમાં ચર્ચા તથા વ્યંગ કરતા જોવા મળે છે.