મુંબઈઃ આઈપીએલ 2026 પૂરી થયા બાદ ભારતીય ક્રિકેટમાં ખેલાડીઓના બદલાવને લઈ હલચલ શરૂ થઈ છે. એક રિપોર્ટ પ્રમાણે, ભારતને ટી20 વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશિપ લઈ લેવામાં આવી છે. એટલું જ નહીં બેટ્સમેન તરીકે પણ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. આ નિર્ણય આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા લેવામાં આવ્યો છે. બીસીસીઆઈ હવે ભારતીય ટી20 ટીમના નવા કેપ્ટનની નિમણૂક કરશે.
કેમ લેવામાં આવ્યો નિર્ણય
આ અંગે સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, પંસદગી સમિતિ, બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે હેડ કોચ ગૌતમ ગંભીર સાથે લાંબી ચર્ચા કરી હતી. જેમાં ભારતીય ટીમની આગળ લઈ જવા માટે નવા કેપ્ટનની પસંદગીને લઈ વાત થઈ હતી. સૂત્રોએ ઉમેર્યું કે, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ ટી20 ચેમ્પિયન જરૂર બની હતી પરંતુ તેના વર્તમાન કંગાળ ફોર્મ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટને લાગ્યું કે, હવે આગળ વધવાનો યોગ્ય સમય આવી ગયો છે. હવે આગામી સમયમાં ટીમમાં તેની પસંદગી નહીં થાય અને આ નિર્ણયની જાણકારી સૂર્યકુમારને જલદી આપવામાં આવશે.
બેટિંગ બની સૂર્યકુમારની નબળાઈ
રોહિત શર્માની કેપ્ટનશિપમાં વર્ષ 2024માં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં ભારત વિજેતા બન્યું હતું. આ જીત સાથે જ રોહિતે આ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. જે બાદ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. સુકાની પદ સંભાળ્યા બાદ તેની બેટિંગ પર સતત સવાલ ઉઠતા રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં તેણે ખાસ રન નથી બનાવ્યા. તેમજ તાજેતરમાં સંપન્ન થયેલી આઈપીએલ 2026ની સીઝનમાં પણ તેનું પ્રદર્શન કંગાળ રહ્યું હતું. જોકે સીઝનની અંતિમમેચમાં રાજસ્થાન સામે તેણે અડધી સદી ફટકારી હતી પરંતુ સમગ્ર ટુર્નામેન્ટમાં તે રન બનાવવા સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
ભારતીય ટીમનું આગામી ટી20 શેડયૂલ
ભારતીય ટીમનું આ મહિનાના અંતથી વ્યસ્ત શેડ્યૂલ છે. મેદાન પર નવી ટીમ અને નવા કેપ્ટનની રણનીતિ જોવા મળી શકે છે. ભારતે આયર્લેન્ડમાં બે ટી20 ઈન્ટરનેશનલ મેચ રમવાની છે. જે બાબાદ ઈંગ્લેન્ડ સામે પાંચ ટી20 ઈન્ટરનેશનલ મેચની સીરિઝ રમશે.
સૂર્યકુમાર યાદવનો કેવો છે ટી20 રેકોર્ડ
સૂર્યકુમાર યાદવે 113 ટી20 ઈન્ટરનેશનલમાં 162.9ના સ્ટ્રાઈક રેટથી 3272 રન બનાવ્યા છે. તેણે 4 સદી અને 25 અડધી સદી ફટકારી છે. 117 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે.
સૂર્યાની જગ્યાએ કોણ બની શકે છે કેપ્ટન
શ્રેયસ અય્યરને સૂર્યકુમારની જગ્યાએ ભારતીય ટીમનો ટી20 કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જેની પાછળનું એક કારણ છે. ટી20માં સૂર્યકુમાર ચોથા ક્રમે બેટિંગ કરે છે અને શ્રેયસ પણ આ ક્રમે બેટિંગ કરે છે. ઉપરાંત અય્યરનો આઈપીએલમાં કેપ્ટન તરીકેનો રેકોર્ડ પણ સારો છે.