મુંબઈઃ 2025ની આઇપીએલના રનર-અપ પંજાબ કિંગ્સ (PBKS)એ આ વખતની ટૂર્નામેન્ટમાં ફર્સ્ટ-હાફની અસાધારણ સફળતા પછી સેકન્ડ-હાફમાં જે અણધાર્યું અને અભૂતપૂર્વ પતન જોયું એ વિશે સચિન તેન્ડુલકરે ખૂબ સરસ વિશ્લેષણ કર્યું છે.
શ્રેયસ ઐયર (Shreyas Iyer)ના નેતૃત્વમાં પંજાબ કિંગ્સે શરૂઆતની સાતમાંથી તમામ છ મૅચ જીતી લીધી હતી અને એક મૅચ વરસાદને કારણે નહોતી રમાઈ. જોકે એ સાત મૅચ બાદ અચાનક પંજાબ કિંગ્સના પર્ફોર્મન્સમાં ફેરફાર થયો હતો અને પ્રીટિ ઝિન્ટાની સહ-માલિકીવાળી અને રિકી પૉન્ટિંગના કોચિંગ હેઠળની આ ટીમ ઉપરાઉપરી છ મૅચ હારી ગઈ હતી અને ત્યાર પછી એક મૅચ જીતી ત્યારે પ્લે-ઑફમાં એના પહોંચવાની સંભાવના માટે બહુ મોડું થઈ ગયું હતું. ગયા વર્ષની રનર-અપ પંજાબની ટીમ આ વખતે શરૂઆતમાં નંબર-વન રહ્યા બાદ પ્લે-ઑફમાં પણ નહોતી પહોંચી શકી. બન્યું એવું કે 2025માં પંજાબને ફાઇનલમાં હરાવનાર બેંગ્લૂરુએ આ વખતે પણ ટાઇટલ જીતી લીધું.

માસ્ટર બ્લાસ્ટરે `રેડિટ' પરની પોસ્ટમાં પંજાબ કિંગ્સના દેખાવનું જે નાટ્યાત્મક પતન થયું અને એના ખેલાડીઓની માનસિકતામાં કેવી રીતે પલટો આવ્યો એ વિશે લખ્યું છે. સચિને લખ્યું છે, `પંજાબ કિંગ્સે આ વખતની ટૂર્નામેન્ટને શરૂઆતમાં જ ઊર્જામય બનાવી દીધી હતી. એના ખેલાડીઓ સકારાત્મક અભિગમ સાથે રમ્યા હતા, બાહોશ થઈને હરીફો સામે લડ્યા હતા અને જીત્યા હતા તેમ જ ટીમના ઘણા ખેલાડીઓના પર્ફોર્મન્સ ગેમ-ચૅન્જિંગ હતા. સામાન્ય રીતે લાંબી ટૂર્નામેન્ટમાં ખેલાડીના પર્ફોર્મન્સમાં તેના જોશ, ઉત્સાહ અને ઊર્જાની મહત્ત્વની ભૂમિકા હોય છે.'
સચિને પોસ્ટમાં પંજાબ કિંગ્સ વિશે એવું પણ લખ્યું છે કે `ઝડપથી બદલાવ બતાડતી આઇપીએલ જેવી ટૂર્નામેન્ટમાં ખેલાડીઓ સામાન્ય રીતે પ્રોસેસ પર વધુ લક્ષ આપતા હોય છે અને મૅચના પરિણામ વિશે ઓછી દરકાર કરતા હોય છે. બન્યું એવું કે પંજાબની ટીમે ફર્સ્ટ-હાફમાં પ્રોસેસ પર જ ધ્યાન આપ્યું હતું અને સેક્નડ-હાફમાં તેઓ પ્રોસેસ કરતાં રિઝલ્ટ પર વધુ ધ્યાન આપવા લાગ્યા હતા.'

આઇપીએલની 19મી સીઝનમાં બેંગ્લૂરુએ બીજું ટાઇટલ મેળવ્યું, ગુજરાતે 2022 પછી ફરી ટ્રોફી જીતવાની તક ગુમાવી, રાજસ્થાને ખાસ કરીને ટીનેજ-સ્ટાર વૈભવ સૂર્યવંશી પર જ મદાર રાખ્યો, હૈદરાબાદે પણ ગઈ બે સીઝનની જેમ સતત ધમાકેદાર પર્ફોર્મ ન કર્યું અને પ્લે-ઑફમાં પરાજય જોયો, દિલ્હી તથા કોલકાતાની ટીમ સાધારણ રમી, એમએસ ધોનીની ગેરહાજરીમાં ચેન્નઈની ટીમની ગાડી પાટા પરથી જ ઊતરી ગઈ હતી તેમ જ મુંબઈ અને લખનઊની ટીમે અસંખ્ય ચાહકોને નિરાશ કર્યા એવામાં માત્ર પંજાબ કિંગ્સની ટીમનો પર્ફોર્મન્સ એવો હતો જે સૌથી વધુ ચર્ચામાં હતો. સાપસીડીની રમતમાં જેમ શરૂઆતમાં સીડી પરથી ખૂબ ઉપરની દિશામાં પહોંચી જવાય, પણ પછી અચાનક સાપનાં પ્રકોપનો ભોગ થઈ જવાય અને સીધા નીચે આવી જવું પડે એવું પંજાબના કિસ્સામાં બન્યું હતું.